વડોદરા: હાલ ગરમીનો પારો આકાશે આંબી રહ્યો છે, ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ઘોર બેદરકારીનો ભોગ સામાન્ય જનતા બની રહી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં ગઈકાલે રાત્રે જે દ્રશ્યો સર્જાયા તે તંત્રની નિષ્ક્રિયતાની ચાડી ખાય છે. સતત 10 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા અને જવાબદાર અધિકારીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા, ગરમીમાં શેકાયેલા રહીશોનો પિત્તો ગયો હતો. કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી ત્રસ્ત બનેલા લોકોએ MGVCL કચેરીએ દોડી જઈ પથારી પાથરીને અનોખો અને આક્રમક વિરોધ નોંધાવ્યો હતો.
રાત્રે 8 વાગ્યાથી અંધારપટ: ગરમીમાં બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી
ગોત્રી તળાવની સામે આવેલા કુંભારવાડા ફળિયા સહિતના આસપાસના વિસ્તારોમાં ગઈકાલે રાત્રે 8:00 વાગ્યાના સુમારે અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. શરૂઆતમાં રહીશોને લાગ્યું કે કોઈ સામાન્ય ફોલ્ટ હશે અને થોડીવારમાં લાઈટ આવી જશે, પરંતુ કલાકો વીતવા છતાં અંધારપટ યથાવત રહેતા લોકોની ધીરજ ખૂટી હતી. ઉનાળાની રાત્રિએ તાપમાન ઊંચું હોવાને કારણે ઘરોમાં રહેવું અશક્ય બન્યું હતું. ગરમી અને મચ્છરોના ત્રાસને લીધે નાના બાળકો આખી રાત રડતા રહ્યા હતા, જ્યારે વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓની હાલત બફારાને કારણે અત્યંત કફોડી બની ગઈ હતી.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર ‘ચુઈ ગેંગ’નો આતંક : જેલમાંથી છૂટતા જ પોલીસને આપ્યો ખુલ્લો પડકાર!
ફરિયાદ નંબર બંધ કરીને અધિકારીઓ 'ઘસઘસાટ', જનતા બફારામાં 'શેકાઈ'
સ્થાનિક રહીશોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, મુશ્કેલીના સમયે મદદ કરવાને બદલે MGVCLના અધિકારીઓએ બેજવાબદારીની હદ વટાવી દીધી હતી. વીજ પુરવઠો ખોરવાયા બાદ જ્યારે તંત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે સત્તાવાર ફરિયાદ નંબર સતત 'ડેડ' અથવા બંધ આવતો હતો. એટલું જ નહીં, જવાબદાર ઉચ્ચ અધિકારીઓએ પણ નાગરિકોના ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. તંત્રની આ નિંભરતાને કારણે મધ્યરાત્રિએ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

"તમે ઊંઘવા ન દો તો અમે કચેરીમાં સૂઈશું": રહીશોનો અનોખો સત્યાગ્રહ
સ્થિતિ કાબૂ બહાર જતાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને યુવાનો MGVCLની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં પણ કોઈ સંતોષકારક જવાબ ન મળતા, લોકોએ પોતાની સાથે લાવેલી પથારીઓ અને ચાદરો કચેરીના કમ્પાઉન્ડમાં જ બિછાવી દીધી હતી. રોષે ભરાયેલા રહીશોએ જણાવ્યું હતું કે, "જો તંત્ર અમને ગરમીમાં શેકીને સુખેથી ઊંઘવા ન દેતું હોય, તો અમે પણ અધિકારીઓને એસી કેબિનમાં આરામ કરવા દઈશું નહીં." લોકોએ કચેરીમાં જ રાત વિતાવીને તંત્ર સામે લડત આપી હતી.
આ પણ વાંચો: ગીરમાં શિકાર કરતાં સિંહ-સિંહણના Live દ્રશ્યો : પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા!
મેન્ટેનન્સના નામે માત્ર પોકળ દાવા?
MGVCL દ્વારા અવારનવાર મેન્ટેનન્સના બહાને વીજ કાપ ઝીંકવામાં આવે છે, તેમ છતાં સામાન્ય પવન કે ગરમી વધતા જ ફોલ્ટ કેમ સર્જાય છે? તેવો પ્રશ્ન હવે જનતા પૂછી રહી છે. ગોત્રી વિસ્તારના આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કે ઉનાળાની તૈયારીઓના દાવા માત્ર કાગળ પર જ છે. હવે જોવાનું એ રહે છે કે, જનતાના આ આક્રોશ પછી તંત્ર જાગશે કે પછી વડોદરાવાસીઓએ આ આખો ઉનાળો આવી જ રીતે 'રામ ભરોસે' વિતાવવો પડશે.





