Home Gujarat Ahmedabad Ahmedabad Medical Student Missing Georgia Family Seeks Help

જ્યોર્જિયામાં મેડિકલનો અભ્યાસ કરતો અમદાવાદનો વિદ્યાર્થી 12 દિવસથી ગુમ : પરિવારે PM અને CM પાસે માંગી મદદ

વિદ્યાર્થી ધવનિતનો ફોટો
Published by: Niraj Chokshi
Last Updated: May 26, 2026, 12:15 PM IST

અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષનાં મેડિકલ વિદ્યાર્થી ધવનિત રાજદીપ જ્યોર્જિયામાં છેલ્લા 12 દિવસથી ગુમ થતા પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. પરિવારજનોએ આ મામલે નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. પરિવારનો આક્ષેપ છે કે ધ્વનિત તેના ભાડાના ફ્લેટમાં રહેતા રૂમમેટ્સ અને મકાનમાલિક દ્વારા લાંબા સમયથી માનસિક હેરાનગતિનો ભોગ બની રહ્યો હતો.

મળતી માહિતી મુજબ ધ્વનિત રાજદીપ Caucasus International Universityમાં મેડિકલના નવમા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે 14 મેના રોજ છેલ્લે તેની સાથે સંપર્ક થયો હતો, ત્યારબાદ તેનો ફોન અચાનક બંધ થઈ ગયો અને ત્યારથી તેનો કોઈ પત્તો મળ્યો નથી.

રૂમમેટ્સ દ્વારા માનસિક હેરાનગતિનો આક્ષેપ

ધવનિત રાજદીપનાં પિતા ડૉ. મયુરકુમાર રાજદીપે જણાવ્યું કે તેમનો દીકરો છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં હતો. તેમના જણાવ્યા અનુસાર ધ્વનિત જે ફ્લેટમાં રહેતો હતો ત્યાંના રૂમમેટ્સ તેની સાથે અયોગ્ય વર્તન કરતા હતા.

પરિવારના આક્ષેપ મુજબ રૂમમેટ્સ તેને યોગ્ય રીતે અભ્યાસ કરવા દેતા નહોતા, તેનું ટિફિન લઈ લેતા અને વિવિધ રીતે તેને પરેશાન કરતા હતા. સ્થિતિ વધુ બગડતા ધ્વનિતે અન્ય ફ્લેટમાં રહેવા જવાનો નિર્ણય કર્યો હતો અને પોતાના કેટલોક સામાન પણ નવા સ્થળે ખસેડી દીધો હતો.

ડૉ. રાજદીપના જણાવ્યા પ્રમાણે આ નિર્ણય બાદ ધવનિતને ધમકીઓ મળવા લાગી હતી. પરિવારનો દાવો છે કે તેના એક રૂમમેટે કહ્યું હતું કે તુ જ્યાં જઈશ ત્યાં આવીને મારી નાખીશું. સાથે જ મેસેજ દ્વારા પણ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: અમેરિકામાં વધુ એક ગુજરાતીની કરપીણ હત્યા : મહેસાણાની મહિલાને ગોળી મારી મોતને ઘાટ ઉતારાઈ

$6500 ટ્રાન્સફર કરાવ્યાનો પરિવારનો દાવો

પરિવારે વધુ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ધવનિતને એક રૂમમાં બંધ રાખીને તેના ખાતામાંથી આશરે 6500 ડોલર ટ્રાન્સફર કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પરિવારના કહેવા પ્રમાણે આ દરમિયાન તેનો ફોન પણ તેની પાસેથી લઈ લેવાયો હતો.

ડૉ. રાજદીપે જણાવ્યું કે ધવનિતે છેલ્લે ફોન કરીને કહ્યું હતું કે તેણે રૂપિયા આપ્યા છતાં તેની સાથે હેરાનગતિ બંધ થઈ નથી. ત્યાર બાદથી તેનો કોઈ સંપર્ક થયો નથી. પરિવારનું કહેવું છે કે ધવનિત જૂના ફ્લેટમાં પોતાનો બાકીનો સામાન લેવા અને ચાવી પરત આપવા ગયો હતો. પરંતુ ત્યાં પણ તેને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં તબીબની બેદરકારીથી મહિલાની જિંદગી ખરાબ થઈ હોવાનો આક્ષેપ : ભર્યું 25 લાખનું બિલ મળ્યું જીવનભરનું દુ:ખ?

પરિવારની સરકાર સમક્ષ ભાવુક અપીલ

ધવનિતની માતા ધર્મિષ્ઠા રાજદીપે સરકાર સમક્ષ ભાવુક અપીલ કરતા કહ્યું કે તેઓએ છેલ્લે 13 મેના રોજ દીકરાથી વાત કરી હતી. બીજા દિવસે તેણે પોતાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તે નવા ફ્લેટમાં પહોંચી ગયો છે.

તેમણે કહ્યું, “14 મે પછી અમારા દીકરા સાથે કોઈ સંપર્ક થયો નથી. અમે માત્ર એટલી જ વિનંતી કરીએ છીએ કે ભારત સરકાર અને ગુજરાત સરકાર જ્યોર્જિયા સરકાર સાથે વાત કરીને અમારા દીકરાને સુરક્ષિત પાછો લાવે.” માતાએ જણાવ્યું કે ધવનિત ખૂબ મહેનતી વિદ્યાર્થી હતો અને સપ્ટેમ્બર મહિનામાં મેડિકલ અભ્યાસ પૂર્ણ કરીને ભારત પરત આવવાનો હતો. પરિવાર હાલ ભારે માનસિક આઘાતમાં છે.

આ પણ વાંચો: સસરા-જમાઈને ભારે પડી લાલચ : ‘ફ્રી મૂવીઝ’ જોવા જતા રૂ.1.22 લાખની ઓનલાઇન ઠગાઈ

ભાઈ જ્યોર્જિયા પહોંચ્યો, પોલીસ સાથે સંકલન

પરિવારના જણાવ્યા મુજબ ધ્વનિતનો મોટો ભાઈ મિહિર રાજદીપ કેનેડાથી જ્યોર્જિયા પહોંચી ગયો છે અને ત્યાં સ્થાનિક પોલીસ તેમજ યુનિવર્સિટી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.

પરિવારનું કહેવું છે કે ભારતીય દૂતાવાસ અને કેટલાક સ્થાનિક રાજકીય નેતાઓએ મદદ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. પરિવારએ આક્ષેપ કર્યો છે કે જ્યોર્જિયાની સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ફરિયાદમાં નામ આપેલા લોકો સામે પૂરતી કાર્યવાહી કરવામાં આવી નથી.

વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે ફરી ચર્ચા

આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા, કેનેડા, યુકે અને યુરોપના અન્ય દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાઓ ચર્ચામાં રહી છે.

વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા, કાનૂની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ અત્યંત મહત્વપૂર્ણ છે. ઘણી વખત વિદ્યાર્થીઓ અજાણી પરિસ્થિતિઓ અને દબાણ વચ્ચે એકલા પડી જાય છે. હાલ ધ્વનિત રાજદીપના પરિવારની એક જ માંગ છે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર રાજદ્વારી સ્તરે વધુ સક્રિય પ્રયાસો કરીને તેમના દીકરાની સુરક્ષિત શોધખોળ સુનિશ્ચિત કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now