Home Gujarat Kutch Relief Fodder Distribution Start Soon

કચ્છમાં 1-2 દિવસમાં રાહત દરે ઘાસચારા વિતરણ શરૂ થશે : પશુપાલકોને મળશે મોટી રાહત

કચ્છમાં પશુપાલકો માટે રાહત દરે સૂકા ઘાસચારાના વિતરણની તૈયારીઓ.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 18, 2026, 12:27 PM IST

Kutch News: કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા પશુધન માટે ઘાસચારાની સમસ્યા ગંભીર બનતા રાજ્ય સરકારે ખાસ રાહત પગલાં લીધાં છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ આગામી એકથી બે દિવસમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં રાહત દરે સૂકા ઘાસચારાનું વિતરણ શરૂ કરવામાં આવશે. આ યોજનાથી હજારો પશુપાલકોને સીધી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કચ્છ વહીવટી તંત્ર દ્વારા 13 જુલાઈએ રાજ્ય સરકાર સમક્ષ રાહત ભાવે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેને રાજ્ય સરકારે 17 જુલાઈએ મંજૂરી આપી હતી. મંજૂરી મળ્યા બાદ હવે જિલ્લા તંત્રે વિતરણ માટેની તૈયારીઓ ઝડપી બનાવી છે.

આઈકાર્ડના આધારે મળશે સહાય

ભુજના ડિઝાસ્ટર મામલતદાર પ્રકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ (TDO), વન વિભાગના અધિકારીઓ અને તલાટીઓ સાથે આયોજન બેઠક યોજાઈ છે. તમામ વિભાગોના સંકલનથી આગામી 1થી 2 દિવસમાં ઘાસચારા વિતરણ શરૂ કરવામાં આવશે. પશુપાલકોને લાભ આપવા માટે સૌપ્રથમ ફોટો સાથેનું ઓળખપત્ર (આઈકાર્ડ) તૈયાર કરવામાં આવશે. આ આઈકાર્ડના આધારે જ રાહત યોજનાનો લાભ આપવામાં આવશે, જેથી વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે.

એક પશુપાલકને વધુમાં વધુ પાંચ પશુઓ માટે સહાય

યોજનાના નિયમો મુજબ એક પશુપાલકને વધુમાં વધુ પાંચ પશુઓ માટે સહાય મળશે. દરેક પશુ માટે દરરોજ 4 કિલોના હિસાબે એક અઠવાડિયા માટેનો સૂકો ઘાસચારો એકસાથે આપવામાં આવશે. આ ઘાસચારો પશુપાલકોને માત્ર રૂ. 2 પ્રતિ કિલોના રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જિલ્લા તંત્રના જણાવ્યા અનુસાર હાલ ઉપલબ્ધ જથ્થાના આધારે વિતરણ શરૂ કરવામાં આવશે. જો આગામી દિવસોમાં માંગ વધશે અથવા વધુ જથ્થાની જરૂર પડશે તો રાજ્ય સરકાર સાથે સંકલન કરીને વધારાનો ઘાસચારો મંગાવવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓ મારફતે થશે વિતરણ

ઘાસચારા વિતરણની સમગ્ર પ્રક્રિયા કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓના માધ્યમથી હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્તરે પશુપાલકોની નોંધણી, આઈકાર્ડની ચકાસણી અને વિતરણની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. તંત્રનું કહેવું છે કે યોજનાનો લાભ માત્ર પાત્ર પશુપાલકો સુધી પહોંચે તે માટે તમામ પ્રક્રિયા નિયમો અનુસાર કરવામાં આવશે.

પશુપાલકોને મળશે મોટી રાહત

કચ્છમાં લાંબા સમયથી પૂરતા વરસાદના અભાવે ચારો ઉપલબ્ધ ન હોવાથી પશુપાલકોને પશુઓના નિભાવમાં મુશ્કેલી પડી રહી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયથી પશુપાલકોને તાત્કાલિક રાહત મળશે અને પશુધનને જરૂરી ઘાસચારો ઉપલબ્ધ થઈ શકશે. તંત્રે પશુપાલકોને અપીલ કરી છે કે તેઓ જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી કરાવી યોજનાનો લાભ લે.

આ પણ વાંચો: 5 વર્ષની બાળકીની છેડતી કરનાર 69 વર્ષના વૃદ્ધને 20 વર્ષની સખત કેદ : પીડિતાને 5 લાખ વળતરનો આદેશ

વરસાદની સ્થિતિ પર તંત્રની સતત નજર

જિલ્લા વહીવટી તંત્ર હાલ વરસાદની સ્થિતિ અને ઘાસચારાની ઉપલબ્ધતા પર સતત નજર રાખી રહ્યું છે. જો વરસાદમાં વધુ વિલંબ થશે અથવા ઘાસચારાની માંગ વધશે તો જરૂરિયાત મુજબ વધારાના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવશે. તંત્રનું કહેવું છે કે પશુપાલકોને મુશ્કેલી ન પડે તે માટે તમામ જરૂરી પગલાં સમયસર લેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now