Home Gujarat Vadodara Yastika Bhatia Lords Century Bca Honour Vadodara

લોર્ડ્સમાં સદી ફટકારી વડોદરાની યસ્તિકા ભાટિયાએ વધાર્યું ભારતનું ગૌરવ : BCAએ કર્યું ભવ્ય સન્માન

લોર્ડ્સમાં સદી ફટકાર્યા બાદ BCAના સન્માન સમારોહમાં હાજર ક્રિકેટર યસ્તિકા ભાટિયા.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 18, 2026, 10:21 AM IST

vadodara News:વડોદરાની પ્રતિભાશાળી ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિકેટકીપર-બેટ્સમેન યસ્તિકા ભાટિયાએ વિશ્વ ક્રિકેટના ઐતિહાસિક મેદાન લોર્ડ્સ પર શાનદાર સદી ફટકારી દેશ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમની આ યાદગાર સિદ્ધિને પગલે બરોડા ક્રિકેટ એસોસિયેશન (BCA) દ્વારા વિશેષ સન્માન સમારોહ યોજાયો, જેમાં BCAના ચેરમેન પ્રણવ અમીન, પૂર્વ કોચ ગીતા ગાયકવાડ સહિતના આગેવાનો અને ક્રિકેટપ્રેમીઓએ તેમને અભિનંદન પાઠવ્યા. યસ્તિકા ભાટિયાની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, પરંતુ વડોદરા અને ગુજરાત માટે પણ ગૌરવની ક્ષણ છે. લોર્ડ્સ જેવા ઐતિહાસિક મેદાન પર સદી ફટકારનારી ભારતીય મહિલા ક્રિકેટરોમાં સ્થાન મેળવવું કોઈપણ ખેલાડી માટે વિશેષ સન્માન સમાન માનવામાં આવે છે.

'BCA, BCCI, કોચ અને પરિવારના સહયોગ વિના આ શક્ય નહોતું'

સન્માન સમારોહ દરમિયાન યસ્તિકા ભાટિયાએ પોતાની સફળતાનો શ્રેય બરોડા ક્રિકેટ એસોસિયેશન (BCA), ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI), પોતાના કોચ તેમજ પરિવારને આપ્યો હતો. તેમણે કહ્યું કે, "હું BCA અને BCCIનો દિલથી આભાર માનું છું. મારા કોચ અને મારા પરિવારનો સતત સાથ અને વિશ્વાસ મારા માટે સૌથી મોટી તાકાત રહ્યો છે." યસ્તિકાએ જણાવ્યું કે દેશ માટે રમવું અને ટીમની જીતમાં યોગદાન આપવું તેમના માટે સૌથી મોટું ગૌરવ છે. તેમણે કહ્યું, "મેચ જીતવો અને ભારત માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું એ જ મારી સૌથી મોટી પ્રેરણા છે."

લોર્ડ્સની પીચ સરળ નહોતી, પ્રથમ ઇનિંગની ભૂલોમાંથી લીધો પાઠ

યસ્તિકાએ પોતાની ઇનિંગ અંગે વાત કરતાં જણાવ્યું કે લોર્ડ્સની વિકેટ બેટિંગ માટે બિલકુલ સરળ નહોતી. પ્રથમ ઇનિંગ દરમિયાન થયેલી કેટલીક ભૂલોનું તેમણે વિશ્લેષણ કર્યું અને બીજી ઇનિંગમાં તે જ ભૂલોને સુધારવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું, "લોર્ડ્સની વિકેટ એટલી આસાન નહોતી. પ્રથમ ઇનિંગમાં મેં કેટલીક ભૂલો કરી હતી, પરંતુ તેમાંથી શીખીને બીજી ઇનિંગમાં વધુ સારી બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો. મારા મનમાં માત્ર એક જ વિચાર હતો કે ટીમ માટે વધુમાં વધુ રન બનાવી શકું."

ઈજાના સમયે નર્વસ હતી, કિરણ મોરેએ વધાર્યું મનોબળ

યસ્તિકાએ પોતાના કારકિર્દીના પડકારજનક સમયને પણ યાદ કર્યો. તેમણે જણાવ્યું કે ઈજા થતાં તેઓ થોડા નર્વસ થઈ ગયા હતા. જોકે, પૂર્વ ભારતીય ક્રિકેટર અને જાણીતા વિકેટકીપિંગ કોચ કિરણ મોરેએ તેમને સતત પ્રોત્સાહન આપ્યું અને આત્મવિશ્વાસ જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમણે કહ્યું, "ઈજા પછી હું થોડું ગભરાઈ ગઈ હતી, પરંતુ કિરણ મોરે સરે સતત મને પ્રોત્સાહિત કર્યું અને મનોબળ વધાર્યું. તેમના માર્ગદર્શનથી હું ફરી મજબૂત રીતે મેદાનમાં પરત ફરી શકી."

આ પણ વાંચો: '₹2.5 લાખ ફી ભર્યા બાદ પણ ડોક્યુમેન્ટ્સ અટકાવ્યા' : સુરેન્દ્રનગરની આયુર્વેદિક કોલેજ સામે વાલીના ગંભીર આક્ષેપ

વડોદરાના ક્રિકેટ માટે પ્રેરણાસ્ત્રોત બની યસ્તિકા

યસ્તિકા ભાટિયાની આ સિદ્ધિ વડોદરા સહિત સમગ્ર ગુજરાતના યુવા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ બની છે. સ્થાનિક સ્તરેથી કારકિર્દીની શરૂઆત કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળતા હાંસલ કરનાર યસ્તિકાએ સાબિત કર્યું છે કે પ્રતિભા સાથે મહેનત, ધીરજ અને યોગ્ય માર્ગદર્શન હોય તો વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટ મેદાન પર પણ ભારતનું ગૌરવ વધારી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now