Home Gujarat Gujarat Nasha Mukt Bharat Abhiyan Anti Drug Awareness Week 2026

ગુજરાતમાં 'નશા મુક્ત ભારત અભિયાન'ને વેગ : 24 હજાર કાર્યક્રમોથી 90 લાખ લોકો જોડાયા

નશા મુક્ત ગુજરાત દર્શાવતું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: Jun 25, 2026, 11:57 AM IST

આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ નિમિત્તે ગુજરાતમાં 'નશા મુક્ત ભારત અભિયાન – વિકસિત ભારતની ઓળખ' થીમ હેઠળ રાજ્યવ્યાપી વિશેષ જનજાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર 17થી 26 જૂન દરમિયાન આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજ સુરક્ષા વિભાગે રાજ્યના નાગરિકોને નશામુક્તિ માટેની ઓનલાઈન શપથ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે.

સમાજ સુરક્ષા નિયામકએ જણાવ્યું છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્થાનિક વહીવટીતંત્ર, શાળાઓ, કોલેજો, મહિલા મંડળો અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી આ અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ મળ્યું છે. નશીલા પદાર્થોના દુરુપયોગ સામે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: 'કટોકટી લોકશાહીનો કાળો દિવસ હતો' : વડોદરામાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો કોંગ્રેસ પર પ્રહાર

2020થી 24 હજારથી વધુ કાર્યક્રમો, 90 લાખ લોકો જોડાયા

સમાજ સુરક્ષા વિભાગના જણાવ્યા મુજબ વર્ષ 2020થી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી રાજ્યભરમાં 24 હજારથી વધુ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં જનજાગૃતિ રેલીઓ, સેમિનાર, નશામુક્તિ રથ, સિગ્નેચર કેમ્પેઇન, પ્રતિજ્ઞા કાર્યક્રમો, શાળા-કોલેજોમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધાઓ તેમજ માહિતી-શિક્ષણ-સંચાર (IEC) અભિયાન જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

આ તમામ કાર્યક્રમો દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 90 લાખથી વધુ નાગરિકો અભિયાન સાથે જોડાયા હોવાનું વિભાગે જણાવ્યું છે. અભિયાનનો મુખ્ય હેતુ યુવાનો અને સમાજના દરેક વર્ગને નશાના દૂષણથી દૂર રાખવાનો અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો છે.

ઓનલાઈન શપથ અને સ્વયંસેવક નોંધણીની સુવિધા

અભિયાનમાં વધુમાં વધુ નાગરિકો, ખાસ કરીને યુવાનો જોડાઈ શકે તે માટે ડિજિટલ પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. નાગરિકો ઓનલાઈન શપથ પ્રક્રિયામાં જોડાઈ નશામુક્તિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી શકે છે. ઉપરાંત, 'નશા મુક્તિ મિત્ર' તરીકે સ્વયંસેવક બનવા માટે પણ ઓનલાઈન નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સમાજ સુરક્ષા વિભાગે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા સહિતના વિવિધ માધ્યમો દ્વારા નશીલા પદાર્થોના દૂષણ અને તેના આરોગ્ય તેમજ સમાજ પર થતા પ્રતિકૂળ પ્રભાવ અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.

આ પણ વાંચો: સરકારી શિક્ષણ પર વધ્યો વિશ્વાસ : સુરતમાં 5,000 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને લીધો પ્રવેશ

નાગરિકોને જોડાવા અપીલ

સમાજ સુરક્ષા નિયામકએ રાજ્યના તમામ નાગરિકો, યુવાનો અને પરિવારોને નશામુક્ત, સ્વસ્થ અને વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ અભિયાનમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી છે. સાથે જ પોતાના પરિવારજનો, મિત્રો અને આસપાસના લોકોને પણ નશામુક્તિ અંગે જાગૃત કરીને આ લોકઅભિયાનને વધુ મજબૂત બનાવવાનો અનુરોધ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now