જામનગર: જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો નોંધાતા આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જામનગર મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. શહેરના વોર્ડ નંબર-6 હેઠળના બેડી રિંગ રોડ અને દિગ્જામ સર્કલ વિસ્તાર સહિતના વિસ્તારોમાં વિશેષ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ તમામ કેસો શંકાસ્પદ છે અને લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થશે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં હાલમાં ત્રણ બાળકો સારવાર હેઠળ છે. જેમાં બે બાળકો જામનગર શહેરના દિગ્જામ સર્કલ વિસ્તારના છે, જ્યારે એક બાળક દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યો છે. ત્રણેય બાળકોના બ્લડ સેમ્પલ ગાંધીનગર ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવવામાં અંદાજે એક અઠવાડિયાનો સમય લાગી શકે છે.
આ પણ વાંચો: નમાઝ પઢીને ચા પીવા બેઠા અને થઈ ગયો હુમલો : વડોદરામાં જાહેર રસ્તા પર બે યુવકો પર જીવલેણ હુમલાથી ચકચાર
પ્રભાવિત વિસ્તારોમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ, સેન્ડફ્લાય સામે અભિયાન
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડો. હરીશ ગોરીએ જણાવ્યું કે શંકાસ્પદ કેસો સામે આવ્યા બાદ મહાનગરપાલિકાની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન કામગીરી શરૂ કરી છે. ખાસ કરીને કાચા ગાર-માટીના મકાનો, તિરાડવાળા વિસ્તારો અને પશુપાલન સાથે સંકળાયેલા સ્થળોએ સેન્ડફ્લાયના નાશ માટે મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ સામાન્ય ઘરમાખીથી નહીં પરંતુ સેન્ડફ્લાય નામની નાની માખી દ્વારા ફેલાય છે. આ માખી સામાન્ય રીતે કાચા મકાનોની તિરાડો અને ગંદકીવાળા વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેથી આવા વિસ્તારોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બાળકોમાં આ લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલ પહોંચો
ડો. હરીશ ગોરીના જણાવ્યા મુજબ, બાળકોમાં અચાનક ઊંચો તાવ, ઉલ્ટી, બાળકનું અસામાન્ય રીતે સુસ્ત થઈ જવું, ખેંચ આવવી અથવા બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ.
તેમણે માતા-પિતાને ખાસ સલાહ આપી કે બાળકો સાંજના સમયે બહાર રમવા જાય ત્યારે લાંબી બાંયના કપડાં અને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરાવવા જોઈએ. સાથે જ રાત્રે બાળકોને મચ્છરદાની અથવા સુરક્ષિત જાળ હેઠળ સુવડાવવાથી સેન્ડફ્લાયના કરડવાથી બચી શકાય છે.
આ પણ વાંચો: વાલ્વ સર્જરી બાદ માસૂમનું મોત : સુરતની કિરણ હોસ્પિટલ આવી વિવાદમાં, પરિવારે કર્યા ગંભીર આક્ષેપો
જી.જી. હોસ્પિટલમાં PICUમાં સારવાર, વિશેષ ટીમ સતત દેખરેખમાં
જી.જી. હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડો. સોનલ શાહે જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ ત્રણેય બાળકોમાં ચાંદીપુરા વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. બાળકોને તાવ, ખેંચ આવવી, બેભાન થવું અને ખૂબ ટૂંકા સમયમાં ગંભીર સ્થિતિ સર્જાવા જેવા લક્ષણોને ધ્યાનમાં રાખીને તેમની સારવાર ચાલી રહી છે.
તેમણે જણાવ્યું કે ત્રણેય બાળકોને હોસ્પિટલના પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ (PICU)માં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બાળરોગ નિષ્ણાતો, રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સતત દેખરેખ રાખી રહ્યા છે. હાલ તમામ જરૂરી સારવાર આપવામાં આવી રહી છે અને લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે.
ડો. સોનલ શાહે વધુમાં જણાવ્યું કે ત્રણેય બાળકો અગાઉ સંપૂર્ણ સ્વસ્થ હતા, પરંતુ છેલ્લા એકથી બે દિવસમાં અચાનક તાવ, ખેંચ અને બેભાન થવાના લક્ષણો વિકસ્યા હતા. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે ચોમાસાની ઋતુ દરમિયાન આવા શંકાસ્પદ કેસો દર વર્ષે જોવા મળતા હોય છે અને હાલ લોકોમાં ગભરાટ ફેલાવાની જરૂર નથી.
આ પણ વાંચો: ભાજપ પ્રદેશ અધ્યક્ષે લીધી વ્યારાની મુલાકાતે : મીડિયા સાથે વિકાસ અને જનહિતના મુદ્દાઓ પર કરી ચર્ચા
આરોગ્ય વિભાગની અપીલ: ગભરાશો નહીં, પરંતુ સાવચેત રહો
આરોગ્ય વિભાગે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. સાથે જ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, કાચા મકાનો અને ગંદકીવાળા વિસ્તારોમાં સફાઈ રાખવી તેમજ બાળકોના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની સલાહ આપવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ દાખલ ત્રણેય બાળકોની કોઈ નોંધપાત્ર ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી. તેથી આરોગ્ય વિભાગ સ્થાનિક સ્તરે સર્વેલન્સ વધુ મજબૂત બનાવી રહ્યો છે. હવે તમામની નજર ગાંધીનગરની લેબોરેટરીમાંથી આવનારા રિપોર્ટ પર છે, જે બાદ જ ચાંદીપુરા વાયરસ અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.





