Home Gujarat Vadodara Vishwamitri River Revival Project Phase 2 Flood Protection Gabion Wall

હવે વડોદરાવાસીઓને નહીં નડે પૂરનું સંકટ! : વિશ્વામિત્રી પ્રોજેક્ટનો બીજો તબક્કો શરૂ, 12 સંવેદનશીલ સ્થળોએ બનાવાશે રક્ષણાત્મક 'ગેબિયન વોલ'

Vadodara Vishwamitri Project Gabion Wall
Published by: Nirali Gohil
Last Updated: May 15, 2026, 06:14 AM IST

વડોદરા: વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી અને દર વર્ષે ચોમાસામાં ચિંતા વધારતી વિશ્વામિત્રી નદીના કાયમી ઉકેલ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. 'વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ'ના પ્રથમ તબક્કાની સફળતા બાદ હવે બીજા તબક્કાની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. ગત વર્ષે નદીના પટને ઊંડો અને પહોળો કરવાની જે પ્રશંસનીય કામગીરી થઈ હતી, તેનાથી પૂરની અસરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. હવે આ વર્ષે ચોમાસા પૂર્વે નદીના કિનારાનું સંરક્ષણ કરવા અને જળ સંગ્રહ શક્તિ વધારવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માત્ર પૂર નિયંત્રણ પૂરતો સીમિત નથી, પરંતુ વડોદરાની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નદીના પુનરોદ્ધાર અને પર્યાવરણ જાળવણી માટેનું એક મોટું અભિયાન છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી તૈયાર કરાયેલા આ રૂ. 1200 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત નદીના કિનારાને મજબૂત કરવાની સાથે સાથે શહેરીજનો માટે આધુનિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.

12 સંવેદનશીલ સ્થળોએ ગેબિયન વોલનું રક્ષણ

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના જણાવ્યા અનુસાર, નવલાવાલા કમિટીના તકનીકી માર્ગદર્શન હેઠળ શહેરના એવા 12 સ્થળોની પસંદગી કરવામાં આવી છે જ્યાં પૂર દરમિયાન ધોવાણનું જોખમ સૌથી વધુ રહે છે. આ સ્થળોએ 'ગેબિયન વોલ' (પથ્થર ભરેલી ખાસ જાળીવાળી દીવાલ) અને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે. આ માટે સરકાર તરફથી જરૂરી ગ્રાન્ટની ફાળવણી પણ થઈ ચૂકી છે. આ દીવાલો નદીના વેગને નિયંત્રિત કરશે અને કિનારાના વિસ્તારોમાં પાણી ઘૂસતા અટકાવશે.

આ પણ વાંચો: પરિણીતાનાં રહસ્યમય મોત બાદ પતિ સહિત સાસરિયા સામે ગુનો થયો દાખલ : દહેજનાં ભૂખ્યા હતા સાસરિયા?

આજવા અને પ્રતાપપુરા સરોવરનું ઊંડાણ વધારાશે

વિશ્વામિત્રીમાં પૂર આવવાનું મુખ્ય કારણ ઉપરવાસમાંથી આવતું પાણી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે નદીના સ્ત્રોત સમાન આજવા અને પ્રતાપપુરા સરોવરને આ વર્ષે ફરીથી ઊંડા કરવામાં આવશે. જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે કોર્પોરેશન દ્વારા રોયલ્ટીના ધોરણે કોન્ટ્રાક્ટરો પાસેથી અરજીઓ મંગાવાઈ છે. આ ઉપરાંત, ભવિષ્યમાં પૂરના વધારાના પાણીને અન્યત્ર વાળવા માટે 14 કિમીની ડાયવર્ઝન કેનાલ અને ઉપરવાસમાં ચેકડેમ બનાવવાની દરખાસ્ત પણ રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી અર્થે મુકવામાં આવી છે.

8.4 કિમીમાં આધુનિક રિવરફ્રન્ટનું નિર્માણ

વડોદરાની સુંદરતામાં વધારો કરવા માટે નદીના કુલ 48 કિમીના પટ પૈકી શહેરના મધ્ય ભાગમાં આવતા 8.4 કિમીના વિસ્તારમાં રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવશે. અહીં નાગરિકો માટે:

  • સાયકલ ટ્રેક અને વોકિંગ એરિયા

  • સિનિયર સિટીઝન પાર્ક

  • ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, બાકીના 40 કિમી વિસ્તારમાં કોઈ પણ મોટા બાંધકામ વગર કુદરતી વાતાવરણ જાળવી રાખવામાં આવશે, જેથી વિશ્વામિત્રીમાં રહેતા મગરો અને અન્ય જળચરોનું કુદરતી આવાસ સુરક્ષિત રહે.

આ પણ વાંચો: વડોદરા પાલિકામાં મેયર-ડેપ્યુટી મેયરની વરણી પર ‘બ્રેક’ : કાયદાકીય ગૂંચ અને રાજકીય અનિર્ણાયકતાને કારણે પ્રક્રિયા ટળી

પ્રોજેક્ટની અત્યાર સુધીની સફળતા અને વિઝન

  • વહન ક્ષમતામાં વધારો: ગત વર્ષે રૂ. 65 કરોડના ખર્ચે થયેલી 100 દિવસની કામગીરીથી નદીની પાણી વહન કરવાની ક્ષમતામાં 40% નો નોંધપાત્ર વધારો થયો છે.

  • કચરાનો નિકાલ: નદીમાં વર્ષોથી ઠાલવવામાં આવેલા કન્સ્ટ્રક્શન વેસ્ટ અને કાંપને દૂર કરવાની પ્રક્રિયા હાલ યુદ્ધના ધોરણે ચાલુ છે.

  • દીર્ઘકાલીન આયોજન: આ પ્રોજેક્ટ 10 થી 20 વર્ષનું લાંબાગાળાનું વિઝન ધરાવે છે, જેનો મુખ્ય હેતુ વડોદરાને પૂરમુક્ત બનાવી નદીના અસ્તિત્વને ટકાવી રાખવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now