સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જાહેરમાં હત્યા કરાઈ હતી. 13 મેના રોજ સાંજના સમયે થયેલી આ ચકચારી હત્યા કેસમાં પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. હત્યામાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ આસિફ ખાન ઈસરત ખાન પઠાણ તરીકે થઈ છે જેને જાહેરમાં ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પોલીસે ઝડપેલા આરોપીઓમાં કલીમુદ્દીન શાહબુદ્દીન સિદ્દીકી, મોહમ્મદ દિલશાદ સલમાની અને મોહમ્મદ સહજાદ સિદ્દીકીનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અને મૃતક વચ્ચે જૂનો અંગત વિવાદ ચાલી રહ્યો હતો જે અંતે હત્યામાં પરિણમ્યો હતો.
જાહેરમાં હુમલો
13 મેના રોજ સાંજે અંદાજે 5 વાગ્યાના સમયે હિન્દી ટી સેન્ટર સામે આ હુમલો થયો હતો. આરોપીઓ એક જૂથ થઈને આસિફ ખાન પર તૂટી પડ્યા હતા અને ચપ્પુનાં ઘા ઝીંક્યા હતા. ઘટના એટલી ઝડપી બની કે આસપાસના લોકો સમજી શકે તે પહેલાં જ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જાહેર રસ્તા પર થયેલી આ હત્યાએ વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
જૂની અદાવત
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓ અને મૃતક એક જ ગામના વતની હતા અને તેમની વચ્ચે અગાઉથી જ રૂપિયાની લેતીદેતીને લઈને વિવાદ ચાલતો હતો. આ વિવાદનાં કારણે બંને પક્ષોમાં અગાઉ પણ રકઝક થયઈ હતી જે અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અગાઉના ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ આયોજનબદ્ધ રીતે હુમલો કર્યો હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે.
પોલીસની ઝડપી કાર્યવાહી
ઘટના બાદ લિંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આસપાસના CCTV ફૂટેજ, સ્થાનિક સૂત્રો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને અલગ-અલગ સ્થળેથી ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. હાલમાં પોલીસ તેમની પુછપરછ કરી રહી છે જેથી હત્યાના અન્ય પાસાઓ અને સંભવિત સહયોગીઓ વિશે વધુ માહિતી મળી શકે.
જાહેરમાં થયેલી આ હત્યાની ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એક વખત પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને, અગાઉથી નોંધાયેલા વિવાદોને સમયસર ઉકેલવામાં ન આવતા આવી ગંભીર ઘટનાઓ સર્જાતી હોવાના મુદ્દેએ ચર્ચા જગાવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવી ઘટનાઓને અટકાવવા માટે વધુ સક્રિય દેખરેખ રાખવામાં આવશે. સાથે જ, નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારના વિવાદને કાયદેસર માર્ગથી ઉકેલવો જોઈએ.
આ પણ વાંચો: 14 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો : સુરત ક્રાઈમ બ્રાન્ચે MPથી કરી ધરપકડ, જાણો કોણ છે આરોપી
હાલમાં પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને આરોપીઓના અગાઉના ગુનાહિત ઈતિહાસ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કેસ સુરત પોલીસ માટે એક મહત્વપૂર્ણ પડકાર રહ્યો હતો જેમાં ઝડપી તપાસ અને આરોપીઓની ધરપકડથી પોલીસને કેસ ઉકેલવામાં સફળતા મેળવી છે.





