Cockroach breeding : સામાન્ય રીતે આપણા ઘરોમાં, રસોડાની સિંક નીચે કે અંધારા ખૂણામાં એકાદ વંદો (કોકરોચ) પણ દેખાય તો ગૃહિણીઓ અને ઘરના સભ્યો તેને ભગાડવા માટે અવનવા કિચન સ્પ્રે કે હિટ મારવા લાગે છે. ભારતમાં વંદાને ગંદકી, બેક્ટેરિયા અને બીમારીઓ ફેલાવનાર એક નકામો જીવ માનવામાં આવે છે. પરંતુ, શું તમે ક્યારેય કલ્પના કરી છે કે કોઈ દેશ આ જ નફરત પાત્ર જીવને પાળવા માટે કરોડો રૂપિયાનું રોકાણ કરી શકે? હા, આપણા પાડોશી દેશ ચીનમાં વંદાઓની ભારે ડિમાન્ડ છે. ચીનમાં કોઈ એક કે બે નહીં, પરંતુ અબજોની સંખ્યામાં વંદાઓને ખાસ હાઇટેક ફેક્ટરીઓમાં અત્યંત કાળજીપૂર્વક ઉછેરવામાં આવે છે. ચીન માટે આ કોઈ ગંદકી નથી, પરંતુ અબજો રૂપિયાની કમાણી કરતો એક સક્સેસફુલ બિઝનેસ મોડલ છે. જાણો આખરે ચીન કેમ આટલા મોટા પાયે 'કોકરોચ ફાર્મિંગ' કરી રહ્યું છે.
વેસ્ટ મેનેજમેન્ટનું અનોખું હથિયાર
ચીનની આર્થિક પ્રગતિની સાથે ત્યાં ભોજનનો બગાડ (ફૂડ વેસ્ટ) પણ એક ખૂબ મોટી રાષ્ટ્રીય સમસ્યા બની ગયો છે. એકલા ચીનની રાજધાની બેઈજિંગ જેવા મહાનગરમાં જ રોજનું આશરે 25 હજાર ટન જેટલું એઠું અને વધેલું ખાવાનું કચરામાં જાય છે. આટલી વિશાળ માત્રામાં ઓર્ગેનિક કચરાનો નિકાલ કરવો, તેને જમીનમાં દાટવો કે રિસાયકલ કરવો એ ચીન સરકાર માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. આ સમસ્યાના કાયમી તોડ તરીકે ચીને વંદાઓનો આર્મી તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ ફાર્મ્સમાં હોટલો અને ઘરોમાંથી એકઠો કરાયેલો ફૂડ વેસ્ટ લાવવામાં આવે છે. મોટી-મોટી પાઇપો દ્વારા આ એઠું ભોજન વંદાઓના વિશાળ હોલમાં છોડવામાં આવે છે, અને લાખો વંદાઓ ગણતરીની મિનિટોમાં આ ટનબંધ કચરાને ચટ કરી જાય છે. આમ, ચીન કોઈપણ પ્રદૂષણ વગર કુદરતી રીતે વેસ્ટ મેનેજમેન્ટ કરી રહ્યું છે.
હાઇટેક અને AI ફાર્મિંગ
ચીનમાં વંદા ઉછેરવા માટે કોઈ સામાન્ય ગંદા ગોડાઉનનો ઉપયોગ નથી થતો, પરંતુ આ માટે મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગો બનાવવામાં આવી છે જેને જોતાં કોઈ આધુનિક IT કંપની કે ફેક્ટરી જેવો ભાસ થાય. દુનિયાનું સૌથી મોટું કોકરોચ ફાર્મ ચીનના શીચાંગ (Xichang) શહેરમાં આવેલું છે. આ ફેક્ટરીઓની અંદર સંપૂર્ણ અંધારું રાખવામાં આવે છે અને વંદાઓને ગમે તેવું હળવું ગરમ અને ભેજવાળું આર્ટિફિશિયલ વાતાવરણ ઊભું કરાય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ ફાર્મ્સનું સંચાલન મનુષ્યો નહીં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સ્માર્ટ અલ્ગોરિધમ કરે છે. AI સિસ્ટમ સતત રૂમનું તાપમાન, ભેજનું પ્રમાણ અને વંદાઓની વસ્તી પર નજર રાખે છે. વંદાઓ ઝડપથી બ્રીડિંગ (વંશવેલો વધારે) કરી શકે તે માટે વાતાવરણને ઓટોમેટેડ સિસ્ટમથી કંટ્રોલ કરીને દર વર્ષે આશરે 6 અબજથી વધુ વંદાઓ પેદા કરવામાં આવે છે.
