Home Gujarat Vadodara Vadodara Bjp Karyakarta Sammelan Jagdish Vishwakarma Shyama Prasad Mukherjee

'કટોકટી લોકશાહીનો કાળો દિવસ હતો' : વડોદરામાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો કોંગ્રેસ પર પ્રહાર

જગદીશ વિશ્વકર્મા
Published by: Chintan Chavda
Last Updated: Jun 25, 2026, 10:47 AM IST

જનસંઘના સ્થાપક અને ભારતીય જનતા પાર્ટીના પ્રેરણાસ્ત્રોત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના 125મા જન્મજયંતિ વર્ષ નિમિત્તે ભાજપા દ્વારા દેશવ્યાપી 'સ્મૃતિ પખવાડિયા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વડોદરાના જિલ્લા ભાજપા કાર્યાલય 'વંદે કમલમ' ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા.

સંબોધન દરમિયાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે 23 જૂનથી 6 જુલાઈ સુધી સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના માધ્યમથી નવી પેઢીને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રપ્રેમ, લોકતાંત્રિક મૂલ્યો અને સંઘર્ષથી પરિચિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: સરકારી શિક્ષણ પર વધ્યો વિશ્વાસ : સુરતમાં 5,000 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને લીધો પ્રવેશ

કટોકટીને ગણાવી 'લોકશાહીનો કાળો દિવસ'

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે 25 જૂન, 1975ના રોજ દેશમાં લાદવામાં આવેલી કટોકટી લોકશાહી માટે કાળો દિવસ હતો. તેમના જણાવ્યા મુજબ તે સમયગાળા દરમિયાન લોકશાહી અને બંધારણીય મૂલ્યો પર પ્રહાર થયો હતો અને કટોકટીનો વિરોધ કરનારા લોકોના સંઘર્ષને નવી પેઢી સુધી પહોંચાડવો જરૂરી છે. તેમણે કટોકટી દરમિયાન લોકતાંત્રિક મૂલ્યો માટે સંઘર્ષ કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ડૉ. મુખર્જીના જીવન અને યોગદાનનો કર્યો ઉલ્લેખ

પ્રદેશ અધ્યક્ષે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનપ્રસંગોને યાદ કરતાં જણાવ્યું કે તેઓ માત્ર 33 વર્ષની ઉંમરે કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા હતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે ડૉ. મુખર્જીએ નહેરુ-લિયાકત કરારનો વિરોધ કરતાં કેન્દ્રીય મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું અને દેશની એકતા તથા રાષ્ટ્રહિતના મુદ્દે ક્યારેય સમાધાન કર્યું નહોતું. કાશ્મીર માટે અલગ ધ્વજ, અલગ બંધારણ અને પરમિટ પ્રથાનો તેમણે સતત વિરોધ કર્યો હતો.

કલમ 370 અંગે પણ કર્યો ઉલ્લેખ

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનો નિર્ણય ડૉ. મુખર્જીના સંકલ્પને સાકાર કરનાર ઐતિહાસિક ઘટના છે. તેમના જણાવ્યા મુજબ કોંગ્રેસ દ્વારા વિવિધ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ આજે કાશ્મીરમાં શાંતિ, વિકાસ અને રાષ્ટ્રીય એકતાનું વાતાવરણ સર્જાયું છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં ભાજપનું કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન : કટોકટીના 50 વર્ષને લઈને કરવામાં આવ્યાં દેખાવો

કાર્યકર્તાઓને સેવા અને સમર્પણનો સંદેશ

પ્રદેશ અધ્યક્ષે ભાજપાના કાર્યકર્તાઓને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના આદર્શોને જીવનમાં ઉતારવા અને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કાર્ય કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે સેવા કરવાનો સ્વભાવ ભાજપાના કાર્યકર્તાની આગવી ઓળખ છે અને લોકસેવા દ્વારા જ જનવિશ્વાસ વધુ મજબૂત બને છે.

તેમણે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપાની જીતને કાર્યકર્તાઓના પરિશ્રમ અને સમર્પણનું પરિણામ ગણાવી વિજેતા જનપ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પ્રજાની વચ્ચે રહી સતત સેવાકીય અને જનકલ્યાણના કાર્યોમાં જોડાયેલા રહેવા પણ આહ્વાન કર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now