વડોદરા શહેરમાં આજે ન્યાયનાં દેવતા શનિદેવ મહારાજનાં જન્મોત્સવ નિમિત્તે ભક્તિભાવથી ભરેલો માહોલ જોવા મળ્યો હતો. શહેરના હરણી રોડ પર આવેલું શ્રી શનિદેવ મહારાજ નવ ગ્રહ મંદિર આ પાવન અવસરે ભક્તોથી છલકાઈ ઉઠ્યું હતું. વહેલી સવારથી જ ભક્તો ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા જેના કારણે સમગ્ર વિસ્તાર ધાર્મિક ઉલ્લાસથી ગુંજી ઉઠ્યો હતો. મીરાં ચાર રસ્તા સોસાયટી પાસે આવેલા જલારામ નગર સ્થિત આ મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરને ફૂલોના શણગાર અને અદભુત લાઈટિંગથી સજાવાયું છે.
તેલ અર્પણ અને વિશેષ પૂજા
શનિદેવ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે ભક્તોએ કતારબદ્ધ રીતે ઉભા રહીને શનિદેવને તેલ અર્પણ કર્યું હતું. સાથે જ અડદ અને પ્રસાદ અર્પણ કરીને પોતાની મનો ભાવનાઓ વ્યક્ત કરી હતી. શાસ્ત્રોક્ત માન્યતાઓ મુજબ શનિદેવને તેલ અર્પણ કરવાથી જીવનમાં આવતી અડચણો દૂર થાય છે અને ન્યાય મળે છે. જેના કારણે આ દિવસે વિશેષ ભીડ જોવા મળે છે. ભક્તોએ ન્યાયના દેવતા સમક્ષ શીશ નમાવીને પોતાના પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. અનેક ભક્તોએ પોતાના જીવનમાં ચાલતી મુશ્કેલીઓમાંથી મુક્તિ માટે પણ પ્રાર્થના કરી, અને આ પવિત્ર દિવસે આશીર્વાદ મેળવતા ધન્યતા અનુભવી હતી.
ભજન-કીર્તન અને મહાઆરતીથી ગુંજ્યું મંદિર પરિસર
આ અવસરે મંદિરમાં ભજન-કીર્તન અને મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિભર્યા સંગીત અને શનિદેવના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. “શનિદેવ મહારાજ કી જય” ના નારાઓ વચ્ચે ભક્તોએ ભક્તિમાં લીન થઈને કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા. મંદિર વ્યવસ્થાપન દ્વારા ભક્તોને સુવિધા મળે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેથી ભીડ હોવા છતાં દર્શન વ્યવસ્થિત રીતે થઈ શકે.
આ પણ વાંચો: ચંદ્રની પોતાની ઉચ્ચમાં એન્ટ્રી! : આ 3 રાશિવાળા પર વરસશે સોનાના સિક્કા! આવશે કરિયર અને કમાણીમાં જબરદસ્ત તેજી!
શનિ જયંતિનું ધાર્મિક અને સામાજિક મહત્વ
હિંદુ ધર્મમાં શનિ જયંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસે શનિદેવની આરાધના કરવાથી જીવનમાં ન્યાય અને સંતુલન પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. ખાસ કરીને શનિદોષથી પીડાતા લોકો માટે આ દિવસ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. વડોદરામાં યોજાયેલી આ ઉજવણી માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક એકતાનો પણ પ્રતીક બની રહી હતી. ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સંગમ અહીં જોવા મળ્યો, જેમાં દરેક વયના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.





