Home Gujarat Valsad Sarigam Md Drugs Raid Ats Sog

વલસાડના સરીગામમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો : 2.377 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાયા

આરોપીઓની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 26, 2026, 01:05 PM IST

ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલા ઝીરો ટોલરન્સ અભિયાન વચ્ચે ગુજરાત ATS અને વલસાડ SOGએ સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. વલસાડ જિલ્લાના સરીગામ વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

ગુજરાત ATSના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીને બાતમી મળી હતી કે સરીગામ વિસ્તારમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે મેફેડ્રોન નામનો માદક પદાર્થ બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે.

બાતમીના આધારે ATS દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે માહિતીની ખરાઈ કરવામાં આવી હતી.

ગુપ્ત બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન

ATSના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ રચવામાં આવી હતી. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.સી. વઢવાણા, એમ.એન. પટેલ, બી.ડી. વાઘેલા સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બાદમાં વલસાડ SOGની ટીમને પણ ઓપરેશનમાં જોડવામાં આવી હતી.

ચોક્કસ ઇન્ટેલિજન્સ મળ્યા બાદ ATS અને SOGએ સરીગામ ખાતે આવેલા ભંગારના ગોડાઉન પર સંયુક્ત દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 2.377 કિલોગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ અને 0.658 કિલોગ્રામ શંકાસ્પદ નિયંત્રિત પદાર્થ કબ્જે કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આ શંકાસ્પદ પદાર્થને તાજેતરમાં જ NDPS અધિનિયમ હેઠળ નિયંત્રિત પદાર્થ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન આ ગોડાઉનમાં ડ્રગ્સનું ઉત્પાદન અને સંગ્રહ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત ATSની મોટી કાર્યવાહી : ભંગારના ગોડાઉનની આડમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ, કરોડોનું મેફેડ્રોન જપ્ત

બે આરોપીઓની ધરપકડ

આ કેસમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં પ્રથમ આરોપી અબ્દુલ કલામ હોવાનું સામે આવ્યું છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને હાલ દમણ વિસ્તારમાં રહેતો હતો. જ્યારે બીજો આરોપી મેહુલકુમાર મકવાણા વાપી અને સુરેન્‍દ્રનગર સાથે સંકળાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ હાલ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. ડ્રગ્સનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, કાચો માલ ક્યાંથી આવતો હતો અને તૈયાર માલ ક્યાં સપ્લાય થતો હતો તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: જ્યોર્જિયામાં મેડિકલનો અભ્યાસ કરતો અમદાવાદનો વિદ્યાર્થી 12 દિવસથી ગુમ : પરિવારે PM અને CM પાસે માંગી મદદ

ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ સતત કડક કાર્યવાહી

છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ડ્રગ્સ સંબંધિત કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારો અને ઔદ્યોગિક ઝોનમાં મેફેડ્રોન, ચરસ, ગાંજો અને અન્ય નશીલા પદાર્થોના નેટવર્ક સામે ATS, NCB અને સ્થાનિક પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે.

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 'ડ્રગ્સ ફ્રી ગુજરાત' અને 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ વિવિધ એજન્સીઓને કડક કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી છે. વલસાડ, સુરત, ભરૂચ અને અમદાવાદ જેવા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી અનેક મોટી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.

આ પણ વાંચો: અંગત ફાયદા માટે પતિએ પત્નીને વેચી દીધી! : પાલનપુરમાં પવિત્ર સંબંધોને શર્મસાર કરતી ઘટના

મેફેડ્રોન શું છે?

મેફેડ્રોન, જેને સામાન્ય ભાષામાં MD તરીકે ઓળખવામાં આવે છે, એક સિંથેટિક ડ્રગ છે જે યુવાઓમાં ઝડપથી વ્યસન ફેલાવે છે. નિષ્ણાતો અનુસાર આ ડ્રગ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે અત્યંત ખતરનાક માનવામાં આવે છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મેફેડ્રોનનું ગેરકાયદેસર ઉત્પાદન અને સપ્લાય શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો સુધી ફેલાઈ રહ્યું છે, જેને રોકવા માટે સતત સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સ આધારિત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.

NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

ATS અને SOG દ્વારા આરોપીઓ સામે NDPS Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરશે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આ ડ્રગ્સ રેકેટ પાછળ કોઈ મોટું આંતરરાજ્ય નેટવર્ક કાર્યરત છે કે કેમ. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now