અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ અને જોરદાર બ્લાસ્ટની ઘટનામાં 8 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેયર, મનપા કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ, એમ્બ્યુલન્સ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદના પાલડીમાં ₹49 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : ઘરકામ કરતો વ્યક્તિ જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, એક આરોપી ઝડપાયો; બે હજુ ફરાર
RAFના જવાનોએ બચાવ કામગીરીમાં ભજવી મહત્વની ભૂમિકા
ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જોરદાર બ્લાસ્ટનો અવાજ સાંભળતાં વસ્ત્રાલ સ્થિત RAF કેમ્પના જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફેક્ટરી કેમ્પની પાછળના ભાગે આવેલી હોવાથી જવાનો મિનિટોમાં સ્થળે પહોંચી ગયા હતા.
ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ RAFના જવાનોએ ઘાયલ અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમે સંયુક્ત રીતે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: ચૈતર વસાવાના સમર્થનમાં 1 લાખથી વધુ લોકો કરશે હસ્તાક્ષર : કાર્યક્રમની નવી તારીખ જાહેર
લાઇસન્સ રદ હોવા છતાં ફેક્ટરી ચાલુ હોવાનો ખુલાસો
જેસીપી સેક્ટર-2 જયપાલસિંહ રાઠોરે જણાવ્યું હતું કે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં RAF કેમ્પ પાછળ કેનાલ કિનારે ખુલ્લા ખેતરમાં મેહુલ દોડિયા નામના વ્યક્તિ દ્વારા ફટાકડાની ફેક્ટરી જેવી પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ એકમનું લાઇસન્સ અગાઉથી જ રદ કરવામાં આવ્યું હતું, તેમ છતાં ત્યાં ગેરકાયદે કામગીરી ચાલુ રાખવામાં આવી રહી હતી.
તેમણે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: જમીનનું સ્વાસ્થ્ય બચાવવું હોય તો પ્રાકૃતિક ખેતી અપનાવો : ગાંધીનગરના મહુન્દ્રા ગામમાં CM ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મનું કર્યું નિરીક્ષણ
કલ્પેબલ હોમિસાઇડ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાશે
જયપાલસિંહ રાઠોરના જણાવ્યા મુજબ સમગ્ર ઘટનાને લઈને રામોલ પોલીસ દ્વારા કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર તેમજ એક્સપ્લોઝિવ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) સહિતની વિવિધ તપાસ એજન્સીઓને સ્થળ પર બોલાવવામાં આવી છે. બ્લાસ્ટનું કારણ, સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં અને ગેરકાયદે રીતે ફેક્ટરી કેવી રીતે ચલાવવામાં આવી રહી હતી તે તમામ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.





