સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહેલી અસહ્ય ગરમી વચ્ચે દુઃખદ ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર ST ડેપોની બસ ચલાવતા ડ્રાઇવરનું હીટ સ્ટ્રોકના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક ડ્રાઇવરની ઓળખ રામદેવસિંહ પરમાર તરીકે થઈ છે. તેઓ સુરેન્દ્રનગર-રાવળીયાવદર રૂટ પર બસ ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત બગડી હતી.
મળતી માહિતી મુજબ, બસ રાજ સીતાપુર નજીક પહોંચી હતી ત્યારે વધુ તાપમાન અને ગરમીના કારણે ડ્રાઇવર રામદેવસિંહ પરમારને હીટ સ્ટ્રોક આવ્યો હતો. ગંભીર સ્થિતિ હોવા છતાં તેમણે સમયસૂચકતા દાખવી બસને તરત જ રોડની સાઈડમાં ઊભી રાખી દીધી હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.
હોસ્પિટલ ખસેડાયા, પરંતુ બચાવી શકાયા નહીં
ડ્રાઇવરની તબિયત અચાનક બગડતા બસમાં સવાર મુસાફરો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડધામ શરૂ કરી હતી. બાદમાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આ ઘટનાના સમાચાર મળતા ST વિભાગમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સહકર્મચારીઓ અને મુસાફરોમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી હતી. ST વિભાગના અધિકારીઓએ ઘટનાની વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોંઘવારીનો માર દૂધમાં લાગ્યો 'ડાઘ': જાણો બરોડા ડેરીએ દૂધમાં કેટલા રૂપિયાનો કર્યો વધારો
45 ડિગ્રી તાપમાનથી જનજીવન પ્રભાવિત
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જિલ્લામાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ પહોંચી જતા લોકો ભારે તાપમાં તળવડી રહ્યા છે. બપોરના સમયમાં રસ્તાઓ સૂમસામ દેખાઈ રહ્યા છે અને ગરમીથી બચવા લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.
આવી સ્થિતિમાં સતત લાંબા રૂટ પર ફરજ બજાવતા ડ્રાઇવરો, મજૂરો અને ખુલ્લામાં કામ કરતા લોકો માટે ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. ST બસ ડ્રાઇવરનું હીટ સ્ટ્રોકથી થયેલું મોત સમગ્ર જિલ્લામાં ચિંતાનો વિષય બન્યું છે.
LPG સિલિન્ડરના ભાવ વધારાની ચિંતા વચ્ચે આવ્યાં રાહતનાં સમાચાર: જાણો ગુજરાતનાં મુખ્ય શહેરોમાં શું છે LPG સિલિન્ડરનાં ભાવ
મુસાફરોને અન્ય બસમાં મોકલાયા
ઘટના બાદ બસમાં સવાર મુસાફરોને અન્ય ST બસ મારફતે રાવળીયાવદર તરફ રવાના કરવામાં આવ્યા હતા. મુસાફરોએ પણ ડ્રાઇવરની સમયસૂચકતાની પ્રશંસા કરી હતી. જો ડ્રાઇવરે બસને સમયસર સાઈડમાં ઊભી ન રાખી હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત તેવી ચર્ચા ચાલી રહી છે.
ગરમીના વધતા પ્રકોપ વચ્ચે હવે સરકારી વિભાગો દ્વારા કર્મચારીઓ માટે હીટ સ્ટ્રોક સામેની સાવચેતી અને આરોગ્ય વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પણ અનુભવાઈ રહી છે.






