Home Gujarat Vadodara Vadodara Gorwa Madhunagar Junction To Karodiya Canal Overbridge Road Closed For 15 Days

વડોદરાવાસીઓ ખાસ ધ્યાન આપો : 15 દિવસ માટે શહેરના આ વ્યસ્ત ઓવરબ્રિજ ‘સંપૂર્ણ બંધ’, પાલિકાએ જાહેર કર્યું મોટું ડાયવર્ઝન

Vadodara traffic alert
Published by: Nirali Gohil
Last Updated: May 16, 2026, 09:33 AM IST

Vadodara traffic alert: વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી અને વિકાસ કાર્યોના બહાને રોડ-રસ્તા ખોદવાની કામગીરી અટકવાનું નામ નથી લઈ રહી, જેના કારણે નગરજનોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે. કોર્પોરેશનની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી ચૂંટાયેલા કોર્પોરેટરોને કોઈ હોદ્દાની સત્તાવાર ફાળવણી કરવામાં આવી નથી. આ વહીવટી શૂન્યાવકાશ વચ્ચે પણ તંત્ર દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ્સ હેઠળ રસ્તાઓ ખોદવાની પ્રક્રિયા અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે. હવે આ કડીમાં શહેરના પશ્ચિમ વિસ્તારના હજારો વાહનચાલકોએ આગામી ૧૫ દિવસ સુધી ભારે ટ્રાફિક જામ અને હાલાકીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા ગોરવા પંચવટી પાસે આવેલી નર્મદા કેનાલની બંને બાજુએ ચોમાસા પૂર્વે વરસાદી ગટર પાઈપલાઈન ક્રોસિંગ અને પ્રિ-કાસ્ટ બોક્સ નાખવાની અત્યંત મહત્વની કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. આ વ્યાપક સિવિક કામગીરી આવતીકાલ તારીખ ૧૭મી મેથી સત્તાવાર રીતે શરૂ થવા જઈ રહી છે. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા ગોરવા-મધુનગર જંકશનથી કરોડીયા તરફ જતા કેનાલ ઓવરબ્રિજનો મુખ્ય રસ્તો આગામી ૧૫ દિવસ માટે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

ચોમાસા પહેલાં પાલિકાની કવાયત: વરસાદી ગટર અને પ્રિ-કાસ્ટ બોક્સ નખાશે

વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ અને ગટર પ્રોજેક્ટ શાખાના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચોમાસામાં પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે પંચવટી પાસે કેનાલની બંને તરફ વરસાદી ગટર લાઈન ક્રોસિંગની કામગીરી કરવી અત્યંત અનિવાર્ય બની ગઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કેનાલની આસપાસ મોટા ખાડા ખોદીને પ્રિ-કાસ્ટ બોક્સ કલ્વર્ટ ગોઠવવામાં આવશે, જેથી વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે. ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી પાલિકા આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માંગે છે.

આ પણ વાંચો: વડોદરામાં અભયમ ટીમની પ્રશંસનીય કામગીરી : વૃદ્ધ માતાને ઘરમાંથી કાઢી મૂકનાર પાપી પુત્રને ભણાવ્યો પાઠ, વ્યસની પતિ સુધરી ગયો

જાહેર સલામતી માટે લેવાયો કડક નિર્ણય: હેવી મશીનરી ઉતારાશે

કેનાલ ઓવરબ્રિજના રસ્તા પર થનારી આ કામગીરી કોઈ સાધારણ ખોદકામ નથી. પ્રોજેક્ટ સાઇટ પર ક્રેન, જેસીબી અને હાઇડ્રોલિક ક્રોસિંગ મશીન જેવી ભારે મશીનરીઝ ગોઠવવાની હોવાથી ત્યાંથી પસાર થતા વાહનચાલકો માટે મોટો જીવનું જોખમ ઊભું થઈ શકે તેમ છે. આ સાથે જ સાઇટ પર મોટા પ્રમાણમાં મજૂરો અને ટેકનિકલ કારીગરોની સતત હેરફેર થવાની હોવાથી જાહેર સલામતીને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી છે અને રસ્તો બ્લોક કરવાનો નિર્ણય લેવાયો છે.

તબક્કાવાર રસ્તો બંધ કરાશે: પહેલા સિંગલ લેન અને પછી ફૂલ બ્લોકેજ

પાલિકાના એન્જિનિયરિંગ વિભાગના જણાવ્યા મુજબ, ટ્રાફિક વ્યવસ્થા એકાએક ખોરવાય નહીં તે માટે શરૂઆતમાં જરૂરિયાત મુજબ વૈકલ્પિક રૂટ તરીકે સિંગલ લેનમાં ટ્રાફિક ડાયવર્ટ કરીને પ્રાથમિક કામગીરી આગળ વધારવામાં આવશે. જોકે, ત્યારબાદ જ્યારે પ્રિ-કાસ્ટ બોક્સ ગોઠવવાની મુખ્ય અને હેવી કામગીરી શરૂ થશે ત્યારે આ આખો રસ્તો વાહનો માટે સંપૂર્ણપણે લોક (બંધ) કરી દેવાશે.

કયા-કયા રસ્તાઓ પ્રભાવિત થશે? પાલિકાની વાહનચાલકોને ખાસ અપીલ

આ બ્લોકેજના સમયગાળા દરમિયાન ગોરવા પંચવટી પાસે નર્મદા કેનાલ નજીકનો સિંગલ લેન રોડ અને મધુનગર જંકશનથી કરોડિયા ગામ તરફ જતો કેનાલ ઓવરબ્રિજનો આખો રસ્તો તમામ પ્રકારના નાના-મોટા ટૂ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ભારે વાહનો માટે સંપૂર્ણ બંધ રહેશે. પાલિકા તંત્ર અને ટ્રાફિક પોલીસ દ્વારા આ વિસ્તારના સ્થાનિક રહીશો, નોકરિયાતો અને નિયમિત અવરજવર કરતા વાહનચાલકોને અગવડતા અને ટ્રાફિક જામથી બચવા માટે આ રૂટના વિકલ્પે આસપાસના અન્ય ડાયવર્ઝનવાળા રસ્તાઓનો ઉપયોગ કરવા ખાસ અપીલ કરવામાં આવી છે, જેથી નિર્ધારિત ૧૫ દિવસમાં કામગીરી વિના અવરોધે પૂરી કરી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now