Ahmedabad Fireworks Factory Blast: અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં થયેલા જાનહાનિના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.
વડાપ્રધાને જણાવ્યું કે સ્થાનિક વહીવટી તંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે. સાથે જ તેમણે જાહેરાત કરી કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિ (PMNRF)માંથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના વારસદારોને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા સહાય આપવામાં આવશે, જ્યારે ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વ્યક્ત કર્યું દુઃખ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદની ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી અને તેમના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્તોને જરૂરી સારવાર અને તમામ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પણ પ્રાર્થના વ્યક્ત કરી છે.
અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટના મામલે જગદીશ વિશ્વકર્માઓ જણાવ્યું હતું કે, અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટના ખુબ જ હૃદયદ્રાવક છે. આ કરુણ અકસ્માતમાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તે પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર દિવંગત આત્માઓને ચિર શાંતિ અર્પે અને પરિવારને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
રાજ્ય સરકારની સહાયની જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને રૂ. 4 લાખની આર્થિક સહાય આપશે. ઉપરાંત, અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દરેક વ્યક્તિને રૂ. 50 હજારની સહાય પણ આપવામાં આવશે.
'પરિવારજનો સહિત અનેકની અટકાયત' : DyCM હર્ષ સંઘવી
DyCM હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે તેઓએ અમદાવાદ ઝોન-2ના જેસીપી સાથે ચર્ચા કરી છે. પ્રાથમિક કાર્યવાહી હેઠળ ગેરકાયદે ફેક્ટરી ચલાવનારાઓ તેમજ ઘટનાસ્થળે હાજર તેમના પરિવારજનોને પણ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે.
રિવ્યૂ બેઠક બાદ સત્તાવાર માહિતી જાહેર કરાશે
ડેપ્યુટી સીએમએ જણાવ્યું કે સમગ્ર ઘટનાને લઈને ટૂંક સમયમાં ઉચ્ચસ્તરીય રિવ્યૂ બેઠક યોજાશે. બેઠકમાં તપાસની પ્રગતિ, જવાબદારો સામેની કાર્યવાહી અને અન્ય મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે રિવ્યૂ બેઠક પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે સરકાર તરફથી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. હાલ પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ દુર્ઘટનાના કારણો, ગેરકાયદે રીતે ફેક્ટરી કેવી રીતે ચલાવવામાં આવી રહી હતી અને તેમાં કોણ-કોણ સંડોવાયેલું હતું તેની તપાસમાં વ્યસ્ત છે.





