વડોદરા શહેરમાં મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે કાર્યરત '181 અભયમ હેલ્પલાઈન'ની ટીમે બે અલગ-અલગ કિસ્સાઓમાં સમયસર પહોંચીને પ્રસંશનીય કામગીરી કરી છે. કાઉન્સિલિંગ દ્વારા એક તરફ ભાંગતું ઘર બચાવી લેવાયું છે તો બીજી તરફ એક આશ્રિત વૃદ્ધ માતાને ન્યાય અપાવવાનો પ્રયાસ કરાયો છે.
વ્યસની પતિએ ભૂલ સ્વીકારી
વડોદરાની એક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાએ તેના પતિના માનસિક ત્રાસ વિરુદ્ધ અભયમમાં ફોન કર્યો હતો. 5 વર્ષ પહેલાં લવ મેરેજ કરનાર આ દંપતીના પ્રારંભિક વર્ષો સારા રહ્યાં હતા. પરંતુ, ખાનગી કંપનીમાં નોકરી કરતા પતિને વ્યસનની લત લાગતાં તે અવારનવાર પત્ની સાથે ગેરવર્તન કરતો હતો. આ બાબતથી કંટાળીને સાસરિયાઓએ તેમને અલગ ભાડાના મકાનમાં મોકલ્યા હોવા છતાં પતિનો ત્રાસ ચાલુ રહ્યો હતો. બે દિવસ પહેલાં પતિએ નશાની હાલતમાં ઘરમાં તોડફોડ પણ કરી હતી.
અભયમ ટીમે સાસુ-સસરાની હાજરીમાં પતિનું કડક કાઉન્સિલિંગ કર્યું અને તેને કાયદાકીય પરિણામોની ચેતવણી આપી. કાઉન્સિલિંગના અંતે પતિએ પોતાની ભૂલ સ્વીકારી વ્યસનમુક્તિ કેન્દ્રમાં સારવાર લેવાની અને લેખિત બાંહેધરી આપી સુધરવાનો વાયદો કર્યો હતો. પત્નીએ પણ તક આપવાનું નક્કી કરી પોલીસ ફરિયાદ ન નોંધાવતા મામલો થાળે પડ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટમાં મંદિર ડિમોલિશનમુદ્દે રાજકારણ ગરમાયું : કોંગ્રેસના ધરણા બાદ તંત્ર સામે ઉઠ્યા સવાલ
રૂપિયા ના આપતાં 75 વર્ષનાં માતાને ઘરની બહાર કાઢનાર પુત્રનું કાઉન્સિલિંગ
બીજો એક હૃદયદ્રાવક કિસ્સો છે એક 75 વર્ષીય વૃદ્ધ માતાએ પોતાના પુત્ર વિરુદ્ધ હેરાનગતિની ફરિયાદ નોંધાવી હતી. અભયમની તપાસમાં બહાર આવ્યું કે, પુત્ર કોઈ કામધંધો કરતો ન હતો અને ઘર ચલાવવા માટે વૃદ્ધ માતાને સગાં-સંબંધીઓ પાસે રૂપિયા માંગવા દબાણ કરતો હતો. તાજેતરમાં માતા મહેસાણા ખાતે રહેતા બહેન પાસેથી ખાલી હાથે પરત ફરતાં પાપી પુત્રએ ઘરનો દરવાજો બંધ કરી માતાને રસ્તા પર છોડી દીધી હતી.
અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરવાજો ખોલાવ્યો અને પુત્રની કડક પૂછપરછ કરી. પુત્રએ સ્વીકાર્યું કે કોઈ બીમારી ન હોવા છતાં તેને મહેનત કરવી ન હતી. ટીમે તેને માતા પ્રત્યેની જવાબદારીઓનું ભાન કરાવી, નાની-મોટી નોકરી કરીને ભરણપોષણ કરવાની કડક સૂચના આપી હતી. હાલ પૂરતું વૃદ્ધ માતાને સ્થાનિક મહિલા હેલ્પલાઇન દ્વારા સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વડોદરા પાલિકાનો ‘સ્માર્ટ’ ફિયાસ્કો : ચાર્જિંગ સ્ટેશન વગર ઈ-બસો ખાઈ રહી છે ધૂળ
આ બંને બનાવો દર્શાવે છે કે ઘરેલું તણાવ અને વરિષ્ઠ નાગરિકો સામેના અત્યાચાર હજુ પણ ગંભીર સામાજિક સમસ્યાઓ છે. પરંતુ સાથે સાથે, સમયસર સહાય અને યોગ્ય માર્ગદર્શનથી સમસ્યાઓનું સમાધાન શક્ય બને છે.





