Home National Vijay Visits Kollur Mookambika Temple Karnataka Gujarati

તમિલનાડુંના CM વિજયે Mookambika Devi Templeમાં જઈ કર્યા દર્શન : જાણો મંદિરની માન્યતા અને ઈતિહાસ

CM વિજય અને મંદિરની છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: Jun 14, 2026, 05:23 AM IST

કર્ણાટકના ઉડુપી જિલ્લાના કોલ્લૂર ખાતે આવેલા પ્રસિદ્ધ મૂકાશ્બિકા દેવી મંદિરમાં તાજેતરમાં તમિલનાડુના CM વિજયે દર્શન કરીને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મંદિર મુલાકાત દરમિયાન તેમણે દેવીને 1.6 કિલો વજનની ચાંદીની તલવાર અર્પણ કરી હતી. આ તલવારને તેમના પ્રતિકાત્મક અર્પણ તરીકે જોવામાં આવી રહી છે. વિજયની આ મુલાકાતને લઈને ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને મંદિર પરિસરમાં સુરક્ષાની વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

ધાર્મિક આસ્થા અને આધ્યાત્મિક મહત્ત્વ માટે જાણીતા મૂકાશ્બિકા દેવી મંદિર દક્ષિણ ભારતના સૌથી લોકપ્રિય શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે. ખાસ કરીને કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના આશીર્વાદ મેળવવા પહોંચે છે.

1200 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે મંદિર

કોલ્લૂરનું મૂકાશ્બિકા દેવી મંદિર લગભગ 1200 વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવતું હોવાનું માનવામાં આવે છે. મંદિરનું નિર્માણ અને તેની આધ્યાત્મિક પરંપરા આદિ શંકરાચાર્ય સાથે જોડાયેલી છે. માન્યતા અનુસાર, આદિ શંકરાચાર્યએ અહીં કઠોર તપસ્યા કરી હતી અને દેવીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ તેમણે અહીં દેવીની પ્રતિષ્ઠા સ્થાપિત કરી હતી.

આ મંદિર પશ્ચિમ ઘાટની મનોહર કોડાચાદ્રી પર્વતમાળાની તળેટીમાં અને પવિત્ર સૌપર્ણિકા નદીના કિનારે સ્થિત છે. કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક વાતાવરણનું અનોખું સંમિશ્રણ અહીં જોવા મળે છે. તેથી જ આ સ્થળ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ પ્રવાસન દૃષ્ટિએ પણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: રામ મંદિરમાં ચઢાવાની રકમમાં ગેરરીતિના આરોપો બાદ ટ્રસ્ટ સક્રિય : યોગી સરકારને SIT તપાસની કરી માંગ, CCTVને લઈને પણ થયા મોટા ખુલાસા

જ્ઞાન, શક્તિ અને સમૃદ્ધિનું પ્રતિક

મૂકાશ્બિકા દેવીને જ્ઞાન, શક્તિ અને સમૃદ્ધિની અધિષ્ઠાત્રી દેવી તરીકે પૂજવામાં આવે છે. ભક્તોનું માનવું છે કે માતાના દર્શન અને પૂજાથી જીવનમાં સફળતા, વિદ્યા અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓ, કલાકારો અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા ઇચ્છતા લોકો માટે આ મંદિર વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. દક્ષિણ ભારતના અનેક પરિવારોમાં બાળકોના શિક્ષણની શરૂઆત પહેલાં મૂકાશ્બિકા દેવીના આશીર્વાદ લેવાની પરંપરા પણ જોવા મળે છે.

