Doctor and patient : તબીબી જગતને ચોંકાવી દેતી એક ઘટના બ્રિટનમાંથી સામે આવી છે. મૂળ ગુજરાતના વડોદરાના એક જાણીતા ન્યુરોસર્જનને બ્રિટનની મેડિકલ ટ્રિબ્યુનલ દ્વારા આઠ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ડોક્ટર પર પોતાની જ એક મહિલા દર્દી સાથે સારવાર દરમિયાન અનૈતિક અને અયોગ્ય શારીરિક સંબંધો બાંધવાનો ગંભીર આરોપ સાબિત થયો છે.
ડોક્ટરનું વડોદરા કનેક્શન
આ ગંભીર મામલામાં સંડોવાયેલા ડોક્ટરનું નામ ચિરાગ પટેલ છે. તેઓ મૂળ ગુજરાતના વડોદરાના વતની છે અને તેમણે વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માંથી પોતાનો મેડિકલનો અભ્યાસ પૂરો કર્યો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ બ્રિટન સ્થાયી થયા હતા અને ત્યાં કાર્ડિફમાં આવેલી યુનિવર્સિટી હૉસ્પિટલ ઑફ વેલ્સમાં ન્યુરોસર્જન તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા.
મહિલાની સ્થિતિનો ફાયદો ઉઠાવ્યો
મેડિકલ ટ્રિબ્યુનલની સુનાવણી દરમિયાન આ કેસને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. વર્ષ 2019 થી 2021 દરમિયાન ડો. ચિરાગ પટેલ આ મહિલા દર્દીની સારવાર કરી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન મહિલાની શારીરિક અને માનસિક સ્થિતિ ખૂબ જ નાજુક હતી. ડોક્ટરે દર્દીની આ લાચારી અને નાજુક પરિસ્થિતિનો ખોટો ફાયદો ઉઠાવ્યો અને પોતાની મર્યાદાઓ ઓળંગીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
ગુનાની કબૂલાત અને ખેદ
આ મામલો જ્યારે બ્રિટનની જનરલ મેડિકલ કાઉન્સિલ (GMC) સમક્ષ પહોંચ્યો, ત્યારે ડો. ચિરાગ પટેલે પોતાનો વાંક સ્વીકારી લીધો હતો. તેમણે સ્વીકાર્યું કે સારવાર દરમિયાન દર્દી સાથે આવા સંબંધો બાંધવા તે તબીબી મર્યાદાઓનું ઉલ્લંઘન છે. આ સાથે જ તેમણે દર્દી સાથે કરેલા આ અયોગ્ય વ્યવહાર બદલ ટ્રિબ્યુનલ સમક્ષ ઊંડો ખેદ પણ વ્યક્ત કર્યો હતો.
લેબેનોન-ઈઝરાયલ યુદ્ધમાં 300થી વધુ ગામો ખાલી કરાવાયા: દક્ષિણ લેબેનોન ‘કોમ્બેટ ઝોન’ જાહેર
મેડિકલ રેકોર્ડ વગર દવાઓ આપી
ડો. પટેલ પર માત્ર અનૈતિક સંબંધો રાખવાનો જ આરોપ નથી, પણ તેમણે તબીબી નિયમો અને પ્રોટોકોલનો પણ મોટો ભંગ કર્યો છે. રિપોર્ટ અનુસાર, મે 2022 થી જાન્યુઆરી 2023 ની વચ્ચે તેમણે આ મહિલા દર્દીને કેટલીક પ્રતિબંધિત અને ભારે વ્યસનકારક પેઇનકિલર્સ દવાઓ લખી આપી હતી. નિયમો મુજબ આવી દવાઓ આપતી વખતે ઓફિશિયલ મેડિકલ રેકોર્ડ બનાવવો ફરજિયાત હોય છે, પરંતુ ડોક્ટરે સત્તાવાર રેકોર્ડમાં આનો કોઈ જ ઉલ્લેખ કર્યો નહોતો.
સંબંધો બગડતા ભાંડો ફૂટ્યો
ડૉક્ટર અને મહિલા દર્દી વચ્ચેના આ સંબંધો લાંબા સમય સુધી ચાલ્યા, પરંતુ ફેબ્રુઆરી 2023 સુધીમાં બંને વચ્ચે કોઈ કારણસર ભારે વિવાદ અને ખટરાગ ઊભો થયો હતો. બંને વચ્ચેના સંબંધો એટલા વણસી ગયા કે મહિલા દર્દીએ આખરે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી. જોકે, પોલીસે આ મામલે કોઈ કડક પગલાં ન લેતા, મહિલાએ સીધી કાર્ડિફ અને વેલ યુનિવર્સિટી હેલ્થ બોર્ડના મેડિકલ ડાયરેક્ટરને પુરાવા સાથે લેખિતમાં ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ કરી હતી.
ટ્રિબ્યુનલ દ્વારા કડક સજા
આ લેખિત ફરિયાદના આધારે આરોપોની તપાસ કરવામાં આવી હતી. તબીબી વ્યવસાયની ગરિમાને ઠેસ પહોંચાડવા, મેડિકલ પ્રોટોકોલનો ભંગ કરવા અને દર્દીની મજબૂરીનો ફાયદો ઉઠાવવા બદલ મેડિકલ ટ્રિબ્યુનલે કડક વલણ અપનાવ્યું છે. ટ્રિબ્યુનલે ન્યુરોસર્જન ડો. ચિરાગ પટેલને તત્કાલ પ્રભાવથી 8 મહિના માટે મેડિકલ પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ લગાવી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.





