દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુદ્દર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સ્થળ પર બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા છે.
સુરક્ષા દળોની કાર્યવાહી
સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને ગોળીબાર શરૂ કર્યો છે. આ અથડામણમાં એક JCO ઘાયલ થયો હોવાની માહિતી મળી છે, જોકે અધિકૃત પુષ્ટિ હજુ થઈ નથી.
એક આતંકવાદી ઠાર
પ્રાપ્ત અહેવાલો અનુસાર, કુલગામ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. હજી પણ અન્ય આતંકવાદીઓ વિસ્તારામાં ફસાયેલા હોવાનું માનવામાં આવે છે.
કાશ્મીર ઝોનલ પોલીસનું નિવેદન
કાશ્મીર ઝોનલ પોલીસે પોતાના સત્તાવાર X (ટ્વિટર) એકાઉન્ટ પર માહિતી આપી કે ચોક્કસ ગુપ્તચર સૂચનાના આધારે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હાલ સુરક્ષા દળો આતંકવાદીઓને ઘેરીને કાર્યવાહી કરી રહ્યા છે.