Home International Venice City Wooden Pillars Underwater Engineering Secret

ન સ્ટીલ, ન સિમેન્ટ... : તો પછી 1600 વર્ષથી પાણી પર કેવી રીતે ટકી રહ્યું છે આ રહસ્યમય શહેર?

Venice City
Published by: Viral Patel
Last Updated: May 29, 2026, 02:00 AM IST

Venice City: દુનિયાની મોટાભાગની ઇમારતો સિમેન્ટ, સ્ટીલ અને આધુનિક ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવે છે, પરંતુ ઇટાલીનું પ્રખ્યાત શહેર વેનિસ આજે પણ એક એવા રહસ્યના કારણે દુનિયાને આશ્ચર્યચકિત કરે છે, જેને જાણીને મોટા-મોટા એન્જિનિયરો પણ વિચારમાં પડી જાય છે. આશરે 1600 વર્ષ જૂનું આ શહેર લાખો લાકડાના સ્તંભો (થાંભલાઓ) પર ટકેલું છે. ખાસ વાત એ છે કે આ સ્તંભો પાણી અને કાદવવાળી જમીનની અંદર ખૂંપાવવામાં આવ્યા છે, તેમ છતાં સદીઓથી આ શહેર મજબૂતાઈથી ઊભું છે. વેનિસને લોકો 'ઊંધું જંગલ' પણ કહે છે, કારણ કે તેની નીચે વૃક્ષોની એક વિશાળ જાળ છુપાયેલી છે. આધુનિક ઇમારતોનો પાયો જ્યાં 50 થી 100 વર્ષ સુધી ટકવાની ગેરંટી સાથે બનાવવામાં આવે છે, ત્યાં વેનિસનો લાકડાનો પાયો દોઢ હજાર વર્ષથી પણ વધુ સમયથી આ આખા શહેરને સંભાળી રહ્યો છે.

કેવી રીતે બન્યો લાકડાનો પાયો?

વેનિસનો પાયો લાખો નાના-નાના લાકડાના સ્તંભોથી તૈયાર કરવામાં આવ્યો હતો. આ સ્તંભોનો અણીદાર ભાગ નીચેની તરફ રાખીને તેમને જમીનમાં ખૂંપાવવામાં આવ્યા હતા. આ માટે લાર્ચ, ઓક, એલ્ડર, પાઈન, સ્પ્રુસ અને એલ્મ જેવા વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્તંભોની લંબાઈ આશરે 3 ફૂટથી લઈને 11 ફૂટ સુધીની હતી. તેમને કાદવવાળી જમીનમાં એટલી ઊંડાઈ સુધી ખૂંપાવવામાં આવ્યા કે તેઓ માટીમાં પૂરી રીતે ફસાઈ ગયા. ત્યારબાદ તેની ઉપર લાકડાના આડા પાટિયા અને બીમ મૂકવામાં આવ્યા અને પછી તેના પર પથ્થરો ચણીને ઇમારતો બનાવવામાં આવી. આ જ કારણ છે કે આજે પણ વેનિસના મોટા મહેલો, ચર્ચ અને ક્લોક ટાવર (ઘંટાઘર) મજબૂતાઈથી ઊભેલા દેખાય છે.

સારવાર દરમિયાન દર્દી સાથેની નિકટતાએ ડૂબાડી ડોક્ટરની કારકિર્દી! : બ્રિટનમાં ગુજરાતી તબીબે મહિલા સાથે જે કર્યું એનાથી દેશની આબરૂ ગઇ!

કેટલા સ્તંભો પર ટકેલું છે શહેર?

આખા વેનિસની નીચે બરાબર કેટલા લાકડાના સ્તંભો છે તે કોઈ ચોક્કસ જાણી શક્યું નથી, પરંતુ આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. માત્ર રિયાલ્ટો બ્રિજની નીચે જ આશરે 14 હજાર લાકડાના સ્તંભો ખૂંપાવવામાં આવ્યા હતા. વર્ષ 832માં બનેલા પ્રખ્યાત સેન્ટ માર્ક બેસિલિકાના પાયામાં લગભગ 10 હજાર ઓક વૃક્ષોના લાકડાનો ઉપયોગ થયો હતો. તે સમયે આ સ્તંભોને કાદવમાં ખૂંપાવનારા મજૂરોને ‘બત્તીપાલી’ કહેવામાં આવતા હતા. તેઓ કામ કરતી વખતે એકબીજા સાથે તાલમેલ જાળવી રાખવા માટે ગીતો પણ ગાતા હતા. આ ટેકનિક માત્ર એક બાંધકામ નહોતું, પરંતુ પ્રકૃતિ અને માનવ સમજના અનોખા સંગમનું પરિણામ હતું, જેણે વેનિસને દુનિયાના સૌથી અનોખા શહેરોમાં સામેલ કરી દીધું.

