Home Gujarat Mansukh Vasava Letter Birsa Munda Tribal University Executive Council Row

સાંસદ મનસુખ વસાવા નો વધુ એક લેટર બૉમ્બ : બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની કમિટીની નિમણૂકો સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બૉમ્બ
Published by: OBS Bureau
Last Updated: Jul 18, 2026, 11:39 AM IST

Narmada News: ભાજપના વરિષ્ઠ અને હંમેશા પોતાના બેબાક અંદાજ માટે જાણીતા સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર અને સંગઠનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતો પત્ર લખીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. મનસુખ વસાવાએ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીને ઉદ્દેશીને લખેલા આ પત્રમાં નર્મદા જિલ્લાની પ્રતિષ્ઠિત 'બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી'ની એજ્યુકેટિવ કાઉન્સિલ કમિટીની નિમણૂકો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

વરિષ્ઠ નેતાઓ અને સ્થાનિકોની અવગણનાનો આક્ષેપ

પત્રમાં સાંસદે જણાવ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લાને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના રૂપમાં ખૂબ મોટી ભેટ મળી છે, જે દેશને વિકસિત ભારત બનાવવા માટે મહત્વની સાબિત થશે. પરંતુ, તાજેતરમાં જાહેર થયેલી “એજ્યુકેટિવ કાઉન્સિલ કમિટી” માં સ્થાનિક ધારાસભ્યો, સંસદસભ્યો કે પક્ષના વરિષ્ઠ આગેવાનોને બિલકુલ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. તેમણે આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે, ડેડિયાપાડા, સાગબારા, ચીકદા જેવા આદિવાસી તાલુકાઓ તેમજ ભરૂચ જિલ્લામાંથી આ કમિટીમાં કોઈને પણ સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું નથી. કમિટીમાં જે નામો જાહેર કરાયા છે, તેમાંથી મોટાભાગના લોકોનું શિક્ષણ જગત સાથે કોઈ લેવાદેવા જ નથી.

અમદાવાદના પાલડીમાં ₹49 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : ઘરકામ કરતો વ્યક્તિ જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, એક આરોપી ઝડપાયો; બે હજુ ફરાર

જિલ્લા પ્રમુખ નીલ રાવ અને તેમના પત્નીની નિમણૂક સામે સણસણતા સવાલો

મનસુખ વસાવાએ પત્રમાં સીધું નિશાન સાધતા લખ્યું છે કે, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવના ધર્મપત્ની પ્રેમપ્યારીનું નામ કમિટી સભ્ય તરીકે મૂકવામાં આવ્યું છે. આ નિમણૂક સામે વાંધો ઉઠાવતા સાંસદે લખ્યું: "તેઓનું પક્ષમાં કે તેમના પરિવારનું કોઈ યોગદાન નથી. એટલું જ નહીં, શિક્ષણના વહીવટી બાબતોનું પણ તેઓને કોઈ જ જ્ઞાન (નોલેજ) નથી. જો પક્ષના નિયમો બીજા બધા કાર્યકરોને નડતા હોય, તો શું જિલ્લા પ્રમુખ નીલ રાવ અને તેમના પત્નીને આ નિયમો લાગુ નથી પડતા?"

શિક્ષણ જગત અને પ્રજામાં ભારે નારાજગી

પત્રના અંતે સાંસદે પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભાજપ સંગઠનને ઊભું કરવામાં અમે અમારી આખી જિંદગી ખર્ચી નાખી છે. તેમ છતાં આવા મહત્વના નિર્ણયો લેતી વખતે અમારા જેવા વરિષ્ઠ નેતાઓને વિશ્વાસમાં ન લેવા તે બિલકુલ યોગ્ય નથી. આ વિવાદિત નિમણૂકો બહાર આવ્યા બાદ શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકોમાં ભારે ટીકા-ટિપ્પણી થઈ રહી છે અને આમ પ્રજામાં પણ સંગઠનની આ નીતિ સામે ભારે નારાજગી ઊભી થઈ છે.

ચૈતર વસાવાના સમર્થનમાં 1 લાખથી વધુ લોકો કરશે હસ્તાક્ષર : કાર્યક્રમની નવી તારીખ જાહેર

પત્રમાં સાંસદ મનસુખ વસાવાએ શું લખ્યું?

મનસુખ વસાવાએ પત્રમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે "નર્મદા જિલ્લાને મળેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી દેશને ‘વિકસિત ભારત’ બનાવવા માટે ખૂબ જ મહત્વની સાબિત થશે. પરંતુ તાજેતરમાં જાહેર થયેલી એજ્યુકેટીવ કાઉન્સિલ કમિટીમાં નર્મદા અને ભરૂચ જિલ્લાના સ્થાનિક નેતાઓને સાવ વિસરાઈ દેવાયા છે. જે નામો જાહેર થયા છે, તેઓનો શિક્ષણ જગત સાથે કોઈ દૂર-દૂર સુધી સંબંધ નથી."

"અમે આંખી જિંદગી ખર્ચી નાખી, છતાં અણદેખી થઈ"

પત્રના અંતમાં સાંસદે પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભાજપનું સંગઠન ઊભું કરવામાં અને પક્ષને મજબૂત કરવામાં વરિષ્ઠ નેતાઓએ પોતાની આખી જિંદગી ખર્ચી નાખી છે. છતાં યુનિવર્સિટી જેવા મહત્વના નિર્ણયોમાં સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં ન લેવાતા આમ પ્રજા અને પક્ષના કાર્યકરોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. સાંસદ મનસુખ વસાવાના આ લેટર બૉમ્બ બાદ હવે ગુજરાત ભાજપ સંગઠન આ મામલે શું વલણ અપનાવે છે અને કમિટીમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં, તેના પર સૌની નજર મંડાયેલી છે.

જમીનનું સ્વાસ્થ્ય બચાવવું હોય તો પ્રાકૃતિક ખેતી અપનાવો : ગાંધીનગરના મહુન્દ્રા ગામમાં CM ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મનું કર્યું નિરીક્ષણ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now