Valsad News: ગુજરાતમાંથી નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા વધુ એક સપાટો બોલાવવામાં આવ્યો છે. એક ગુપ્ત અને ચોક્કસ બાતમીના આધારે ગુજરાત ATSની ટીમે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલા સરીગામ ખાતે રેડ પાડીને ગેરકાયદેસર રીતે મેફેડ્રોન (MD Drug) બનાવતા બે રીઢા આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
કરોડોની કિંમતનો મુદ્દામાલ જપ્ત
ATS દ્વારા કરવામાં આવેલી આ દરોડાની કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો મળી આવ્યા છે, જેમાં 2.377 કિલોગ્રામ તૈયાર મેફેડ્રોન (MD) ડ્રગ્સ, 0.658 કિલોગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ, ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ કેમિકલ્સ અને સાધનો..
ભંગારના ગોડાઉનમાં ચાલતું હતું પાપનું સામ્રાજ્ય
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ મૂળ ભંગારના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને આ વ્યવસાયની આડમાં તેઓ સરીગામ ખાતે આવેલા ભંગારના એક ગોડાઉનમાં નશાનો આ કાળો કારોબાર ચલાવી રહ્યા હતા. આરોપીઓ છેલ્લા પાંચ મહિનાથી આ સ્થળે કોઈને શંકા ન જાય તે રીતે ગેરકાયદેસર રીતે મેફેડ્રોન પદાર્થ બનાવી રહ્યા હતા.
યુપી અને સુરેન્દ્રનગરના આરોપીઓની ધરપકડ
રેડ દરમિયાન ઘટનાસ્થળેથી જે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની ઓળખ નીચે મુજબ થઈ છે. અબ્દુલ કલામ (મૂળ રહેવાસી: ઉત્તર પ્રદેશ), મેહુલ મકવાણા (રહેવાસી: વઢવાણ, સુરેન્દ્રનગર). આ બંને આરોપીઓ સાથે મળીને આ ગોડાઉનમાં મેફેડ્રોન ડ્રગ્સ કેમિકલ પ્રોસેસ દ્વારા તૈયાર કરતા હતા અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હતા. ભંગારના વેપારના બહાને એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ તેઓએ ટૂંકા સમયમાં વધુ રૂપિયા કમાવવાની લાલચે આ નેટવર્ક શરૂ કર્યું હતું.
મુખ્ય સૂત્રધાર ફરાર, સપ્લાય ચેઈન શોધવા તપાસ તેજ
ગુજરાત ATSના જણાવ્યા અનુસાર, આ સમગ્ર રેકેટનો મુખ્ય આરોપી રાજેશ મૌર્ય હાલ ફરાર છે અને પોલીસ તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત, પકડાયેલા આરોપીઓ આ ડ્રગ્સ તૈયાર કરીને કઈ-કઈ જગ્યાએ અને કોને કોને સપ્લાય કરતા હતા, તેમજ આ નેટવર્ક પાછળ બીજા કયા મોટા માથાઓ સામેલ છે તે દિશામાં હાલ સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસની આ સફળ કામગીરીથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.