આ પણ વાંચો: બાગી સાંસદોની યાદીમાં વધુ એક મોટું નામ સામેલ થશે? : સુદીપ બંદોપાધ્યાયે BJP નેતા ભૂપેન્દ્ર યાદવની મુલાકાત લેતા અટકળો તેજ

આદિ શંકરાચાર્ય સાથે જોડાયેલી માન્યતાઓ

મંદિર સાથે જોડાયેલી સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક માન્યતા આદિ શંકરાચાર્યની તપસ્યા સાથે સંબંધિત છે. કહેવાય છે કે તેમણે અહીં વર્ષો સુધી ધ્યાન અને સાધના કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ દેવી સ્વયં પ્રગટ થઈ હતી અને તેમને દર્શન આપ્યા હતા. આ ઘટના બાદ આદિ શંકરાચાર્યએ અહીં દેવીની સ્થાપના કરી અને મંદિરને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવ્યું. આજ સુધી લાખો ભક્તો આ સ્થાનને શંકરાચાર્યની તપોભૂમિ તરીકે આદરપૂર્વક યાદ કરે છે.

શિવ અને શક્તિનું અનોખું સંગમ

મૂકાશ્બિકા દેવી મંદિરનું એક વિશેષ ધાર્મિક મહત્વ એ છે કે તેને શિવ અને શક્તિના અનોખા સંગમનું પ્રતિક માનવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહ નીચે એક પ્રાચીન જ્યોતિર્લિંગ હોવાની માન્યતા છે, જે આ સ્થળને વધુ પવિત્ર બનાવે છે.

ધાર્મિક પરંપરા અનુસાર આ જ્યોતિર્લિંગને એક સુવર્ણ રેખા બે ભાગોમાં વિભાજિત કરે છે. ડાબી બાજુને મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનું પ્રતિક માનવામાં આવે છે, જ્યારે જમણી બાજુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ કારણે મંદિરને શક્તિ અને સૃષ્ટિના સર્જન, પાલન અને સંહારના તત્વોનું સંયુક્ત કેન્દ્ર માનવામાં આવે છે.

આ પણ વાંચો: લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતના નવા આર્મી ચીફ : 30 જૂને સંભાળશે કમાન

મૂકાશુરના વધની પૌરાણિક કથા

મંદિર સાથે જોડાયેલી એક રસપ્રદ પૌરાણિક કથા પણ પ્રચલિત છે. કથા અનુસાર અહીં કૌમાસુર અથવા મૂકાશુર નામનો એક શક્તિશાળી રાક્ષસ રહેતો હતો. તેણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરીને અમરત્વનું વરદાન મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ દેવી સરસ્વતીએ તેની જીભ પર નિયંત્રણ મેળવી લીધું, જેના કારણે તે પોતાની ઇચ્છા વ્યક્ત કરી શક્યો નહીં અને ‘મૂકાસુર’ તરીકે ઓળખાવા લાગ્યો. ત્યારબાદ તેના વધ માટે મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીએ સંયુક્ત રૂપ ધારણ કરીને મૂકાશ્બિકા દેવીનું સ્વરૂપ ધારણ કર્યું અને રાક્ષસનો સંહાર કર્યો. આ ઘટનાની સ્મૃતિમાં દેવીને ‘મૂકાશ્બિકા’ તરીકે પૂજવામાં આવે છે.

દક્ષિણ ભારતનું મહત્વનું તીર્થસ્થાન

મૂકાશ્બિકા દેવી મંદિર દક્ષિણ ભારતના સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાં સ્થાન ધરાવે છે. અહીં દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવે છે, જ્યારે નવરાત્રિ અને અન્ય વિશેષ ધાર્મિક પ્રસંગો દરમિયાન ભક્તોની સંખ્યા લાખોમાં પહોંચી જાય છે.

વિજયની તાજેતરની મુલાકાત બાદ ફરી એકવાર આ ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતા મંદિરની ચર્ચા સમગ્ર દેશમાં શરૂ થઈ છે. ધાર્મિક આસ્થા, પ્રાચીન ઇતિહાસ અને પૌરાણિક પરંપરાનું અનોખું કેન્દ્ર ગણાતું કોલ્લૂરનું મૂકાશ્બિકા દેવી મંદિર આજે પણ લાખો ભક્તોની શ્રદ્ધાનું પ્રતિક બની રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now