Home Sports Ranchi Jsca Stadium Stampede Jpl T20 Final Many Injured

ફાઇનલ મેચનો ઉત્સાહ પડ્યો ભારે : રાંચી સ્ટેડિયમ બહાર સર્જાઈ ભાગદોડ, અનેક દર્શકો ઘાયલ

ફાઇનલ દરમ્યાન ભાગ દોડ ની પ્રતીકાત્મક તસવીર
Image Credit: AI
Published by: Dviti Panchal
Last Updated: Jun 23, 2026, 06:11 PM IST

ફાઇનલ મેચ જોવા હજારો ક્રિકેટપ્રેમીઓ ઉમટતા વેસ્ટ ગેટ પર સર્જાઈ અવ્યવસ્થા; સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન સામે ઉઠ્યા સવાલો

ઝારખંડની રાજધાની રાંચીમાં આવેલા JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મંગળવારે યોજાયેલી ઝારખંડ પ્રીમિયર લીગ (JPL) T20 ફાઇનલ દરમિયાન ભારે ભીડને કારણે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્ટેડિયમના વેસ્ટ ગેટ પાસે પ્રવેશ દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં અનેક દર્શકો ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટનાએ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા અને ભીડ નિયંત્રણને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.

માહિતી અનુસાર, ફાઇનલ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ હતો અને બપોરથી જ મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ બહાર એકત્ર થવા લાગ્યા હતા. મેચ શરૂ થવાના સમય સુધી વેસ્ટ ગેટ પાસે હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી. સુરક્ષા તપાસની પ્રક્રિયા ધીમી હોવાના કારણે લાંબી કતારો લાગી હતી, જેના કારણે પાછળથી વધતા દબાણ વચ્ચે અફરાતફરી સર્જાઈ હતી.

પ્રવેશ દરમિયાન ધક્કામુક્કી, અનેક લોકો ઘાયલ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ભીડ સતત વધતી જતા પ્રવેશ દ્વાર પાસે ધક્કામુક્કી શરૂ થઈ હતી. થોડા સમય માટે સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ કે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ. સ્થાનિક અહેવાલો મુજબ કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે કેટલાકને વધુ ગંભીર ઈજાઓ થઈ હોવાની માહિતી સામે આવી છે. ઘટના બાદ સ્ટેડિયમ બહાર હાજર લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ગુસ્સે ભરાયેલા કેટલાક લોકોએ બેરિકેડ્સ તોડી નાખ્યા હતા અને વેસ્ટ ગેટના એક ભાગમાં તોડફોડ પણ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.

પોલીસ અને સુરક્ષા દળોએ સંભાળી સ્થિતિ

ભાગદોડની માહિતી મળતા જ વધારાનો પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી. પોલીસ દ્વારા ભીડને વિખેરવા અને પ્રવેશ વ્યવસ્થાને ફરી સુવ્યવસ્થિત બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચાઓ તેજ બની છે. કેટલાક લોકો દ્વારા મોટી મેચો અને જાહેર કાર્યક્રમોમાં વધુ સચોટ ભીડ વ્યવસ્થાપનની જરૂરિયાત દર્શાવવામાં આવી રહી છે.

ફાઇનલ માટે ભારે ઉત્સાહ જવાબદાર?

ઝારખંડ T20 લીગની પ્રથમ આવૃત્તિની ફાઇનલ મેચ હોવાથી દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. JSCA સ્ટેડિયમમાં યોજાતી આ ટુર્નામેન્ટે રાજ્યભરના ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું. ફાઇનલ મેચ જોવા અપેક્ષા કરતાં ઘણી વધારે સંખ્યામાં લોકો પહોંચ્યા હોવાનું માનવામાં આવે છે. હાલ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઘાયલ થયેલા લોકોની સ્થિતિ અંગે સત્તાવાર વિગતવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now