Home Sports Kumar Kartikeya Hat Trick 6 Wickets Mp Premier League 2026

હેટ્રિક સાથે W,W,W,W,W,W... : IPLમાં કોઈએ ભાવ નહોતો પૂછ્યો, હવે T20માં મચાવ્યો હાહાકાર!

Kumar Kartikeya, Yudhvir Singh and Avesh Khan
Image Credit: Facebook
Published by: Aryan Shah
Last Updated: Jun 23, 2026, 10:12 AM IST

W,W,W,W,W,W : મધ્યપ્રદેશ પ્રીમિયર લીગ 2026માં 22 જૂનના રોજ રમાયેલી મેચમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. 28 વર્ષના ડાબોડી સ્પિનર કુમાર કાર્તિકેયે પોતાના T20 કરિયરનો સૌથી શાનદાર સ્પેલ નાખીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં તેણે હેટ્રિક સહિત 6 વિકેટ ઝડપીને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. આ પ્રદર્શન સાથે જ તે વિશ્વ રેકોર્ડ તોડવાની ખૂબ જ નજીક પહોંચી ગયો હતો.

IPLમાં ન મળ્યો ભાવ, લીગમાં બતાવ્યો પાવર

કુમાર કાર્તિકેય માટે IPL 2026નું ઓક્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. તેણે ઓક્શનમાં પોતાની બેઝ પ્રાઇઝ 30 લાખ રૂપિયા રાખી હતી, પરંતુ કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ તેને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. આ પછી ચેન્નાઈ સુપર કિંગ્સે તેને પોતાના નેટ બોલર તરીકે ટીમમાં સામેલ કર્યો હતો. હવે મધ્યપ્રદેશ પ્રીમિયર લીગમાં ભોપાલ લેપર્ડસ સામે 6 વિકેટ લઈને તેણે IPL ફ્રેન્ચાઈઝીઓને પોતાની તાકાતનો પરચો આપ્યો છે.

આ પણ ખાસ વાંચો : 100મી મેચમાં એમબાપ્પેનો ધમાકો : રોનાલ્ડોને પાછળ છોડી વર્લ્ડ કપમાં રચ્યો નવો ઈતિહાસ

6 વિકેટ લઈને રચ્યો નવો ઇતિહાસ

આ મેચમાં કુમાર કાર્તિકેયે માત્ર 3 ઓવરની બોલિંગમાં 24 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે પવન નિરવાની, પ્રાંજલ પુરી અને અનુરાગ માલવીયાને સતત 3 બોલ પર આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. T20 ક્રિકેટની એક ઇનિંગમાં 6 વિકેટ લેનારો તે દીપક ચહર પછી બીજો ભારતીય ખેલાડી બન્યો છે. દીપક ચહરે 2019માં બાંગ્લાદેશ સામે T20I મેચમાં 7 રન આપીને 6 વિકેટ લીધી હતી, જ્યારે કાર્તિકેયે આ સિદ્ધિ ઘરેલું લીગમાં મેળવી છે. જો તે વધુ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હોત, તો મલેશિયાના સ્યાઝાદુલ ઇદ્રુસના 7 વિકેટના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી શક્યો હોત.

વરસાદનો વિક્ષેપ અને ભોપાલની મુશ્કેલી

સોમવારે ઇન્દોરમાં થયેલા ભારે વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો, જેના લીધે અમ્પાયરોએ મેચને બંને ટીમો માટે 13-13 ઓવરની કરી દીધી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભોપાલ લેપર્ડસની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર તનિષ્ક યાદવ માત્ર 2 રન અને કેપ્ટન અનિકેત વર્મા ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. રાહુલ ચંદ્રોલ (39 રન) અને અંશ બાગરિયા (24 રન) વચ્ચે ત્રીજી વિકેટ માટે 45 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ કુમાર કાર્તિકેયની ઘાતક બોલિંગ સામે આખી ટીમ માત્ર 107 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ ખાસ વાંચો : જન્મદિવસ પહેલા જ મેસ્સીએ પોતાને આપી સૌથી મોટી ભેટ : તૂટ્યો ફૂટબોલનો 96 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ

રોયલ નિમાર ઈગલ્સની ધમાકેદાર જીત

108 રનનો પીછો કરવા ઉતરેલી રોયલ નિમાર ઈગલ્સની ટીમે માત્ર 9.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો હતો. ઓપનર ધર્મેશ પટેલે 15 રન અને હિમાંશુ મંત્રીએ 17 બોલમાં 31 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ત્યારબાદ કનિષ્ક દુબેએ વિસ્ફોટક બેટિંગ કરતાં માત્ર 19 બોલમાં 6 છગ્ગાની મદદથી નોટઆઉટ 51 રન ફટકાર્યા હતા અને આનંદ બૈસના નોટઆઉટ 12 રનની મદદથી ટીમને 8 વિકેટથી ભવ્ય જીત અપાવી હતી.

જીત બાદ કુમાર કાર્તિકેયનું નિવેદન

શાનદાર હેટ્રિક લીધા બાદ કુમાર કાર્તિકેયે જણાવ્યું હતું કે, "હું આ પ્રદર્શનથી ખૂબ જ ખુશ છું. મારું ધ્યાન માત્ર યોજના મુજબ શ્રેષ્ઠ બોલિંગ કરવા પર હતું. જ્યારે અમ્પાયરે શરૂઆતમાં બેટ્સમેનને નોટ આઉટ આપ્યો, ત્યારે મને પાકો વિશ્વાસ હતો કે બોલ સીધો સ્ટમ્પની સામે વાગ્યો છે. સાથી ખેલાડીઓ સાથે વાત કરીને અમે રીવ્યુ લીધો અને નિર્ણય અમારા પક્ષમાં આવ્યો. અમે આ લીગની દરેક મેચને નોકઆઉટ મેચની જેમ રમવાની યોજના બનાવી છે."

આ પણ ખાસ વાંચો : 39 વર્ષના થવાના બે દિવસ પહેલાં મેસ્સીનો કમાલ : 9મા બેલોન ડી'ઓર માટે મેસ્સી સામે હજુ મોટા પડકાર

મેચનો સંક્ષિપ્ત સ્કોર

ભોપાલ લેપર્ડસ : 107/10 (13 ઓવર) - રાહુલ ચંદ્રોલ 39 (23 બોલ), અંશ બાગરિયા 24 (18 બોલ), કુમાર કાર્તિકેય 6 વિકેટ (3 ઓવર/24 રન).

રોયલ નિમાર ઈગલ્સ : 112/2 (9.2 ઓવર) - કનિષ્ક દુબે 51 નોટઆઉટ (19 બોલ), હિમાંશુ મંત્રી 31 (17 બોલ), આનંદ બૈસ 12 નોટઆઉટ (8 બોલ).

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now