વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તારમાં રહેતી પરિણીતા મમતાસિંહના રહસ્યમય મોત બાદ દહેજનાં ભૂખ્યા સાસરિયાઓનો ક્રૂર ચહેરો સામે આવ્યો છે. લગ્ન સમયે લાખો રૂપિયાનું કરીયાવર અને લક્ઝરી કાર આપ્યા બાદ પણ વધુ રૂપિયા 25 લાખની માંગણી કરી પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી મૃત્યુ તરફ ધકેલવા બદલ પતિ, સાસુ અને સસરા સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
લગ્નમાં MG હેક્ટર કાર અને લાખોનું કરીયાવર અપાયું
મૂળ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના વતની વિશ્વપ્રતાપસિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની બહેન મમતાસિંહના લગ્ન 26 જાન્યુઆરી 2025ના રોજ વડોદરાના સોમાતળાવ ખાતે રહેતા આશુતોષ મુકેશભાઈ ઠાકોર સાથે થયા હતા. લગ્ન પ્રસંગે પરિવારે શક્તિ મુજબ સોનાના દાગીના, ડાયમંડ રિંગ અને MG હેક્ટર પ્લસ કાર સહિત લાખો રૂપિયાનું કરીયાવર આપ્યું હતું.
બીજા લગ્ન કરી લેવાની ધમકી
ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે લગ્નના થોડા સમય બાદ જ પતિ આશુતોષ, સાસુ આરતીબહેન અને સસરા મુકેશભાઈએ અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું હતું. તેઓ મમતા પાસે વધુ રૂપિયા 25 લાખની માંગણી કરતા હતા. રૂપિયા ના લાવે તો છૂટાછેડા આપી દેવાની અને પતિને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનું કહી બીજા લગ્ન કરાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. મમતાને નાની બાબતોમાં મારઝૂડ કરવી, અપમાનિત કરવી અને ક્યારેક ભૂખી રાખવા જેવો અમાનુષી ત્રાસ ગુજારવામાં આવતો હતો.
આ પણ વાંચો: મોંઘવારીનો માર દૂધમાં લાગ્યો 'ડાઘ' : જાણો બરોડા ડેરીએ દૂધમાં કેટલા રૂપિયાનો કર્યો વધારો
રહસ્યમય મોત
ગત 9 મે 2026ના રોજ સવારે સસરાએ ફોન કરીને જણાવ્યું કે મમતાની તબિયત બગડી છે જે બાદ તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવી હતી. વડોદરા દોડી આવેલા પિયરિયાઓએ જોયું કે મમતાનો મૃતદેહ SSG હોસ્પિટલમાં હતો. પિયર પક્ષનો આક્ષેપ છે કે સતત મળતા ત્રાસ અને દહેજની માંગણીના કારણે જ મમતાનું મોત નીપજ્યું છે.
પોલીસ કાર્યવાહી
મૃતક પરિણીતાના ભાઈની ફરિયાદના આધારે પોલીસે દહેજ પ્રતિબંધક ધારો અને ત્રાસ આપવાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.





