વડોદરા: 16મી મે એટલે કે ‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’ (National Dengue Day) નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાનું (VMC) આરોગ્ય વિભાગ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત થયા પછી જ્યારે મચ્છરજન્ય રોગો માથું ઊંચકે ત્યારે તંત્ર જાગતું હોય છે, પરંતુ આ વખતે વડોદરાના સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પ્રશંસનીય અગમચેતી વાપરીને ચોમાસું બેસે તે પહેલાં જ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ઘાતક મચ્છરજન્ય રોગોને નાથવા માટે એક વિશેષ જનજાગૃતિ અભિયાન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસને માત્ર એક દિવસીય ઉજવણી પૂરતો મર્યાદિત રાખવાને બદલે જમીની સ્તરે ઉતરીને સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિશેષ રેલીમાં હેલ્થ સેન્ટરના ઉત્સાહી આશા વર્કર બહેનો, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ (MPHW), પબ્લિક હેલ્થ વર્કર્સ, ફીલ્ડ વર્કર્સ તેમજ લેબ ટેકનિશિયનની સંયુક્ત ટીમો જોડાઈ હતી. બેનરો અને સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોને પોતાના ઘરની આસપાસ જમા થતા ચોખ્ખા પાણીમાં મચ્છરોના બ્રીડિંગ (ઉત્પત્તિ) ને અટકાવવા માટે જાગૃત કરવાનો હતો.
સંવેદનશીલ વિસ્તારોમાં ઘરે-ઘરે સર્વે: ખારવા વાડથી મરાઠી મોહલ્લા સુધી 'ડોર-ટુ-ડોર' ઝુંબેશ
આરોગ્ય તંત્રની ટીમોએ સિયાબાગ વિસ્તારના અત્યંત વ્યસ્ત અને સંવેદનશીલ ગણાતા એવા ખારવા વાડ, મુસ્લિમ મોહલ્લો અને મરાઠી મોહલ્લામાં પર્સનલ વિઝિટ કરી હતી. હેલ્થ વર્કર્સે ઘરે-ઘરે જઈને ગૃહિણીઓ અને પરિવારના સભ્યોને રૂબરૂ મળીને ખાસ અપીલ કરી હતી કે તેઓ પોતાના ઘરની અંદર ફ્રીજની પાછળની ટ્રે, એર કુલર, કુંડાના કુંકાવડા કે ઘરની બહાર અગાશી કે કમ્પાઉન્ડમાં પડેલા નકામા ટાયરો અને ભંગાર જેવી ચીજવસ્તુઓ તાત્કાલિક સાફ કરી દે.
ચોમાસાના વરસાદ દરમિયાન આવી ખુલ્લી જગ્યાઓમાં પાણી ભરાઈ રહે છે અને ડેન્ગ્યુ ફેલાવતા 'એડીસ ઈજિપ્તી' (Aedes aegypti) મચ્છરો તેમાં જ ઈંડા મૂકે છે. આથી જો બ્રીડિંગ સોર્સ જ નાશ પામશે તો રોગચાળો ફેલાશે જ નહીં તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
20મેના રોજ AIOCDનું દેશવ્યાપી મેડિકલ બંધનું એલાન: વડોદરા-છોટાઉદેપુરમાં બંધનો વિરોધ, દુકાનો રહેશે ખુલ્લી
ગત વર્ષે એક પણ કેસ નહીં! આ વર્ષે પણ 'ઝીરો કેસ'ની સિદ્ધિ જાળવી રાખવાનો સંકલ્પ
આ સમગ્ર ઝુંબેશ પાછળ સૌથી મહત્વની અને ગર્વ લેવા જેવી બાબત એ છે કે, સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરની અગાઉની સખત મહેનતના પરિણામે ગત વર્ષે આ આખા વિસ્તારમાં ડેન્ગ્યુનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. આ વર્ષે પણ સિયાબાગ વિસ્તારને 'ડેન્ગ્યુ મુક્ત' રાખવાનો અને 'ઝીરો કેસ' ની આ ઐતિહાસિક સિદ્ધિને જાળવી રાખવાનો આરોગ્ય તંત્રનો દ્રઢ સંકલ્પ છે. આ સફળતા માત્ર તંત્રના ભરોસે શક્ય નથી, તેથી આરોગ્ય વિભાગ અને સ્થાનિક જનતા ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે. આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ આકાશ ખત્રી અને ફરીદા પાવાગઢવાલાના નેતૃત્વમાં સ્થાનિક રહીશો સાથે બેઠકો પણ યોજવામાં આવી હતી.
કમાટીબાગમાં સુરક્ષાના લીરેલીરા!: વડોદરાના કમાટીબાગમાં ત્રણ યુવાનો દીપડાના પાંજરા સુધી ઘૂસી ગયા, વીડિયો વાયરલ થતા ખળભળાટ
નાગરિકોનો પૂરેપૂરો સહકાર: વડોદરાને રોગચાળા મુક્ત બનાવવા ખાતરી
આરોગ્ય વિભાગની આ ત્વરિત અને એડવાન્સ કામગીરીને સિયાબાગના સ્થાનિક રહીશોએ પણ ખૂબ જ હોંશભેર આવકારી છે. રેલી અને સમજાવટ બાદ ખારવા વાડ અને મોહલ્લાના લોકોએ આરોગ્ય અધિકારીઓને ખાતરી આપી છે કે તેઓ પોતાના સ્તરે પણ નિયમિત રીતે દર રવિવારે 'ડ્રાય ડે' ઉજવશે અને ઘરની આસપાસ ક્યાંય પણ પાણી જમા થવા નહીં દે. સ્થાનિકોના આ જબરદસ્ત જનસહકારને પગલે વડોદરા મહાનગરપાલિકા આ ચોમાસામાં મચ્છરજન્ય રોગો સામેની જંગ જીતવા માટે સંપૂર્ણ આશાવાદી દેખાઈ રહી છે.





