વાઘોડિયા સેવા સદનમાં છેલ્લા 4-5 દિવસથી જાતિના દાખલા મેળવવા માટે અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. કાળઝાળ ગરમીમાં ભૂખ્યા-તરસ્યા લાઈનોમાં ઊભા રહેવા છતાં કામ ન થતાં જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ લોક ઉત્પાત અને હાલાકીની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તાબડતોબ સેવા સદન દોડી આવ્યા હતા અને મામલતદાર એસ. એસ. કસોટા સામે લાલ આંખ કરી તેમની કાર્યપદ્ધતિ અંગે ઉગ્ર પૂછપરછ કરી આડેહાથ લીધા હતા.
નિયમોના નામે અરજદારોની કનડગતનો આક્ષેપ
લાભાર્થીઓના જણાવ્યા અનુસાર, તેમની પાસે 1951 પહેલાના જરૂરી તમામ પુરાવા ઉપલબ્ધ હોવા છતાં મામલતદાર દ્વારા અયોગ્ય રીતે 7/12ના ઉતારાની માંગણી કરવામાં આવી રહી છે. અરજદારોએ આક્રોશ સાથે સવાલ ઉઠાવ્યો હતો કે,"જેમની પાસે કોઈ જમીન જ નથી, તેઓ 7/12ના ઉતારા ક્યાંથી લાવે? અને જેમના બાપ-દાદા ક્યારેય શાળાએ ગયા જ નથી, તેઓ શાળાના દાખલા ક્યાંથી લાવીને આપે?" અધિકારીઓના આવા જડ વલણને કારણે ગરીબ અને સામાન્ય વર્ગના લોકો અટવાઈ પડ્યા છે.
પીવાના પાણીની પણ સુવિધા નથી
એક તરફ આકાશમાંથી કાળઝાળ ગરમી વરસી રહી છે, ત્યારે બીજી તરફ સેવા સદન કેમ્પસમાં અરજદારો માટે પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. વહીવટી તંત્રની આ ઘોર બેદરકારીને કારણે લોકોમાં તંત્ર સામે પ્રચંડ રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: નર્મદા જિલ્લા સંકલન બેઠકમાં રોડ-પાણીના પ્રશ્ને ગરમાવો : ચૈતર વસાવા અને મનસુખ વસાવા અધિકારીઓ પર વરસ્યા
ધારાસભ્યની કલેક્ટરને રજૂઆત
સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્થળ પરથી જ વડોદરા જિલ્લા કલેક્ટરને ફોન જોડીને જનતા ભોગવી રહી રહેલી હાલાકીથી વાકેફ કર્યા હતા. ધારાસભ્યએ અધિકારીઓને કડક શબ્દોમાં ચિમકી આપતા જણાવ્યું હતું કે, જો અધિકારીઓ પોતાની કાર્યપદ્ધતિમાં તાત્કાલિક સુધારો નહીં કરે અને જનતાની હેરાનગતિ બંધ નહીં થાય, તો આ બાબતે સીધી રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. તંત્રના પાપે જનતાને હેરાન થવા દેવામાં નહીં આવે.





