Home International China Building Underground Secret Nuclear Missile Base Xinjiang Satellite Images Reveal

ઈરાનની જેમ હથિયારોનું પાતાળ લોક બનાવી રહ્યું છે ચીન : રણની મધ્યમાં તૈયાર થઈ રહ્યો છે પરમાણુ કિલ્લો, સેટેલાઈટ તસવીરોથી થયો ચોંકાવનારો ખુલાસો

China Nuclear Missiles Facility
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: May 29, 2026, 12:52 PM IST

ચીન અત્યારે પોતાના દૂર-દરાજ વિસ્તારમાં એક એવું અતિ આધુનિક અને વિશાળ સૈન્ય માળખું તૈયાર કરી રહ્યું છે, જેને સંરક્ષણ નિષ્ણાતો 'પાતળ લોક' તરીકે સંબોધી રહ્યા છે. આ રહસ્યમયી રણ વિસ્તારમાં ચીન સેંકડો લોન્ચ પેડ, બંકરો અને અત્યાધુનિક કોમ્યુનિકેશન નેટવર્કનું જાળ બિછાવી રહ્યું છે. ચીનની આ રણનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય તેની 'સેકન્ડ સ્ટ્રાઈક' ક્ષમતાને એટલે કે દુશ્મનના પહેલા હુમલા પછી પણ ઘાતક વળતો પ્રહાર કરવાની શક્તિને અનેકગણી વધારવાનો છે. સેટેલાઈટ દ્વારા મળેલી તસવીરોમાં સાફ દેખાઈ રહ્યું છે કે ચીન શિનજિયાંગ પ્રાંતના વિશાળ રણ વિસ્તારમાં પોતાની લાંબા અંતરની પરમાણુ મિસાઈલો માટે અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરી રહ્યું છે. પેન્ટાગોનની રિપોર્ટ મુજબ, 2030 સુધીમાં ચીન પાસે 1000 પરમાણુ વોરહેડ્સ હોઈ શકે છે. અમેરિકા અને ચીન વચ્ચેના વધતા તણાવ, ખાસ કરીને તાઈવાન મુદ્દે, ચીન કોઈ પણ સંજોગોમાં પોતાની પરમાણુ સુરક્ષાને નબળી પડવા દેવા માંગતું નથી.

રણની મધ્યમાં શું તૈયાર કરી રહ્યું છે ચીન?

ચીને પૂર્વ શિનજિયાંગના વિશાળ રણ વિસ્તારમાં બે અત્યંત રહસ્યમય અને વિશાળ 'અષ્ટકોણ' (Octagon) આકારના સૈન્ય સંકુલ તૈયાર કર્યા છે, જે માત્ર સામાન્ય ઈમારતો ન હોઈ એક મજબૂત કિલ્લા સમાન છે. આ સંકુલમાં પરમાણુ યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા માટેની તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં સરળતાથી હેરફેર કરી શકાય તેવા મોબાઈલ મિસાઈલ લોન્ચર્સથી લઈને યુદ્ધ દરમિયાન સંચાર વ્યવસ્થા જાળવી રાખવા માટેનું સક્ષમ કમાન્ડ એન્ડ કંટ્રોલ નેટવર્ક સામેલ છે. આટલું જ નહીં, સૈનિકોના આવાસની વ્યવસ્થા સાથે હથિયારોના સુરક્ષિત બંકરો, મોટા વાહનો માટેના શેડ અને ઈંધણ સંગ્રહ માટેના વિશાળ ગોડાઉનો પણ બનાવવામાં આવ્યા છે. આ વિસ્તારને જોડવા માટે ચીન દ્વારા નવી સડકો અને રેલવે લાઈનોનું જે મોટું નેટવર્ક બિછાવવામાં આવ્યું છે, તે સ્પષ્ટપણે દર્શાવે છે કે ચીન માત્ર તાત્કાલિક જરૂરિયાત માટે નહીં, પરંતુ ભવિષ્યના લાંબાગાળાના સંઘર્ષો માટે એક અભેદ્ય પરમાણુ કિલ્લો તૈયાર કરી રહ્યું છે.

આ પણ વાંચો: અમેરિકા ભણવા જતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર: ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી વિદ્યાર્થીઓ માટે 15% કેપ લગાવવાનો કર્યો પ્રસ્તાવ

'સેકન્ડ સ્ટ્રાઈક' ક્ષમતા એટલે શું?

ચીનની પરમાણુ નીતિ 'નો ફર્સ્ટ યુઝ' (પહેલા હુમલો ન કરવો) પર આધારિત હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ, ચીનનું માનવું છે કે જો કોઈ દેશ ચીન પર પરમાણુ હુમલો કરે, તો પણ તેમની આ મિસાઈલો અને નેટવર્ક એટલા સુરક્ષિત હોવા જોઈએ કે તેઓ વળતો પ્રહાર કરી શકે. આ 'સેકન્ડ સ્ટ્રાઈક' ક્ષમતાને મજબૂત બનાવવા માટે જ ચીન આટલા વિશાળ પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું છે, જેથી દુશ્મનનો પહેલો હુમલો નિષ્ફળ જાય.

નિષ્ણાતોનું શું માનવું છે?

આંતરરાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાતો ચીનની આ ઝડપી ગતિને 'અસાધારણ' ગણાવી રહ્યા છે. ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના હંસ ક્રિસ્ટનસેનનું કહેવું છે કે, "મેં આ પ્રકારનું નિર્માણ કાર્ય પહેલાં ક્યારેય જોયું નથી." બીજી તરફ, કાર્નેગી એન્ડોમેન્ટના ટોંગ ઝાઓ માને છે કે આ અષ્ટકોણ સંરચનાઓ સીધી રીતે પરમાણુ કંટ્રોલ સિસ્ટમ સાથે જોડાયેલી છે, જે યુદ્ધના સમયે રણમેદાનમાં નિર્ણાયક સાબિત થશે.

ભારત માટે ચિંતાનો વિષય?

ચીનનું આ આક્રમક વિસ્તરણ ભારત માટે પણ ચિંતાજનક છે. ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સરહદી તણાવ ચાલી રહ્યો છે. ભલે ભારતે અગ્નિ-૫ જેવી સક્ષમ મિસાઈલો વિકસાવી હોય, પરંતુ ચીન જે ગતિએ પોતાની પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે, તે જોતા ભારતે પણ પોતાની વ્યૂહાત્મક તૈયારીઓને વધુ મજબૂત અને સતર્ક કરવાની તાતી જરૂરિયાત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now