Home Gujarat Ayurvedic College Admission Document Dispute Parent Allegations Surendranagar

'₹2.5 લાખ ફી ભર્યા બાદ પણ ડોક્યુમેન્ટ્સ અટકાવ્યા' : સુરેન્દ્રનગરની આયુર્વેદિક કોલેજ સામે વાલીના ગંભીર આક્ષેપ

પત્ર બતાવતી મહિલા
Published by: Chintan Chavda
Last Updated: Jul 18, 2026, 08:51 AM IST

આયુર્વેદિક કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન એડમિશન રદ થયા બાદ પણ વિદ્યાર્થીનીના મૂળ દસ્તાવેજો પરત આપવામાં ન આવતા હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. વિદ્યાર્થીનીના વાલીએ મીડિયા સમક્ષ રજૂઆત કરીને આરોપ લગાવ્યો છે કે એડમિશન રદ થયા પછી પણ ઓરિજિનલ દસ્તાવેજો પરત આપવા માટે કોલેજ તરફથી મોટી રકમની માંગ કરવામાં આવી રહી છે. જોકે, આ તમામ આક્ષેપો અંગે સંબંધિત કોલેજ અથવા ટ્રસ્ટી તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યો નથી.

વિદ્યાર્થીનીની માતા તૃપ્તિ ઘેટિયાના જણાવ્યા અનુસાર, તેમની પુત્રી પ્રિશા ઘેટિયાએ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વઘાડા ગામ સ્થિત એક આયુર્વેદિક કોલેજમાં પ્રવેશ માટે નિર્ધારિત ફી ભરી હતી. તેમનો દાવો છે કે આગળના એડમિશન રાઉન્ડમાં તક જળવાઈ રહે તે માટે ફી ભરવામાં આવી હતી, પરંતુ અજાણતા મૂળ દસ્તાવેજો પણ કોલેજમાં જમા થઈ ગયા હતા. બાદમાં અન્ય રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા બદલાતા એડમિશન રદ થઈ ગયું અને ત્યારથી દસ્તાવેજો પરત મેળવવા માટે તેઓ સતત રજૂઆતો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે.

દસ્તાવેજો પરત આપવા બદલ રકમ માંગવાનો આક્ષેપ

વાલીનો આક્ષેપ છે કે તેમણે આશરે રૂ. 2.5 લાખની ફી જમા કરાવી હોવા છતાં બાદમાં કોલેજ તરફથી વધુ રકમની માંગ કરવામાં આવી. તેમના જણાવ્યા મુજબ, શરૂઆતમાં કોલેજની સંપૂર્ણ કોર્સ ફીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અલગ-અલગ તબક્કે રૂ. 5 લાખ અને પછી રૂ. 7.5 લાખ જેટલી રકમ ચૂકવવા માટે કહેવામાં આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે.

આ પણ વાંચો: વાલ્વ સર્જરી બાદ માસૂમનું મોત : સુરતની કિરણ હોસ્પિટલ આવી વિવાદમાં, પરિવારે કર્યા ગંભીર આક્ષેપો

વાલીએ વધુમાં આરોપ લગાવ્યો છે કે દસ્તાવેજો અને વિદ્યાર્થીનીના ભવિષ્યના પ્રશ્નને ધ્યાનમાં રાખીને તેઓએ રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ અને અન્ય સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ પણ રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી યોગ્ય ઉકેલ મળ્યો નથી.

કોલેજ અને ટ્રસ્ટી સામે ગંભીર આક્ષેપ, સત્તાવાર જવાબની રાહ

વિદ્યાર્થીનીની માતાએ કોલેજના ટ્રસ્ટી સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો દાવો છે કે અનેક વખત રજૂઆત છતાં દસ્તાવેજો પરત આપવામાં આવ્યા નથી અને નાણાંકીય માંગણી કરવામાં આવી રહી છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.

આ સમગ્ર મામલે સંબંધિત કોલેજ, ટ્રસ્ટી અથવા સંચાલન તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર થયું હોવાનું સામે આવ્યું નથી. તેથી કોલેજનો પક્ષ હજુ સામે આવવાનો બાકી છે.

આ પણ વાંચો: નમાઝ પઢીને ચા પીવા બેઠા અને થઈ ગયો હુમલો : વડોદરામાં જાહેર રસ્તા પર બે યુવકો પર જીવલેણ હુમલાથી ચકચાર

વિદ્યાર્થીના ભવિષ્યને લઈને વાલીની ન્યાયની માંગ

વાલીનું કહેવું છે કે મૂળ દસ્તાવેજો કોલેજ પાસે હોવાને કારણે તેમની પુત્રીના આગળના અભ્યાસ પર અસર પડી રહી છે. તેમણે તંત્રને સમગ્ર મામલે વહેલી તકે હસ્તક્ષેપ કરીને દસ્તાવેજો પરત અપાવવાની અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

શિક્ષણક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે આવા વિવાદોમાં સંબંધિત નિયમો, પ્રવેશ સમિતિની માર્ગદર્શિકા અને બંને પક્ષના દસ્તાવેજોના આધારે તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકે. તેથી સત્તાધિકારીઓની તપાસ અને કોલેજનો સત્તાવાર જવાબ આવ્યા બાદ જ સમગ્ર મામલાનું સાચું ચિત્ર સામે આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now