Earthquake: શનિવારે કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય હરિયાણાના ગુરુગ્રામમાં પણ ધરતી ધ્રુજવાને કારણે લોકોમાં થોડીવાર માટે ફફડાટ વ્યાપી ગયો હતો. શનિવારે સાંજે 7:05 વાગ્યે અફઘાનિસ્તાનના કાલાફગનથી લગભગ 81 કિલોમીટર દૂર 5.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદ નજીક હતું. તેની ઊંડાઈ 192 કિલોમીટર નોંધાઈ હતી, જેના કારણે તેના આંચકા દૂર-દૂર સુધી અનુભવાયા હતા.
કાશ્મીરથી લઈને દિલ્હી-NCRમાં ધ્રુજી ધરતી
ભૂકંપની અસર ભારત, પાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન અને કિર્ગિસ્તાન સુધી જોવા મળી હતી. ભારતમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ અને દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં લોકોએ ધરતીમાં ધ્રુજારી અનુભવી હતી.
ઘરોની બહાર નીકળી આવ્યા લોકો
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર, બારામુલા, કુપવાડા અને જમ્મુ સહિતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ આંચકા અનુભવાયા બાદ લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી આવ્યા હતા. તો બીજી તરફ, દિલ્હી-NCR અને ગુરુગ્રામમાં પણ થોડી સેકન્ડો સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
હાલ નુકસાનની કોઈ માહિતી નથી
હાલમાં જમ્મુ-કાશ્મીર કે દેશના અન્ય પ્રભાવિત વિસ્તારોમાંથી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.





