Home Gujarat Strange Car Accident In Valsad Chhipwad Man Sitting For Ac Hits Vehicles

કાર ચલાવતા આવડતી નહોતી ને ડ્રાઇવિંગ સીટ પર જઈ બેઠો યુવક : ACની મજા માણતા અચાનક ગેર પડી ગયો અને પછી...

Valsad car accident
Published by: Nirali Gohil
Last Updated: May 16, 2026, 09:17 AM IST

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીથી બચવા માટે લોકો અવનવા દેશી જુગાડ કરતા હોય છે. પરંતુ વલસાડના છીપવાડ વિસ્તારમાંથી ગરમીથી બચવાના ચક્કરમાં એક એવો અજીબોગરીબ અકસ્માત સામે આવ્યો છે, જે જાણીને તમે પણ માથું ખંજવાળવા મજબૂર થઈ જશો. કાર ચલાવતા ન આવડતું હોવા છતાં, માત્ર એસી (AC) ની ઠંડી હવાનો આનંદ માણવા ડ્રાઇવિંગ સીટ પર બેસવું એક યુવકને એટલું મોંઘું પડ્યું કે પલકવારમાં આખો રસ્તો યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો હતો. કાર ચાલુ રાખી અંદર બેઠેલા યુવકથી અજાણતામાં જ ગેર પડી ગયો અને પગ એક્સિલેટર પર દબાઈ જતાં કારે માર્ગ પર પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. આ વિચિત્ર ઘટનાને પગલે સમગ્ર છીપવાડ વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.

બપોરના સમયે જ્યારે સૂર્યદેવ કોપાયમાન હતા ત્યારે બનેલી આ ઘટના ડિજિટલ મીડિયા પર પણ ભારે ચર્ચાનો વિષય બની છે. સદનસીબે આ અકસ્માત દરમિયાન કોઈ વ્યક્તિ રસ્તા પર હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ રોડની સાઈડમાં પાર્ક કરેલા દ્વિચક્રી વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારની અંદર રહેલા યુવકને પકડી પાડીને પોલીસના હવાલે કર્યો હતો.

કેવી રીતે ઘટી સમગ્ર ઘટના? ACની ઠંડક માણતા જ સર્જાયો કાંડ

સ્થાનિક સૂત્રો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વલસાડના વ્યસ્ત ગણાતા છીપવાડ વિસ્તારમાં બપોરની અસહ્ય ગરમીથી બચવા માટે યુવકે કાર ચાલુ કરી હતી અને ડ્રાઇવિંગ સીટ પર આરામથી બેસીને ફૂલ સ્પીડમાં એસી (AC) ની મજા માણી રહ્યો હતો. જોકે, કાર ચાલુ હોવાથી અને યુવક ડ્રાઇવિંગ સીટ પર જ બેઠો હોવાથી તેનાથી અજાણતામાં કારનો ગેર બદલાઈ ગયો હતો. ગેર પડવાની સાથે જ ગભરાટમાં યુવકનો પગ સીધો બ્રેકના બદલે એક્સિલેટર (લીવર) પર દબાઈ ગયો હતો. એક્સિલેટર દબાતાની સાથે જ શક્તિશાળી કારે અચાનક જોરદાર ઝાટકો માર્યો હતો અને આગળ ધસી ગઈ હતી. કારે માર્ગની બાજુમાં લાઈનસર પાર્ક કરેલી મોપેડ અને બાઈક સહિતના વાહનોને જોરદાર ટક્કર મારીને રીતસરના ચગદી નાખ્યા હતા.

વડોદરામાં અભયમ ટીમની પ્રશંસનીય કામગીરી: વૃદ્ધ માતાને ઘરમાંથી કાઢી મૂકનાર પાપી પુત્રને ભણાવ્યો પાઠ, વ્યસની પતિ સુધરી ગયો

લોકોએ યુવકને પકડી પોલીસને સોંપ્યો, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

વાહનો અથડાવાનો અને તૂટવાનો મોટો અવાજ આવતા જ આસપાસના લોકો તાત્કાલિક લોકેશન પર પહોંચી ગયા હતા. લોકોએ જોયું કે કારની અંદર બેઠેલો યુવક સાવ હેબતાઈ ગયો હતો અને તેને શું કરવું તેની ખબર પડતી નહોતી. લોકોએ સમયસૂચકતા વાપરીને કારને બંધ કરાવી અને યુવકને નીચે ઉતારીને તાત્કાલિક વલસાડ સિટી પોલીસને જાણ કરી દીધી હતી. વલસાડ સિટી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જ્યારે યુવકને પોલીસ સ્ટેશન લાવીને તેની પ્રાથમિક પૂછપરછ શરૂ કરી, ત્યારે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. યુવકે ભારે આશ્ચર્ય વચ્ચે કબૂલાત કરી હતી કે, "સાહેબ, મને કાર ચલાવતા આવડતું જ નથી અને મારી પાસે લાયસન્સ પણ નથી! હું તો બસ ગરમી બહુ હોવાથી એસી ચાલુ કરીને ઠંડી હવાનો આનંદ લેવા બેઠો હતો અને અચાનક પગ ક્યાંક અડી જતાં ગાડી આગળ ભાગી ગઈ."

વડોદરા પાલિકાનો ‘સ્માર્ટ’ ફિયાસ્કો: ચાર્જિંગ સ્ટેશન વગર ઈ-બસો ખાઈ રહી છે ધૂળ

પોલીસ સ્ટેશનમાં જ મામલો થાળે પડ્યો, અંતે બંને પક્ષે સમાધાન

વાહનોને મોટું નુકસાન થયું હોવાના કારણે શરૂઆતમાં વાહન માલિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલો વલસાડ સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે, આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હોવાથી અને યુવકની કોઈ ગુનાહિત માનસિકતા ન હોવાનું બહાર આવતા વાહન માલિકો શાંત પડ્યા હતા. પોલીસ સ્ટેશનમાં જ બંને પક્ષો વચ્ચે કલાકો સુધી વાટાઘાટો ચાલી હતી, જેમાં યુવકના પરિવારે નુકસાનીની રકમ ચૂકવવાની તૈયારી બતાવતા અંતે પરસ્પર સંમતિથી સમાધાન થઈ ગયું હતું. આ મામલે વાહન માલિકોએ કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી નથી.

રાજકોટમાં મંદિર ડિમોલિશનમુદ્દે રાજકારણ ગરમાયું: કોંગ્રેસના ધરણા બાદ તંત્ર સામે ઉઠ્યા સવાલ

વાચકો માટે લાલબત્તી સમાન કિસ્સો: આવી ભૂલ જીવલેણ બની શકે!

વલસાડનો આ અજીબોગરીબ કિસ્સો ચાલુ વાહને એસીની મજા માણતા કે નાના બાળકોને ડ્રાઇવિંગ સીટ પર બેસાડતા લોકો માટે એક મોટી ચેતવણી અને લાલબત્તી સમાન છે. વાહન ચલાવતા ન આવડતું હોય ત્યારે આવી નાની બેદરકારી રસ્તા પરથી પસાર થતા અન્ય માસૂમ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ગરમીથી બચવા માટે જુગાડ ચોક્કસ કરો, પરંતુ તે કાયદાની મર્યાદામાં અને સુરક્ષિત હોવો જોઈએ તે આ ઘટના પરથી સાબિત થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now