રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. તાજા અહેવાલો મુજબ, રશિયાએ ફરી એકવાર યુક્રેનની રાજધાની કિવ પર ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે, જેમાં એક વર્ષનું બાળક પણ શામેલ છે.
કેબિનેટ બિલ્ડિંગ પર હુમલો
કિવના કેબિનેટ બિલ્ડિંગ પર રશિયાએ હુમલો કર્યો. આ એજ બિલ્ડિંગ છે જ્યાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ઓફિસ છે. એમ કહી શકાય કે આ હુમલો રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પર કરવામાં આવ્યો. જોકે હકિકત હજુ સુધી સામે નથી આવી.
રહેણાંક વિસ્તારોને નિશાન બનાવાયા
કિવ શહેર વહીવટીતંત્રના વડા તૈમૂર ટાકાચેન્કોના જણાવ્યા મુજબ મૃતકોમાં એક વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે, જેનો મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું કે રશિયન ડ્રોનનો કાટમાળ સ્વિયાટોશિન્સ્કી જિલ્લામાં એક રહેણાંક ઇમારત અને ડાર્નિટ્સ્કી જિલ્લામાં બીજી ઇમારત પર પડ્યો હતો.
ઘાયલોની સંખ્યા વધી
આ હુમલામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ દળો કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા અને આગ પર કાબૂ મેળવવા સતત કાર્યરત છે.