Vadodara News: સંસ્કારી નગરી વડોદરાના સોમા તળાવ બ્રિજ નીચે આવેલા ઘાઘરેટીયા વિસ્તારમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ભરચક વિસ્તાર નજીકથી આ પ્રકારે લાશ મળી આવતા સ્થાનિક લોકોમાં તર્ક-વિતર્કો વહેતા થયા છે અને ચકચાર મચી જવા પામી છે.
પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
બ્રિજ નીચે એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરીને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી હતી, પરંતુ પ્રાથમિક તબક્કે મૃતકની કોઈ ઓળખ મળી શકી ન હતી.
પીએમ અર્થે SSG હોસ્પિટલ ખસેડાયો
મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો. આકસ્મિક મોત પાછળનું સાચું કારણ જાણી શકાય તે માટે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે.
હાલના તબક્કે પોલીસે અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં અને ગુમ થયેલા વ્યક્તિઓની યાદીના આધારે તપાસ તેજ કરી છે. આ સાથે જ આ કુદરતી મોત છે, આત્મહત્યા છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે, તે દિશામાં મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.





