Home Gujarat Surat Surat Crime Branch Arrest Kaptaan Singh Sikligar

14 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો : સુરત ક્રાઈમ બ્રાન્ચે MPથી કરી ધરપકડ, જાણો કોણ છે આરોપી

આરોપીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 16, 2026, 08:38 AM IST

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે લાંબા સમયથી ફરાર રહેલા એક મહત્વના આરોપીની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. વર્ષ 2012માં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગંભીર ગુનામાં વોન્ટેડ જાહેર થયેલા કપ્તાનસિંહ સીકલીકરને 14 વર્ષ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ગેરકાયદેસર હથિયારોના સપ્લાય સાથે સંકળાયેલો મુખ્ય વ્યક્તિ માનવામાં આવે છે અને તેના પર પોલીસ લાંબા સમયથી નજર રાખી રહી હતી. 2012માં સુરતમાં 11 પિસ્તોલ અને 65 કારતૂસ સાથે જોડાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં કપ્તાનસિંહ સીકલીકર વિરુદ્ધ કેસ નોંધાયો હતો. આ કેસમાં અન્ય આરોપીઓ ઝડપાઈ ગયા હતા પરંતુ મુખ્ય આરોપી કપ્તાનસિંહ સતત પોલીસ નાસતો ફરતો હતો.

પહાડી વિસ્તારમાં છુપાઈને બચતો રહ્યો આરોપી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કપ્તાનસિંહ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ નજીક આવેલા નેટવર્ક વિહોણા દુરસ્ત અને પહાડી વિસ્તારમાં છુપાઈને રહેતો હતો. મોબાઈલ નેટવર્ક ન હોવાને કારણે અને સ્થાનિક સ્તરે ઓળખ છુપાવીને રહેતા હોવાને કારણે તે લાંબા સમય સુધી પોલીસની પકડથી દૂર રહ્યો હતો. આરોપીની ધરપકડ માટે નામદાર કોર્ટે અગાઉથી જ વોરંટ જાહેર કર્યું હતું. તેમ છતાં તેની ચોક્કસ હિલચાલ વિશે માહિતી મેળવવામાં પોલીસને મુશ્કેલીઓ પડી રહી હતી. છેલ્લા કેટલાક સમયથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેના સંભવિત સંપર્કો અને જૂના નેટવર્ક પર ખાસ નજર રાખવામાં આવી રહી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી : જય દ્વારકાધીશ હોટલ અને GJ-3 ઢોંસા કોર્નરના માલિકોને 6 માસની કેદ સાથે દંડ

લગ્ન પ્રસંગે ફિલ્મી ઢબે કાર્યવાહી

સુરત ક્રાઈમ બ્રાન્ચની સ્કોડ ટીમને તાજેતરમાં ચોક્કસ બાતમી મળી હતી કે કપ્તાનસિંહ સીકલીકર મધ્યપ્રદેશમાં એક લગ્ન પ્રસંગે હાજર રહેવાનો છે. આ બાતમીના આધારે ટીમે સુચિત આયોજન કર્યું અને સ્થળ પર ફિલ્મી ઢબે વોચ ગોઠવી.પોલીસે પ્રસંગ સ્થળે ગુપ્ત રીતે નજર રાખી અને યોગ્ય સમયે આરોપીને દબોચી લીધો. સમગ્ર કાર્યવાહી ખૂબ જ સાવચેતીપૂર્વક કરવામાં આવી હતી જેથી આરોપી ફરીથી ભાગી ન શકે. ધરપકડ બાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સુરત લાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મહેસાણાના કડીમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ : ઈથેનોલ સહિત અંદાજે 150 પેટી બનાવટી દારૂ જપ્ત કરાયો

હથિયારોના ગેરકાયદેસર નેટવર્ક પર અસર

કપ્તાનસિંહ સીકલીકરની ધરપકડથી હથિયારોના ગેરકાયદેસર સપ્લાયના નેટવર્ક અંગે વધુ માહિતી બહાર આવવાની શક્યતા છે. પોલીસ હવે તેની તેની પુછપરછ દ્વારા અન્ય સહયોગીઓ અને સપ્લાય ચેઈન વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

આ કેસ સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારોના પ્રવાહને નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું છે કે આવી કાર્યવાહી દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.

હાલમાં આરોપીને કોર્ટમાં રજુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને તેના રિમાન્ડ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પાસેથી મળતી માહિતીના આધારે જૂના કેસોની ફરી સમીક્ષા પણ થઈ શકે છે. આ સમગ્ર કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચની સતત મહેનત અને ઈન્ટેલિજન્સ નેટવર્કની સફળતા દર્શાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now