સ્તંભો કેવી રીતે લગાવવામાં આવતા હતા?

વેનિસનો પાયો બનાવવાની પ્રક્રિયા ખૂબ જ ખાસ હતી. સૌથી પહેલા ઇમારતના બહારના ભાગથી કામ શરૂ કરવામાં આવતું અને પછી ધીમે-ધીમે અંદરની તરફ આગળ વધાતું. સામાન્ય રીતે એક ચોરસ મીટરની જગ્યામાં ગોળાકાર પેટર્નમાં આશરે નવ સ્તંભો ખૂંપાવવામાં આવતા હતા. ત્યારબાદ સ્તંભોના ઉપરના ભાગને કાપીને એક સમાન સપાટી બનાવવામાં આવતી, જે સમુદ્રના સ્તરથી નીચે રહેતી હતી. પછી તેના પર લાકડાના પાટિયા અને બીમ મૂકવામાં આવતા, જેને ‘ઝત્તેરોની’ અને ‘માદીએરી’ કહેવામાં આવતા. છેલ્લે તેના પર ભારે પથ્થરો ગોઠવીને ઇમારતો તૈયાર કરવામાં આવતી હતી. વેનિસ પ્રજાસત્તાકે જંગલોની સુરક્ષા માટે ખાસ નિયમો પણ બનાવ્યા હતા જેથી બાંધકામ અને જહાજ બનાવવા માટે પૂરતું લાકડું મળતું રહે.

લેબેનોન-ઈઝરાયલ યુદ્ધમાં 300થી વધુ ગામો ખાલી કરાવાયા : દક્ષિણ લેબેનોન ‘કોમ્બેટ ઝોન’ જાહેર

આખરે વેનિસ કેમ ખૂંપી નથી જતું?

સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે પાણી અને કાદવવાળી જમીન પર બનેલું આ શહેર આજ સુધી જમીનમાં ધસી કેમ નથી ગયું? વિજ્ઞાનીઓના મતે, આનું રહસ્ય માટી અને લાકડા વચ્ચે પેદા થતા ઘર્ષણ (Friction)માં છુપાયેલું છે. જ્યારે હજારો સ્તંભો એકસાથે જમીનમાં ખૂંપાવવામાં આવે છે, ત્યારે માટી તેમને મજબૂતાઈથી પકડી લે છે. વૈજ્ઞાનિક ભાષામાં આને હાઇડ્રોસ્ટેટિક પ્રેશર (Hydrostatic pressure) કહેવામાં આવે છે. વેનિસનો પાયો કોઈ નક્કર ખડક સુધી પહોંચતો નથી, પરંતુ તે માટીના ઘર્ષણના કારણે જ ઇમારતોને પકડી રાખે છે. અમેરિકાના આર્કિટેક્ચર પ્રોફેસર થોમસ લેસ્લીના જણાવ્યા અનુસાર, આ જ ટેકનિક સદીઓથી વેનિસને સંભાળી રહી છે. આ પદ્ધતિ એટલી અસરકારક સાબિત થઈ છે કે આધુનિક એન્જિનિયરિંગ પણ આમાંથી શીખ લઈ રહ્યું છે.

શું આ ટેકનિક પહેલા પણ વપરાઈ હતી?

લાકડાના સ્તંભોવાળી આ ટેકનિક માત્ર વેનિસ પૂરતી સીમિત નહોતી. પ્રથમ સદીના રોમન એન્જિનિયરો પણ પુલ બનાવવામાં પાણીની અંદર લાકડાના સ્તંભોનો ઉપયોગ કરતા હતા. ચીનમાં વોટર ગેટ્સ આ જ ટેકનિકથી બનાવવામાં આવ્યા હતા. મેક્સિકો સિટીમાં એઝટેક (Aztec) સભ્યતાએ પણ આ જ પદ્ધતિ અપનાવી હતી. જોકે, પાછળથી સ્પેનિશ શાસકોએ ત્યાં ભારે કેથેડ્રલ (મોટા ચર્ચ) બનાવી દીધા, જે ધીમે-ધીમે જમીનમાં ધસવા લાગ્યા. નિષ્ણાતોનું માનવું છે કે એઝટેક લોકો પોતાના પર્યાવરણને વધુ સારી રીતે સમજતા હતા. વેનિસની ખાસિયત એ છે કે અહીં આ ટેકનિકનો ઉપયોગ ખૂબ જ મોટા પાયા પર કરવામાં આવ્યો અને આજે પણ આખું શહેર સુરક્ષિત ઊભું છે. આ જ કારણે વેનિસને એન્જિનિયરિંગની અદ્ભુત અજાયબી કહેવામાં આવે છે.

