Home Gujarat Vadodara Vadodara Kamati Baug Zoo Security Breach Leopard Cage Viral Video Investigation

કમાટીબાગમાં સુરક્ષાના લીરેલીરા! : વડોદરાના કમાટીબાગમાં ત્રણ યુવાનો દીપડાના પાંજરા સુધી ઘૂસી ગયા, વીડિયો વાયરલ થતા ખળભળાટ

Vadodara Kamati Baug Zoo Leopard Security Breach
Published by: Nirali Gohil
Last Updated: May 15, 2026, 05:57 AM IST

વડોદરા: 'સંસ્કારી નગરી' તરીકે ઓળખાતા વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ (કમાટીબાગ) પ્રાણીસંગ્રહાલયની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાની ઘેલછામાં ત્રણ અજાણ્યા યુવાનોએ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી અત્યંત સુરક્ષિત અને પ્રતિબંધિત એવા દીપડાના પાંજરા સુધી પહોંચી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ યુવાનોએ માત્ર પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ જ નથી કર્યો, પરંતુ વન્યજીવનો જીવ જોખમમાં મૂકી દીપડાને હેરાન કરતા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે, જેને પગલે શહેરીજનો અને પ્રકૃતિપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ઝૂની સુરક્ષામાં રહેલી મોટી ખામીઓને છતી કરી છે. વાયરલ વીડિયોમાં જે રીતે યુવાનો કોઈપણ ડર વગર દીપડાની ગુફા પાસે હરકતો કરી રહ્યા છે, તે જોતા અહીં તૈનાત સિક્યોરિટી એજન્સીની કામગીરી પર પણ માછલાં ધોવાઈ રહ્યા છે. વેકેશનના કારણે જ્યારે પ્રાણીસંગ્રહાલયમાં સહેલાણીઓની સંખ્યા વધારે હોય છે, ત્યારે આવી બેદરકારી કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી શકતી હતી.

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે જીવ જોખમમાં મૂક્યો

વાયરલ થયેલા વીડિયોમાં ત્રણ યુવાનો દીપડાની ગુફા અને પાંજરાની બિલકુલ નજીક જઈને જોખમી સ્ટન્ટ કરતા જોવા મળે છે. આ યુવાનોએ દીપડાને ડરાવવા અને તેને દોડાવવા જેવી ચેષ્ટાઓ કરી હતી. વીડિયોમાં એક યુવાન ગર્વ સાથે કહી રહ્યો છે કે, "આખા વડોદરામાં માત્ર અમે ત્રણ જ યુવાનો અહીં સુધી પહોંચી શક્યા છીએ." તેણે વીડિયોમાં એમ પણ સ્વીકાર્યું હતું કે જો વચ્ચે પાંજરું ન હોત તો દીપડો તેમના પર હુમલો કરી શકત. આ હરકતો દર્શાવે છે કે આ યુવાનોને કાયદો કે જંગલી જાનવરના જીવલેણ હુમલાનો કોઈ ભય રહ્યો નથી.

વડોદરા હવે પૂરથી થશે સુરક્ષિત: વિશ્વામિત્રી પ્રોજેક્ટનો બીજો તબક્કો શરૂ, 12 સંવેદનશીલ સ્થળોએ બનાવાશે રક્ષણાત્મક 'ગેબિયન વોલ'

ઝૂ સત્તાધીશો અને સિક્યોરિટી એજન્સીની બેદરકારી સામે રોષ

કમાટીબાગમાં સુરક્ષા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં ત્રણ યુવાનો દીપડા જેવા હિંસક પ્રાણીના પાંજરા સુધી કેવી રીતે પહોંચી ગયા? તે એક મોટો પ્રશ્ન છે. પ્રકૃતિપ્રેમીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે આ ઘટના બની ત્યારે સિક્યોરિટી ગાર્ડ્સ ક્યાં હતા? શું આ સુરક્ષાકર્મીઓની મિલીભગત હતી કે પછી ઘોર બેદરકારી? અગાઉ પણ દેશના અન્ય પ્રાણીસંગ્રહાલયોમાં આવી બેદરકારીને કારણે અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે, ત્યારે વડોદરા ઝૂ તંત્રની આ નિંદ્રા ગંભીર સાબિત થઈ શકે છે.

પરિણીતાનાં રહસ્યમય મોત બાદ પતિ સહિત સાસરિયા સામે ગુનો થયો દાખલ: દહેજનાં ભૂખ્યા હતા સાસરિયા?

તપાસના આદેશ: યુવાનો સામે કડક કાર્યવાહીની માંગ

આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ વડોદરા કોર્પોરેશનનું ઝૂ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ઝૂ ક્યૂરેટર દ્વારા આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને ફરજ પર રહેલી સુરક્ષા એજન્સી પાસેથી લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. વન્યજીવ પ્રેમીઓ અને નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે પ્રાણીઓને હેરાન કરવા અને પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસવા બદલ આ યુવાનોની ઓળખ કરી તેમની સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ સહેલાણી આવી હિંમત ન કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now