બનાસકાંઠા જિલ્લાના થરાના જાગીર મઠ સાથે જોડાયેલા અપહરણ અને મારપીટના કેસમાં પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે. અટકાયત બાદ પોલીસે ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું છે. સમગ્ર કેસમાં પોલીસે અપહરણ, રાયોટિંગ સહિતની વિવિધ કલમો હેઠળ 10થી 12 લોકો સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, 11 જુલાઈના રોજ પાટણ જિલ્લાના દાદર ગામના અજમલભાઈ પાનાભાઈ ચૌધરીનું કથિત રીતે અપહરણ કરીને તેમને થરાના જાગીર મઠની જગ્યાએ લઈ જઈ મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાને લઈને પોલીસે અત્યાર સુધી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
પીડિતનો ગંભીર આક્ષેપ: "મારી મૂળ અરજી પ્રમાણે ફરિયાદ નોંધાઈ નથી"
આ દરમિયાન પીડિત અજમલભાઈ પાનાભાઈ ચૌધરીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો દાવો છે કે તેમણે પોલીસને આપેલી મૂળ લેખિત અરજીમાં જે વિગતો અને જે લોકોના નામ દર્શાવ્યા હતા, તે મુજબ એફઆઈઆર નોંધાઈ નથી. તેમના કહેવા મુજબ પોલીસ અધિકારીઓએ પ્રથમ દિવસે અરજી લઈને ગયા બાદ બીજા દિવસે સહી કરાવી હતી, પરંતુ બાદમાં ફરિયાદમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
અજમલભાઈએ વધુમાં આક્ષેપ કર્યો કે મુખ્ય આરોપી તરીકે તેઓ જે વ્યક્તિનું નામ નોંધાવવા માંગતા હતા તે ફરિયાદમાં સામેલ કરવામાં આવ્યું નથી. તેમનું કહેવું છે કે તેમની સાથે અપહરણ, મારપીટ, ધમકી, કપડાં ઉતરાવવાના તથા લૂંટ જેવા ગંભીર બનાવ બન્યા હોવા છતાં ફરિયાદમાં તમામ વિગતો સમાવાઈ નથી. તેમણે દાવો કર્યો કે તેમના પાસે પોલીસ દ્વારા પ્રથમ વખત ફરિયાદ નોંધવાની પ્રક્રિયાનો વિડિયો પણ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: વડોદરામાં મોબાઈલ શોરૂમમાં 30 લાખથી વધુની ચોરી : CCTVમાં કેદ થયા બે તસ્કરો
પાલનપુરમાં ચૌધરી સમાજનું આવેદન, મુખ્ય આરોપીનું નામ ઉમેરવાની માંગ
આ કેસને લઈને ચૌધરી સમાજમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પાલનપુર ખાતે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો એકત્રિત થયા હતા અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપીને પીડિતની મૂળ લેખિત અરજીના આધારે ફરિયાદમાં સુધારો કરવાની માંગ કરી હતી.
સમાજના આગેવાનોનું કહેવું છે કે હાલ નોંધાયેલી એફઆઈઆરમાં પીડિત દ્વારા દર્શાવવામાં આવેલા મુખ્ય આરોપીનું નામ સામેલ કરવામાં આવ્યું નથી. ઉપરાંત અપહરણ, લૂંટ, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કેટલીક ગંભીર કલમોનો પણ યોગ્ય સમાવેશ કરવામાં આવ્યો નથી. સમાજે ચેતવણી આપી છે કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સામાજિક આગેવાનો શું કહે છે?
સામાજિક આગેવાન ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળ સાથે જોડાયેલી આવી ઘટના અત્યંત નિંદનીય છે. તેમણે દાવો કર્યો કે પીડિતે શરૂઆતથી જ મુખ્ય આરોપી અંગે સ્પષ્ટ આક્ષેપ કર્યા હોવા છતાં ફરિયાદમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમણે માંગ કરી કે નિર્દોષ વ્યક્તિને ન ફસાવવામાં આવે, પરંતુ જે કોઈ પણ વાસ્તવિક રીતે જવાબદાર હોય તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો: સુરતના કતારગામમાં બાઇક ટોઇંગને લઈને ચર્ચા : વાયરલ CCTV બાદ ACPએ આપી સ્પષ્ટતા
યુવા આગેવાન સાગર ચૌધરીએ જણાવ્યું કે ચૌધરી સમાજે જિલ્લા પોલીસ સમક્ષ રજૂઆત કરીને મૂળ હકીકત મુજબ ફરિયાદ નોંધવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ જિલ્લા પોલીસે સમગ્ર કેસની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી છે તેમજ જરૂરી હોય તો એફિડેવિટ સ્વીકારવાની પણ તૈયારી દર્શાવી છે.
પરિવારજનનો પણ ગંભીર આક્ષેપ
પીડિતના પરિવારજન હરજીભાઈ ચૌધરીએ દાવો કર્યો કે અજમલભાઈનું અપહરણ કરીને તેમને મઠની અંદર લઈ જવાયા હતા, જ્યાં તેમને બાંધીને મારપીટ કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. પરિવારજનોએ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પોલીસની કાર્યવાહી
આ સમગ્ર કેસમાં પોલીસે અત્યાર સુધી ત્રણ આરોપીઓની અટકાયત કરીને ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. પોલીસનું કહેવું છે કે નોંધાયેલી ફરિયાદના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને કેસમાં સામેલ અન્ય શખ્સોની સંડોવણી અંગે પણ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: વડોદરા શહેર પોલીસમાં કોન્સ્ટેબલોના રિ-ટ્રાન્સફરથી અનેક તર્ક-વિતર્ક : છ મહિનામાં જ 100થી વધુ જવાનો મૂળ પોલીસ મથકે પરત
બીજી તરફ પીડિત અને ચૌધરી સમાજ ફરિયાદમાં સુધારો કરીને પીડિતની મૂળ અરજી મુજબ તમામ આરોપીઓના નામ અને સંબંધિત કલમો ઉમેરવાની માંગ પર અડગ છે. જિલ્લા પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસની ખાતરી આપવામાં આવી હોવાનું સમાજના આગેવાનો જણાવી રહ્યા છે. હવે તપાસ દરમિયાન નવા પુરાવા અથવા નિવેદનોના આધારે કેસમાં વધુ ફેરફારો થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.






