રશિયાએ શનિવારે યુક્રેનની રાજધાની કિવ પર મોટી સંખ્યામાં ડ્રોન અને મિસાઇલો છોડ્યા, જેમાં બે લોકો માર્યા ગયા અને 15 અન્ય ઘાયલ થયા. યુક્રેનિયન અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી. ફેબ્રુઆરી 2022માં બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી યુક્રેન પર રશિયાનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. રવિવારે થયેલા હુમલા પછી એક સરકારી ઇમારતની છત પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો. અધિકારીઓએ જણાવ્યું કે રશિયાએ 805 ડ્રોનથી યુક્રેન પર હુમલો કર્યો. યુક્રેનિયન વાયુસેનાના પ્રવક્તા યુરી ઇહનાતે પુષ્ટિ કરી કે રવિવારનો હુમલો યુક્રેન પર સંપૂર્ણ આક્રમણ શરૂ થયા પછીનો સૌથી મોટો રશિયન ડ્રોન હુમલો હતો. રશિયાએ વિવિધ પ્રકારની 13 મિસાઇલો પણ ચલાવી.
રશિયાએ યુક્રેન પર 800 ડ્રોનથી એટેક કર્યો
વાયુસેનાના નિવેદન મુજબ યુક્રેને 747 રશિયન ડ્રોન અને ચાર મિસાઇલોને તોડી પાડ્યા અથવા નિષ્ક્રિય કર્યા. યુક્રેનમાં 37 સ્થળોએ નવ મિસાઇલ હુમલા અને 56 ડ્રોન હુમલા થયા. તોડી પાડવામાં આવેલા ડ્રોન અને મિસાઇલોનો કાટમાળ આઠ સ્થળોએ પડ્યો. એસોસિએટેડ પ્રેસના પત્રકારોએ સરકારી ઇમારતની છત પરથી ધુમાડો નીકળતો જોયો, પરંતુ તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ ધુમાડો હુમલાને કારણે નીકળ્યો હતો કે અન્ય કોઈ કારણોસર. એવું માનવામાં આવે છે કે જો ધુમાડા હુમલાને કારણે નીકળ્યો હોય, તો રશિયાએ હવાઈ હુમલાઓ વધુ તીવ્ર બનાવી દીધા છે.
'સરકારી ઇમારતને દુશ્મનના હુમલામાં નુકસાન થયું'
આ ઇમારત યુક્રેનના મંત્રીમંડળનું મુખ્ય મથક છે, જ્યાં તેમના મંત્રીઓના કાર્યાલયો આવેલા છે. ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ આવતાં પોલીસે ઇમારતમાં પ્રવેશ અટકાવી દીધો હતો. યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં બે લોકો માર્યા ગયા હતા અને 15 ઘાયલ થયા હતા. યુક્રેનિયન વડા પ્રધાન યુલિયા સ્વિરિડેન્કોએ કહ્યું હતું કે, "પહેલી વાર કોઈ સરકારી ઇમારતને દુશ્મનના હુમલામાં નુકસાન થયું છે. અમે ઇમારતોને પુનઃસ્થાપિત કરીશું, પરંતુ ગુમાવેલા જીવ પાછા લાવી શકાશે નથી."