Home Gujarat Gujarat Rain Forecast 7 Days Yellow Alert South Gujarat Imd July 2026

ગુજરાતમાં ફરી વરસાદની થશે એન્ટ્રી : હવામાન વિભાગે આ 8 જિલ્લામાં ભારે વરસાદનું આપ્યું યેલો અલર્ટ

વરસાદી માહોલની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 18, 2026, 11:43 AM IST

ગુજરાતમાં ચોમાસાએ ફરી ગતિ પકડવાના સંકેતો વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન પ્રતિકૂળ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) અને સક્રિય મોન્સૂન ટ્રફની અસરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આગામી દિવસોમાં પણ આ સિસ્ટમની અસર યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

આજે નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે લોકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા, ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

માછીમારો માટે મહત્વની ચેતવણી

દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની અને દરિયો તોફાની બનવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આજે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. દરિયામાં રહેલા માછીમારોને પણ શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત બંદરો પર પરત ફરવા સૂચના આપવામાં આવી છે. દરિયાઈ હવામાનમાં અચાનક ફેરફાર થવાની શક્યતા હોવાથી આગામી હવામાન બુલેટિન પર સતત નજર રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: જમીનનું સ્વાસ્થ્ય બચાવવું હોય તો પ્રાકૃતિક ખેતી અપનાવો : ગાંધીનગરના મહુન્દ્રા ગામમાં CM ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મનું કર્યું નિરીક્ષણ

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

રાજ્યની રાજધાની અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. વરસાદને કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે.

રાજ્યમાં હજુ પણ વરસાદની ખાધ

હવામાન વિભાગના આંકડા મુજબ, ગુજરાતમાં અત્યાર સુધી સિઝનમાં સરેરાશ 255.7 મિમી વરસાદ પડવો જોઈએ, જ્યારે અત્યાર સુધી માત્ર 137 મિમી વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 32 ટકા ઓછો વરસાદ નોંધાયો છે આ વરસાદી ખાધને કારણે કૃષિ ક્ષેત્ર પર પણ અસર જોવા મળી રહી છે. જોકે આગામી દિવસોમાં સામાન્ય વરસાદની આગાહી હોવાથી ખેડૂતોને રાહત મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દ્વારકામાં સૌથી ઓછી વરસાદી નોંધ

આ વર્ષે રાજ્યમાં સૌથી ઓછી વરસાદી સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી છે. અહીં અત્યાર સુધી સરેરાશ 233 મિમી વરસાદની સામે માત્ર 8.4 મિમી વરસાદ નોંધાયો છે. એટલે કે દ્વારકામાં 96 ટકા ઓછો વરસાદ નોંધાતા વરસાદની ભારે ખાધ સર્જાઈ છે. આટલો ઓછો વરસાદ નોંધાતા કૃષિ, જળસંગ્રહ અને પીવાના પાણીની ઉપલબ્ધિ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

આ પણ વાંચો: 20 જુલાઈ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ? : અંબાલાલ પટેલની આગાહી, અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

અમદાવાદમાં પણ સરેરાશ કરતાં ઓછો વરસાદ

અમદાવાદ શહેરમાં પણ ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી સરેરાશ 227 મિમી વરસાદ થવો જોઈએ, જ્યારે અત્યાર સુધી માત્ર 115 મિમી વરસાદ નોંધાયો છે. એટલે કે શહેરમાં અત્યાર સુધી 47 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા છે, તેમ છતાં સરેરાશ વરસાદની સરખામણીએ હજુ નોંધપાત્ર ખાધ યથાવત છે.

આગામી દિવસો રહેશે મહત્વપૂર્ણ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સમયાંતરે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જો આગામી સપ્તાહ દરમિયાન આગાહી મુજબ સારો વરસાદ થાય તો રાજ્યમાં વરસાદની ખાધમાં ઘટાડો થઈ શકે છે અને કૃષિ તેમજ જળસંગ્રહની સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે છે.

હાલ માટે દક્ષિણ ગુજરાતના યેલો અલર્ટવાળા જિલ્લાઓમાં રહેતા લોકોને સાવચેતી રાખવા, માછીમારોએ દરિયો ન ખેડવા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now