Home Gujarat Vadodara Vadodara Ebus Project Charging Station Issue

વડોદરા પાલિકાનો ‘સ્માર્ટ’ ફિયાસ્કો : ચાર્જિંગ સ્ટેશન વગર ઈ-બસો ખાઈ રહી છે ધૂળ

ઈલેક્ટ્રીક બસોની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 16, 2026, 08:47 AM IST

વડોદરાને ‘સ્માર્ટ સિટી’ બનાવવાના મોટા-મોટા દાવાઓ વચ્ચે વડોદરા મહાનગરપાલિકાના મિસમેનેજમેન્ટ અને અણઘડ વહીવટનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેન્દ્ર સરકારની અત્યંત મહત્વકાંક્ષી “PM e-Bus Sewa” યોજના અંતર્ગત વડોદરા શહેરને પર્યાવરણ પૂરક અને પ્રદૂષણ મુક્ત પરિવહન માટે ફાળવવામાં આવેલી કરોડો રૂપિયાની અત્યાધુનિક ઈલેક્ટ્રિક બસો હાલમાં રસ્તા પર દોડવાને બદલે ડેપોમાં ધૂળ ખાઈ રહી છે.

શહેરમાં શાનદાર રીતે 7 જેટલી નવી નક્કોર ઈ-બસો આવી પહોંચી હોવા છતાં, પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી તેના ચાર્જિંગ માટેની કોઈ પ્રાથમિક સુવિધા કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું નથી. પરિણામે, જનતાના ટેક્સના કરોડો રૂપિયાનું આંધણ થયું છે.

આ પણ વાંચો: પાણીપુરી પ્રેમીઓ સાવધાન! : અમદાવાદના પોશ વિસ્તારમાં પકોડીમાંથી ‘હાડકું’ નીકળ્યું; યુવતીએ લગાવ્યા ગંભીર આક્ષેપ

‘ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા’ જેવો ઘાટ

વડોદરા મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો વચ્ચે સંકલનનો કેવો અભાવ છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે. નિયમ મુજબ, જ્યારે કેન્દ્ર સરકારને બસોનો ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે જ તેના ચાર્જિંગ પોઈન્ટ્સ, વીજ જોડાણ અને જરૂરી સબ-સ્ટેશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવાની જરૂર હતી. પરંતુ અહીં તો ‘ઘોડો છૂટ્યા પછી તબેલાને તાળા મારવા’ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. તંત્ર પાસે બસો આવી ગઈ પછી પણ ચાર્જિંગ પોઈન્ટ ક્યાં અને ક્યારે બનશે તેનું કોઈ ચોક્કસ આયોજન જ નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળી રાહત : અમદાવાદ-રાજકોટમાં પારો ગગડ્યો, જાણો IMD નવી આગાહી

જાગૃત નાગરિકોમાં ભારે રોષ

પાલિકાની આ આળસ અને બેદરકારીને કારણે શહેરના જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, "જો ચાર્જિંગની કોઈ વ્યવસ્થા જ નહોતી તો કરોડોની બસો વહેલી મંગાવીને ડેપોમાં સડવા કેમ મૂકી દીધી?" એક તરફ શહેરીજનો ટ્રાફિક, ગરમી અને જાહેર પરિવહનની કથળેલી સવલતોથી ઝઝૂમી રહ્યાં છે, ત્યારે ડેપોમાં તૈયાર બસો ઊભી હોવા છતાં માત્ર ચાર્જિંગ પ્લગ અને આયોજનના વાંકે મુસાફરોને રઝળવું પડી રહ્યું છે.

માત્ર કાગળ પર જ ‘સ્માર્ટ’ વહીવટ?

પાલિકાનો આ ‘સ્માર્ટ’ ફિયાસ્કાએ ફરી એક વખત સાબિત કર્યું છે કે યોજનાઓ માત્ર કાગળ પર લાવવી કે વાહવાહ લૂંટવી પૂરતી નથી તેનું ગ્રાઉન્ડ લેવલ પર યોગ્ય અમલીકરણ પણ એટલું જ જરૂરી છે. જો વહીવટી તંત્ર હજુ પણ નહીં જાગે તો આ 7 કિંમતી ઈ-બસો રસ્તા પર દોડતા પહેલા જ ડેપોમાં પડી રહીને ભંગાર થઈ જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now