દવાઓ અને મેડિકલ રિસર્ચ ક્ષેત્રે ધૂમ કમાણી
ચીનની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ (Traditional Chinese Medicine) હજારો વર્ષ જૂની છે, જેમાં વંદાઓનો ઉપયોગ અકસીર ઈલાજ તરીકે થાય છે. ચીની વૈજ્ઞાનિકોના મતે વંદાની ત્વચા અને તેના શરીરમાં એવા વિશિષ્ટ તત્વો હોય છે જે માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે. આ વંદાઓમાંથી ખાસ સિરપ અને ટેબ્લેટ્સ બનાવવામાં આવે છે, જે પેટના અલ્સર, શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ, અસ્થમા અને ત્વચાના સોજા (ઇન્ફ્લેમેશન)ને મટાડવા માટે રામબાણ ઈલાજ ગણાય છે. હાલમાં ચીનની મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ વંદાઓના એક્સ્ટ્રેક્ટ પર મોટું રિસર્ચ કરી રહી છે, અને મેડિકલ સાયન્સ માને છે કે કેન્સર તેમજ એડ્સ (AIDS) જેવી જીવલેણ બીમારીઓની નવી દવાઓ શોધવામાં વંદા એક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, વંદાના એસેન્સનો ઉપયોગ પ્રીમિયમ બ્યૂટી પ્રોડક્ટ્સ અને એન્ટી-એજિંગ ક્રીમ બનાવવામાં પણ થાય છે.
સારવાર દરમિયાન દર્દી સાથેની નિકટતાએ ડૂબાડી ડોક્ટરની કારકિર્દી!: બ્રિટનમાં ગુજરાતી તબીબે મહિલા સાથે જે કર્યું એનાથી દેશની આબરૂ ગઇ!
પશુઓ માટે પ્રોટીનયુક્ત સુપરફૂડ અને ચારો
એક વંદાનું આયુષ્ય સામાન્ય રીતે 6 મહિના જેટલું હોય છે. જ્યારે આ વંદાઓ પોતાની જિંદગી પૂરી કરવાની અણી પર હોય, ત્યારે તેમને ફેક્ટરીમાં જ ખાસ મશીનો દ્વારા ગરમ વરાળથી સાફ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને કડક તડકામાં કે ઓવનમાં સૂકવી દેવાય છે. વંદા પ્રોટીનનો પાવરહાઉસ માનવામાં આવે છે. આ સુકવેલા વંદાઓને મશીનમાં પીસીને તેનો પાવડર બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ મરઘા પાલન (Poultry), ડુક્કર ઉછેર (Swine Farms) અને માછલીઓ માટે હાઇ-પ્રોટીન ચારા તરીકે થાય છે. થોડા વર્ષો પહેલા ચીનમાં સ્વાઈન ફ્લૂ ફેલાયો હતો, જેના કારણે સુવરોને સીધો ફૂડ વેસ્ટ ખવડાવવા પર પ્રતિબંધ મુકાયો હતો. ત્યારથી પશુધનને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે આ વંદામાંથી બનેલો ચારો ચીનનો સૌથી મોટો સોર્સ બની ગયો છે. એટલું જ નહીં, હવે વંદાની એક ખાસ પ્રજાતિમાંથી 'કોકરોચ મિલ્ક' પણ કાઢવામાં આવે છે, જેને ભવિષ્યનું નવું સુપરફૂડ માનવામાં આવી રહ્યું છે.
ઈરાનની જેમ હથિયારોનું પાતાળ લોક બનાવી રહ્યું છે ચીન: રણની મધ્યમાં તૈયાર થઈ રહ્યો છે પરમાણુ કિલ્લો, સેટેલાઈટ તસવીરોથી થયો ચોંકાવનારો ખુલાસો
સુરક્ષા વ્યવસ્થા અને મોટો ખતરો
છેલ્લા એક દાયકાથી ચીનમાં આ બિઝનેસ અબજો ડોલરની ઇન્ડસ્ટ્રી બની ચૂક્યો છે અને ઘણા સ્ટાર્ટઅપ્સ આ ક્ષેત્રમાં આવી રહ્યા છે. પરંતુ આ આખો બિઝનેસ એક જબરદસ્ત જોખમ પર ટકેલો છે. જરા વિચારો કે જો કોઈ ભૂકંપ, પૂર કે ટેકનિકલ ખામીના કારણે આ ફેક્ટરીની દિવાલો તૂટી જાય અને અબજો વંદાઓ એકસાથે બહાર નીકળીને શહેરમાં ફેલાઈ જાય તો શું થાય? વૈજ્ઞાનિકોના મતે, જો આવું થાય તો આખેઆખું શહેર પ્લેગ કે અન્ય મહામારીની ઝપેટમાં આવી શકે છે અને તબાહ થઈ શકે છે. આ જ ડરના કારણે ચીન સરકાર આ ફાર્મ્સની સુરક્ષા પર ખૂબ કડક નજર રાખે છે. આ ફેક્ટરીઓની આસપાસ કોંક્રિટની મજબૂત દિવાલો અને પાણીની ચેનલો બનાવવામાં આવે છે જેથી એક પણ વંદો ભૂલથી પણ બહાર ન જઈ શકે.





