Home Gujarat Vadodara Vadodara Crime News Chui Gang Krunal Kahar Viral Video Threat

સોશિયલ મીડિયા પર ‘ચુઈ ગેંગ’નો આતંક : જેલમાંથી છૂટતા જ પોલીસને આપ્યો ખુલ્લો પડકાર!

Vadodara Crime, Chui Gang, GUJCTOC
Published by: Nirali Gohil
Last Updated: May 12, 2026, 06:28 AM IST

Vadodara Crime: સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. શહેર પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘ચુઈ ગેંગ’ના સાગરીતો જેલમાંથી છૂટતાની સાથે જ ફરી બેફામ બન્યા છે. ગુજસીટોક (GUJCTOC) જેવા ગંભીર કાયદા હેઠળ જેલની હવા ખાઈને આવેલા આ શખ્સોએ સુધરવાને બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી શહેરની શાંતિ ડહોળવાનો અને પોતાનો ખૌફ ફેલાવવાનો ખતરનાક પેતરો શરૂ કર્યો છે. તાજેતરમાં જ ગેંગના એક સાગરીતે પોલીસ અને વિરોધીઓને ખુલ્લી ધમકી આપતો વીડિયો વાયરલ કરતા સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે.

"વનવાસ પૂરો થયો, હવે શિકારીઓ માર્યા જશે": ધમકીભરી પોસ્ટથી સનસનાટી

શહેર પોલીસ દ્વારા જે ગેંગ પર સકંજો કસવામાં આવ્યો હતો, તે જ ગેંગનો સક્રિય સાગરીત કૃણાલ કહાર થોડા દિવસો પહેલા જામીન પર જેલમુક્ત થયો છે. જેલની બહાર આવતાની સાથે જ તેણે સોશિયલ મીડિયા પર ફિલ્મી સ્ટાઈલમાં ઉશ્કેરણીજનક સંવાદો સાથેના વીડિયો અપલોડ કર્યા છે. આ વીડિયોમાં તે ગર્ભિત ધમકી આપતા કહે છે કે, "અમારો વનવાસ હવે પૂરો થયો છે... જેઓ અત્યાર સુધી પોતાને શિકારી સમજતા હતા, તે તમામ હવે માર્યા જશે." આ પ્રકારની ઉશ્કેરણીજનક પોસ્ટ દ્વારા ગુનેગારોએ પોલીસના આકરા શાસનને સીધો પડકાર ફેંક્યો હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: રાજ્યની સૌથી 'સેફ' જેલમાંથી કેદી ફરાર : હાઈ સિક્યોરિટી જેલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો

‘ચુઈ ગેંગ’ અને ગુજસીટોકની કાર્યવાહીનું બેકગ્રાઉન્ડ

વડોદરા પોલીસ દ્વારા ગત જુલાઈ મહિનામાં સંગઠિત ગુનાખોરી ડામવા માટે સૂરજ ઉર્ફે ચુઈ કહાર અને તેની ગેંગ વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગેંગ લાંબા સમયથી ખંડણી, મારામારી અને ધાકધમકી જેવા ગુનાઓમાં સંડોવાયેલી હતી. કડક કાર્યવાહીને કારણે આ ગેંગના સભ્યો જેલના સળિયા પાછળ ધકેલાયા હતા, પરંતુ જામીન પર બહાર આવતા જ ફરીથી ગેંગસ્ટર કલ્ચરને પ્રોત્સાહન આપવાના પ્રયાસો શરૂ થતા રહીશોમાં ભયનો માહોલ છે.

સોશિયલ મીડિયા પર ખૌફ ફેલાવવાનો પેતરો

કૃણાલ કહારે જેલમાંથી છૂટ્યા બાદ તરત જ પોતાની ગેંગના સાગરીતોને એકઠા કરી શક્તિ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હથિયારો કે ગુનાહિત કૃત્ય ભલે ન દેખાતું હોય, પણ તેની બોડી લેંગ્વેજ અને ડાયલોગ્સ સ્પષ્ટપણે ગુનાખોરીની દુનિયામાં પુનરાગમનનો સંકેત આપી રહ્યા છે. આ વીડિયો ખાસ કરીને વિરોધી ગેંગ અને પોલીસ પ્રશાસનને નિશાન બનાવીને મૂકવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: વડોદરામાં મોદીનો ભવ્ય રોડ શો : વડોદરામાં PMના હસ્તે સરદાર ધામ-3નું લોકાર્પણ, 'સરદાર ગૌરવ રત્ન' એવોર્ડથી સન્માનિત

પોલીસની કામગીરી સામે ઉઠતા વેધક સવાલો

વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસે અગાઉ આ કુખ્યાત ગેંગના સાગરીતો પર ગુજસીટોક જેવો કડક કાયદો લાદીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, જે કામગીરીની જનતામાં ખૂબ પ્રશંસા થઈ હતી. જોકે, વર્તમાન પરિસ્થિતિ જોતા અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે જામીન પર મુક્ત થતાની સાથે જ આ રીઢા ગુનેગારોના તેવર બદલાઈ ગયા છે. જે પ્રકારે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક વીડિયો અને ધમકીભરી પોસ્ટ મૂકવામાં આવી રહી છે, તે જોતા એવું લાગે છે કે આ તત્વોમાં હવે કાયદા કે પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી. જામીન પર બહાર આવ્યા બાદ તેમની ગતિવિધિઓ પર સતત વોચ રાખવામાં ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર કાચું પડતું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે, જેના કારણે ગુનેગારો જાહેરમાં પડકાર ફેંકવાની હિંમત કરી રહ્યા છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી 'ખૌફ'નો વેપાર કરી રહેલા આ તત્વો સામે પોલીસ ક્યારે અને કેવા 'ઠોસ' પગલાં ભરશે તેની શહેરભરમાં રાહ જોવાઈ રહી છે. સંસ્કારી નગરીની શાંતિ અને નિર્દોષ નાગરિકોની સલામતી જોખમાય તે પહેલાં વડોદરા પોલીસ એક્શન મોડમાં આવે તે અત્યંત જરૂરી છે. જો આવા તત્વોને સમયસર ડામવામાં નહીં આવે, તો ગેંગસ્ટર કલ્ચર વધુ વકરવાની ભીતિ છે. આથી, શહેરના જાગૃત નાગરિકોમાં એવી પ્રબળ માંગ ઉઠી રહી છે કે પોલીસ આ ‘ચુઈ ગેંગ’ના સભ્યો સામે લાલ આંખ કરે અને તેમને ફરીથી કાયદાનું ભાન કરાવી જેલભેગા કરે, જેથી વડોદરાની શાંતિ અકબંધ રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now