નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક પ્રથમ જ દિવસે તોફાની બની હતી. નવા જિલ્લા કલેક્ટર ગંગા સિંહ ના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રોડ-રસ્તા, પીવાના પાણી, વન વિભાગની મંજૂરી, મનરેગા, ખાતર અને ડીઝલ-પેટ્રોલની અછત જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થતાં અધિકારીઓ સામે સવાલોની ઝડી લાગી હતી.
ખાસ કરીને ડેડીયાપાડાથી બોગજ ગામ સુધીના રસ્તાનું કામ લાંબા સમયથી અટવાયેલું હોવા અને ઉનાળાની ગરમી વચ્ચે પાણીની સમસ્યાઓ ગંભીર બનતા જનપ્રતિનિધિઓએ તંત્રની કામગીરી પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. બેઠક દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નોને લઈને એકસાથે અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા રાજકીય રીતે પણ બેઠક ચર્ચામાં રહી હતી.
ડેડીયાપાડા-બોગજ રોડ મુદ્દે ગરમાયો મામલો
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે નર્મદા જિલ્લામાં અનેક ડામર રોડ માટે બે-બે વર્ષ પહેલા વર્ક ઓર્ડર અપાયા હોવા છતાં એજન્સીઓ દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું નથી. તેમણે ખાસ કરીને ડેડીયાપાડાથી બોગજ ગામ સુધીના માર્ગનું કામ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી હતી. આ રોડના કામ દરમિયાન વન વિભાગ દ્વારા વાંધા ઉઠાવવામાં આવતા કામ અટવાઈ ગયું હોવાનું પણ બેઠકમાં સામે આવ્યું.
આ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ત્રણથી પાંચ મહિના પહેલા વર્ક ઓર્ડર અપાયા છતાં અનેક માર્ગોના કામો શરૂ થયા નથી. વન વિભાગના નિયમો અને ટેક્નિકલ પ્રક્રિયાઓ વચ્ચે ફસાયેલા વિકાસકાર્યો માટે વ્યવહારુ ઉકેલ શોધવાની જરૂર છે જેથી ચોમાસા પહેલા માર્ગોનું કામ શરૂ થઈ શકે.
પાણીની સમસ્યા અને મનરેગા મુદ્દે રજૂઆત
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની સમસ્યા અંગે પણ બેઠકમાં ગંભીર ચર્ચા થઈ હતી. ચૈતર વસાવાએ અધિકારીઓને સૂચના આપવાની માંગ કરી કે જ્યાં પાણીની તકલીફ છે ત્યાં પંચાયતો દ્વારા રિપેરિંગ, નવા હેન્ડપંપ અને પાણી પુરવઠાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે.
મનરેગા યોજનામાં ફેસ આઈડી સિસ્ટમના કારણે મજૂરોની હાજરી નોંધવામાં ટેક્નિકલ મુશ્કેલીઓ ઉભી થઈ રહી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. ચૈતર વસાવાએ કહ્યું કે અનેક મજૂરો હાજરી નોંધાવી શકતા નથી, જેના કારણે રોજગારી અને વેતન પર અસર પડી રહી છે.
પેટ્રોલ-ડીઝલ અને ખાતરની અછતનો મુદ્દો
નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે લોકો લાંબી લાઈનોમાં ઊભા રહેતા હોવાનો મુદ્દો પણ બેઠકમાં ચર્ચાયો હતો. ચૈતર વસાવાએ તંત્રને જણાવ્યું કે લોકો સુધી સાચી માહિતી પહોંચાડવી જરૂરી છે જેથી અફવા અને ગેરસમજ ઉભી ન થાય. ખાતરની અછત અંગે પણ ખેડૂતોમાં ચિંતા વધતી હોવાને કારણે તંત્રને સમયસર પુરવઠાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરામાં અભયમ ટીમની પ્રશંસનીય કામગીરી: વૃદ્ધ માતાને ઘરમાંથી કાઢી મૂકનાર પાપી પુત્રને ભણાવ્યો પાઠ, વ્યસની પતિ સુધરી ગયો
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્થાનિકોને રોજગાર મુદ્દે ચર્ચા
નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોને રોજગાર આપવા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં જણાવાયું કે ઘણા લોકોને નોકરી મળી છે છતાં લાયકાત ધરાવતા કેટલાક યુવાનો હજુ પણ રોજગારથી વંચિત છે. ઉપરાંત વિસ્થાપિતો માટે બનાવવામાં આવેલી દુકાનો છેલ્લા એક વર્ષથી ફાળવણી વગર પેન્ડિંગ હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે જરૂર પડે તો રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરીને દુકાનોની ફાળવણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
શિક્ષણના વધતા સ્તરનો પણ થયો ઉલ્લેખ
બેઠક દરમિયાન નર્મદા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રની પ્રગતિનો મુદ્દો પણ ચર્ચાયો હતો. મનસુખ વસાવાએ જણાવ્યું કે જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધર્યું છે અને તેના પાછળ શિક્ષણ વિભાગ, સ્થાનિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓની સંયુક્ત મહેનત જવાબદાર છે. તેમણે 10મા અને 12મા ધોરણના પરિણામોને વધુ સુધારવા માટે શિક્ષણ વિભાગને અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું કે જિલ્લામાં મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, કૃષિ ઇજનેરી કોલેજ અને બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ઉપલબ્ધ હોવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સારા પરિણામો જરૂરી છે.
કાર ચલાવતા આવડતી નહોતી ને ડ્રાઇવિંગ સીટ પર જઈ બેઠો યુવક: ACની મજા માણતા અચાનક ગેર પડી ગયો અને પછી...
વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ કરવાની માંગ
બેઠકમાં જૂના રાજ માર્ગ, કરજણ નદી પરના પુલ અને ડુંગરાળ વિસ્તારોના માર્ગો જેવા અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. જનપ્રતિનિધિઓએ તંત્રને ચોમાસા પહેલા વિકાસકાર્યો શરૂ કરવા અને પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા આગ્રહ કર્યો હતો.
નવી કલેક્ટર ગંગા સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી આ પ્રથમ બેઠકમાં જ જનપ્રતિનિધિઓએ તંત્ર સામે આક્રમક વલણ અપનાવતાં આગામી સમયમાં નર્મદા જિલ્લામાં વિકાસકાર્યોની ગતિ અને વહીવટી કામગીરી પર ખાસ નજર રહેશે તેવું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે.






