Home Gujarat Vadodara Vadodara Waghodia Road Tulsinagar Stray Dog Menace

વડોદરાના વાઘોડિયા રોડ પર રખડતા શ્વાનોનો આતંક : તુલસીનગર સોસાયટીમાં 25 લોકો બન્યા ભોગ; સ્થાનિકોમાં ભય

વાઘોડિયા રોડ પર રખડતા શ્વાનોનો આતંક
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 18, 2026, 10:32 AM IST

Vadodara News: વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી તુલસીનગર સોસાયટીમાં રખડતા શ્વાનોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા ચારથી પાંચ મહિનામાં શ્વાનોના હુમલામાં આશરે 25 લોકો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે. ડોગ બાઇટની વધતી ઘટનાઓને કારણે સોસાયટીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને ખાસ કરીને બાળકો તથા વડીલો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શ્વાનોના હુમલાનો ભોગ માત્ર સોસાયટીના રહેવાસીઓ જ નહીં પરંતુ ડિલિવરી બોયઝ, દૂધવાળા અને અન્ય સેવા આપતા લોકો પણ બન્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જ ત્રણ નવા ડોગ બાઇટના બનાવો નોંધાયા હતા, જેમાં 10 વર્ષના બાળકને પણ ઈજા પહોંચી હતી. આ ઘટનાઓ બાદ વાલીઓમાં બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

વારંવાર રજૂઆત છતાં લાંબા સમય સુધી કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ

સોસાયટીના રહેવાસી નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ સમસ્યાને લઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં લાંબા સમય સુધી અસરકારક કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. સોસાયટીમાં ટ્યુશન ક્લાસ પણ ચાલતા હોવાથી દરરોજ મોટી સંખ્યામાં બાળકોની અવરજવર રહે છે, જેના કારણે વાલીઓમાં પણ ચિંતા વધી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓ શકુંન્દ્રાબેન શાહ અને વિશ્વા શાહે જણાવ્યું હતું કે શ્વાનોના ભયને કારણે સવારે અને સાંજે વોકિંગ માટે નીકળતા લોકો પણ હવે સાવચેતી રાખી રહ્યા છે. જ્યારે નરપતસિંહ વાસિયાએ જણાવ્યું હતું કે સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે કોર્પોરેશને નિયમિત કાર્યવાહી કરવી જરૂરી છે.

VMCની કાર્યવાહી, હિંસક શ્વાનને આઇસોલેશનમાં ખસેડાયો

સમગ્ર મામલો સામે આવ્યા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) હરકતમાં આવ્યું છે. કોર્પોરેશનના અધિકારી ડૉ. વિજય પંચાલે જણાવ્યું હતું કે ડોગ બાઇટ અને ગંદકી સંબંધિત ફરિયાદો ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને માધ્યમથી મળતા જ સ્થળ પર તપાસ કરવામાં આવે છે. જો કોઈ શ્વાન અસામાન્ય રીતે હિંસક હોવાનું જણાય તો એનિમલ બર્થ કંટ્રોલ (ABC) ટીમ દ્વારા તેને પકડીને આઇસોલેશનમાં રાખવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે તુલસીનગર સોસાયટીમાંથી પણ એક હિંસક શ્વાનને પકડીને આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેના વર્તન અને સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. જરૂરિયાત મુજબ પશુચિકિત્સકો દ્વારા તેની તપાસ પણ કરવામાં આવશે.

શ્વાન હિંસક કેમ બને છે? અધિકારીએ આપ્યું કારણ

ડૉ. વિજય પંચાલના જણાવ્યા અનુસાર, રખડતા શ્વાનો હિંસક બનવાના અનેક કારણો હોઈ શકે છે. પૂરતો ખોરાક ન મળવો, ચોમાસાની ઋતુમાં યોગ્ય આશરો ન મળવો અથવા લોકો દ્વારા તેમને ચીડવવામાં આવવું જેવા કારણોસર શ્વાનો આક્રમક વર્તન કરતા હોય છે. તેમણે નાગરિકોને જાહેર સ્થળોએ અથવા ગાર્ડનમાં શ્વાનોને ચીડવવાનું ટાળવા તેમજ તેમની નજીક જતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં રખડતા શ્વાનોની વસતીને નિયંત્રિત કરવા માટે ABC (Animal Birth Control) અને રસીકરણ અભિયાન નિયમિત રીતે ચલાવવામાં આવે છે. નાગરિકો ડોગ બાઇટ અથવા હિંસક શ્વાન અંગેની ફરિયાદ VMCના ઓનલાઈન પોર્ટલ, હેલ્પલાઇન અથવા સંબંધિત વોર્ડ કચેરીમાં નોંધાવી શકે છે, જેથી તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

બાળકો અને વડીલોમાં ભય, કાયમી ઉકેલની ઉઠી માંગ

રહેવાસીઓનું કહેવું છે કે શ્વાનોના વધતા આતંકને કારણે બાળકોને એકલા રમવા મોકલવામાં પણ વાલીઓ અચકાઈ રહ્યા છે. વહેલી સવારે અને મોડી સાંજે વોકિંગ માટે નીકળતા લોકો હવે જૂથમાં જ બહાર નીકળવાનું પસંદ કરી રહ્યા છે. ડિલિવરી એજન્ટો, ઘરકામ માટે આવનારા કર્મચારીઓ તેમજ ટ્યુશન માટે આવતા વિદ્યાર્થીઓને પણ સોસાયટીમાં પ્રવેશ કરતી વખતે સતત સાવચેતી રાખવી પડી રહી છે, જેના કારણે દૈનિક જીવન પર સીધી અસર પડી રહી છે.

આ પણ વાંચો: ISROના 2 પૂર્વ વૈજ્ઞાનિકોનો કમાલ : નોકરી છોડી ₹10,000 કરોડની કંપની બનાવી, આજે 'વિક્રમ-1' લોન્ચ કરીને રચ્યો ઈતિહાસ

સતત દેખરેખ અને નિયમિત કાર્યવાહી માટે સ્થાનિકોની માંગ

સ્થાનિકોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ માંગ કરી છે કે માત્ર એક હિંસક શ્વાનને પકડવાની કાર્યવાહી પૂરતી નથી. સમગ્ર વિસ્તારમાં રખડતા શ્વાનોની સંખ્યા પર નિયમિત નજર રાખી આક્રમક શ્વાનોને સમયસર પકડવામાં આવે તેમજ ABC અને રસીકરણ અભિયાનને વધુ અસરકારક બનાવવામાં આવે. રહેવાસીઓનું માનવું છે કે સતત મોનિટરિંગ અને ઝડપી કાર્યવાહીથી જ આવી ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય અને લોકોમાં સુરક્ષાની લાગણી ઉભી થઈ શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now