જૂનાગઢના ગિરનાર પર્વત પર યાત્રા માટે અમલમાં મુકાયેલી QR કોડ આધારિત નોંધણી વ્યવસ્થાને લઈને સ્થાનિક આગેવાનો, કેટલાક હિન્દુ સંગઠનો અને સંતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે નવી વ્યવસ્થાથી યાત્રાળુઓને અનાવશ્યક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, જ્યારે તંત્રનું કહેવું છે કે આ વ્યવસ્થાનો હેતુ યાત્રિકોની માહિતી એકત્રિત કરીને ભવિષ્યમાં વધુ સારી સુવિધાઓ અને આયોજન સુનિશ્ચિત કરવાનો છે.
વિરોધીઓનું કહેવું છે કે ગિરનાર પર દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને પૂનમ સહિતના પ્રસંગોએ એકસાથે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડે છે. આવી સ્થિતિમાં QR કોડ આધારિત નોંધણી વ્યવસ્થા વ્યવહારુ રહેશે કે નહીં તે અંગે તેમણે પ્રશ્નો ઉઠાવ્યા છે. સાથે જ તેમનો આક્ષેપ છે કે ગિરનાર પર હજુ પણ પીવાનું પાણી, શૌચાલય અને અન્ય પ્રાથમિક સુવિધાઓમાં સુધારાની જરૂર છે.
સ્થાનિક આગેવાનોએ વ્યક્ત કરી ચિંતા
સ્થાનિક આગેવાન અમૃત દેસાઈએ જણાવ્યું હતું કે ગિરનાર જેવી ઐતિહાસિક અને ધાર્મિક યાત્રાધામ પર નવી વ્યવસ્થા અમલમાં મૂકતા પહેલાં સ્થાનિકો, સંતો અને યાત્રાળુઓ સાથે ચર્ચા થવી જોઈએ હતી. તેમના મતે, મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ માટે આ સિસ્ટમ કેટલી અસરકારક રહેશે તે અંગે સ્પષ્ટતા જરૂરી છે.
સ્થાનિક અગ્રણી ભૂપત શેઠિયાએ પણ યાત્રિકોને મળતી પ્રાથમિક સુવિધાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે સુરક્ષા મહત્વપૂર્ણ છે, પરંતુ સાથે યાત્રાળુઓને મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવી જોઈએ.
તંત્રનો ખુલાસો
જૂનાગઢના ઇન્ચાર્જ એસડીએમ નિકુંજ ધૂળાએ જણાવ્યું કે QR કોડ આધારિત નોંધણી વ્યવસ્થાનો મુખ્ય હેતુ ગિરનાર પર આવતા યાત્રિકોની સંખ્યા અને વિગતોનો રેકોર્ડ જાળવવાનો છે. તેમના જણાવ્યા મુજબ, આ માહિતીના આધારે ભવિષ્યમાં ગિરનાર ખાતે સુવિધાઓના વિકાસ અને વધુ સારું આયોજન કરવામાં મદદ મળશે.
તંત્રે સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થાનો હેતુ યાત્રાળુઓને રોકવાનો નહીં પરંતુ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવાનો છે. જોકે, આ અંગે વધુ માર્ગદર્શિકા અને સ્પષ્ટતા આગામી સમયમાં આપવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો:જમીનનું સ્વાસ્થ્ય બચાવવું હોય તો પ્રાકૃતિક ખેતી અપનાવો : ગાંધીનગરના મહુન્દ્રા ગામમાં CM ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મનું કર્યું નિરીક્ષણ
ચર્ચા યથાવત
QR કોડ આધારિત નોંધણી વ્યવસ્થાને લઈને એક તરફ સ્થાનિકો અને કેટલાક સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ તંત્ર તેને આયોજન અને સુરક્ષાની દૃષ્ટિએ જરૂરી ગણાવી રહ્યું છે. હવે આગામી દિવસોમાં સરકાર અથવા જિલ્લા વહીવટીતંત્ર આ મુદ્દે વધુ સ્પષ્ટતા કરે છે કે નહીં અને રજૂ થયેલા પ્રશ્નોનો શું જવાબ આપે છે તેના પર સૌની નજર રહેશે.






