9 સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાને NDA સાંસદો માટે રાત્રિભોજનનું આયોજન થવાનું હતું. જોકે, પૂરગ્રસ્ત પરિસ્થિતિને કારણે હવે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
8 સપ્ટેમ્બરે થવાનું હતું આયોજન
ચૂંટણીના એક દિવસ પહેલા એટલે કે 8 સપ્ટેમ્બરે આ રાત્રિભોજન પાર્ટી યોજાવાની હતી. રાજકીય વર્તુળોમાં તેને NDA નેતાઓની ચૂંટણી પૂર્વેની મહત્વપૂર્ણ બેઠક તરીકે જોવામાં આવી રહી હતી. પરંતુ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આવેલા પૂર અને કુદરતી આફતને કારણે તેને રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
પંજાબમાં સૌથી વધુ અસર
હાલમાં પંજાબ સહિતના રાજ્યો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. પરિસ્થિતિ ગંભીર હોવાને કારણે પીએમ મોદીએ યોજાનાર ડિનર કાર્યક્રમ રદ કર્યો છે. આ જ દિવસે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને થનારી રાત્રિભોજન બેઠક પણ રદ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ચોમાસાની આફત અને દેશના અનેક ભાગોમાં થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
રાષ્ટ્રપતિએ વ્યક્ત કરી ચિંતા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ સતત વરસાદ, વાદળ ફાટવા અને અચાનક આવેલા પૂરને કારણે થયેલા ભારે નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને સંવેદના પાઠવી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખેલી પોસ્ટમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ વર્ષે ચોમાસા દરમિયાન વાદળ ફાટવા અને પૂરથી થયેલા વિનાશથી દેશના અનેક ભાગોમાં લોકોના મોત થયા છે અને મોટા પાયે નુકસાન થયું છે. તેમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને આસામ જેવા રાજ્યો સૌથી વધુ પ્રભાવિત થયા છે.