21મી સદીનું સૌથી લાંબું સૂર્યગ્રહણ : 6 મિનિટ સુધી છવાશે અંધકાર, જાણો ક્યાં અને ક્યારે થશે આ અદ્ભુત ઘટના

લાકડું આખરે સડતું કેમ નથી?

આટલા વર્ષો સુધી પાણીમાં રહેવા છતાં લાકડું પૂરી રીતે ખરાબ ન થવું એ સૌથી વધુ હેરાન કરનારી બાબત છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, પાણી અને માટી બંને મળીને લાકડાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. માટી ઓક્સિજનને અંદર જવા દેતી નથી, જેના કારણે ફૂગ (Fungus) અને કીડાઓ સક્રિય થઈ શકતા નથી.જોકે, બેક્ટેરિયા લાકડાને ધીમે-ધીમે નુકસાન પહોંચાડે છે, પરંતુ તેમની અસર અત્યંત ધીમી હોય છે. સાથે જ, પાણી લાકડાના કોષોને ભરી દે છે, જેથી તેનો આકાર જળવાઈ રહે છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે સમય જતાં થોડું નુકસાન ચોક્કસ થયું છે, પરંતુ લાકડું, માટી અને પાણીની આ સિસ્ટમ આજે પણ મજબૂતાઈથી કામ કરી રહી છે.

શું આ શહેર હજી પણ સુરક્ષિત છે?

આશરે દસ વર્ષ પહેલા પાદોવા અને વેનિસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ શહેરના પાયા પર સંશોધન કર્યું હતું. તેમણે વર્ષ 1440માં બનેલા ફ્રારી ચર્ચના ક્લોક ટાવરની તપાસ કરી, જે દર વર્ષે આશરે એક મિલિમીટર જેટલો ધસી રહ્યો છે. અત્યાર સુધીમાં તે લગભગ 60 સેન્ટીમીટર નીચે જઈ ચૂક્યો છે. વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું કે સમયની સાથે લાકડું નબળું પડી રહ્યું છે, પરંતુ હજી પણ આખી સિસ્ટમ કામ કરી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યાં સુધી માટી, પાણી અને પર્યાવરણની સંતુલન જળવાઈ રહેશે, ત્યાં સુધી વેનિસ સુરક્ષિત રહેશે. જોકે, સતત દેખરેખ અને સંશોધન જરૂરી છે, કારણ કે આ શહેર દુનિયાની ઐતિહાસિક વિરાસતો (World Heritage)માં સામેલ છે.

શું AI નું જ ભવિષ્ય જોખમમાં? : અબજો ડોલરનું રોકાણ છતાં વિશ્વની દિગ્ગજ કંપનીઓ કેમ ઉઠાવી રહી છે સવાલ?

કેમ ખાસ છે વેનિસનું એન્જિનિયરિંગ?

આજના યુગમાં મોટાભાગની ઇમારતો સ્ટીલ અને કોંક્રિટથી બનાવવામાં આવે છે, પરંતુ વેનિસની વાર્તા સાબિત કરે છે કે પ્રાચીન સમયનું એન્જિનિયરિંગ કેટલું શાનદાર હતું. હવે દુનિયામાં ફરીથી લાકડાના બાંધકામનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને ઘણી જગ્યાએ લાકડાની ઊંચી ઇમારતો પણ બનાવવામાં આવી રહી છે. નિષ્ણાતો માણે છે કે લાકડું પર્યાવરણ માટે વધુ સારું છે, તે કાર્બનને શોષી લે છે અને ભૂકંપના સમયે વધુ લવચીક (Flexible) સાબિત થાય છે. પ્રોફેસર એલેક્ઝાન્ડર પ્યૂઝ્રિનનું કહેવું છે કે વેનિસ એવા લોકોએ બનાવ્યું હતું જેમણે ન તો આધુનિક એન્જિનિયરિંગ ભણ્યું હતું કે ન તો જીઓ-ટેકનિકલ સાયન્સ, છતાં તેમણે એક એવું શહેર ઊભું કરી દીધું જે 1600 વર્ષ પછી પણ આખી દુનિયાને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now