Vadodara News: વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં ૫ વર્ષની બાળકીની ઘાતકી હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અજય રાઠોડિયાએ પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસને જ હંફાવી દીધી હતી. પોલીસની ટીમ જ્યારે આરોપીને તપાસ અર્થે સેગવાથી શિનોર લઈ જઈ રહી હતી, ત્યારે આરોપીએ રસ્તામાં પોલીસની સર્વિસ રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કરીને ભાગવાની હિંમતભરી કોશિશ કરી હતી.
અંધારી રાત, રહસ્યમય અવાજો અને ગુજરાતનું એક ઐતિહાસિક તળાવ : શું ખરેખર ભૂતોએ એક રાતમાં બનાવ્યું હતું?
ઘટનાની વિગત મુજબ, પોલીસ વાહન જ્યારે સીમલી ગામ નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આરોપી અજય રાઠોડિયાએ અચાનક એલસીબી ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ચાલુ ગાડીમાં જ પોલીસ કર્મચારીઓ અને આરોપી વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી. આ સંઘર્ષ દરમિયાન રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટી હતી. એક ગોળી પોલીસ વાહનના આગળના કાચને તોડીને ચાલકની પાસેથી પસાર થઈ ગઈ હતી, જે એક મોટી હોનારત ટળી હતી. ત્યારબાદ બીજી ગોળી સીધી આરોપી અજય રાઠોડિયાના પગમાં વાગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ આરોપી પર શિનોર તાલુકાના સતીષાણા ગામની ૫ વર્ષની માસૂમ બાળકી દિવ્યા ઉર્ફે દિવુની હત્યાનો ગંભીર આરોપ છે. બાળકી ઘર બહાર ખાટલામાં સૂતી હતી ત્યારે રહસ્યમય રીતે ગુમ થઈ હતી અને બાદમાં તેનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી હાલતમાં મળી આવ્યો હતો.
આઘાતજનક ગુનામાં પોલીસે અજય રાઠોડિયાની ધરપકડ કરી હતી.
આરોપી દ્વારા કરવામાં આવેલા આ હુમલા અને ભાગવાના પ્રયાસ બાદ સમગ્ર વડોદરા જિલ્લા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા એસપી સહિત એસઓજી અને એલસીબીનો મોટો કાફલો તાત્કાલિક શિનોરના મોટા ફોફળિયા ગામ ખાતે પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે શિનોરના મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે અને આ સમગ્ર મામલે તપાસ તેજ બનાવવામાં આવી છે.





