નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલી જંગલ સફારી એકતા નગરમાં ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રાણી-પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. અહીં આશરે 100 પ્રજાતિના 1500 જેટલા પ્રાણી-પક્ષીઓને પરિવારજનની જેમ સવિશેષ કાળજી સાથે રાખવામાં આવી રહ્યાં છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં માત્ર પ્રવાસીઓ માટે જ નહીં, પરંતુ પ્રાણી-પક્ષીઓ માટે પણ આરામદાયક વાતાવરણ જળવાઈ રહે તે માટે સંચાલક તંત્ર દ્વારા સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. તાપમાનમાં વધારાને કારણે પ્રાણી-પક્ષીઓ પર થતી અસરને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક રીતે આયોજન કરવામાં આવ્યું છે.
પ્રત્યેક પ્રજાતિ માટે ખાસ ડાયેટ
જંગલ સફારીમાં રહેલા દરેક પ્રાણી અને પક્ષી માટે તેમના સ્વભાવ અને શારીરિક જરૂરિયાત મુજબ ખાસ ડાયેટ પ્લાન બનાવવામાં આવ્યો છે. ઉનાળામાં શરીરને ઠંડક મળે અને પાણીની જરૂરિયાત પૂરી થાય તે માટે ખોરાકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને વિદેશી પ્રજાતિના પ્રાણી-પક્ષીઓ માટે ફળોના રસ, ઠંડક આપતા ફળો અને ફ્રોઝન આઇસ ક્યુબ્સ તથા પોપ્સિકલ્સ જેવી નવીન વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત, પાણીની માત્રા વધારતા ખાદ્યપદાર્થો પણ આપવામાં આવી રહ્યા છે, જેથી તેઓ તંદુરસ્ત અને સક્રિય રહી શકે.
આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળી રાહત : અમદાવાદ-રાજકોટમાં પારો ગગડ્યો, જાણો IMD નવી આગાહી
એસી, કૂલર અને સ્પ્રિંકલરથી ઠંડકનો માહોલ
પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવા માટે આધુનિક સુવિધાઓનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિવિધ એન્ક્લોઝરમાં એર કૂલર, એસી અને પંખા લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને સંવેદનશીલ અને વિદેશી પ્રજાતિઓ માટે તાપમાન નિયંત્રિત વાતાવરણ જાળવવામાં આવી રહ્યું છે. પક્ષીઓ માટે બનાવવામાં આવેલા બર્ડ એવિયરી તેમજ કેટલાક પિંજરામાં સ્પ્રિંકલર સિસ્ટમ લગાવવામાં આવી છે, જેના દ્વારા સતત પાણીનો છંટકાવ થાય છે. આથી આસપાસનું તાપમાન ઓછું રહે છે અને પ્રાણી-પક્ષીઓને કુદરતી ઠંડકનો અનુભવ થાય છે.
મનપસંદ પ્રવૃત્તિઓથી સક્રિયતા જાળવાઈ
ઉનાળામાં પ્રાણી-પક્ષીઓની સક્રિયતા જાળવવી પણ એક પડકારરૂપ બાબત હોય છે. આ માટે જંગલ સફારી તંત્ર દ્વારા એનરિચમેન્ટ એક્ટિવિટીઝ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાણીઓની મનપસંદ પ્રવૃત્તિઓ જેમ કે રમકડાં, ખોરાક શોધવાની પ્રવૃત્તિઓ અને કુદરતી વર્તન પ્રોત્સાહિત કરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ પ્રવૃત્તિઓથી પ્રાણી-પક્ષીઓ માનસિક રીતે સક્રિય રહે છે અને તેમના સ્વભાવમાં કુદરતી સંતુલન જળવાઈ રહે છે.

પર્યટન અને સંરક્ષણનો સંતુલિત અભિગમ
જંગલ સફારી એકતા નગર માત્ર પર્યટન સ્થળ નહીં, પરંતુ વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર પણ છે. અહીં ઉનાળામાં અપાતી સુવિધાઓ દર્શાવે છે કે કેવી રીતે આધુનિક વ્યવસ્થાઓ દ્વારા પ્રાણીઓના આરોગ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ પ્રકારની વ્યવસ્થાઓ અન્ય પ્રાણી ઉદ્યાનો માટે પણ એક ઉદાહરણરૂપ બની શકે છે, જ્યાં પર્યટન સાથે પ્રાણી કલ્યાણનું સંતુલન જાળવવું જરૂરી બને છે.
આ પણ વાંચો: ગુજરાત ગેસે CNGના ભાવમાં કર્યો વધારો : જાણો પ્રતિ કિલોએ થયો કેટલો વધારો, શું થશે અસર
જંગલ સફારી સંચાલન દ્વારા આગળ પણ ઋતુ મુજબ નવી સુવિધાઓ ઉમેરવાની યોજના છે. ઉનાળાની જેમ જ શિયાળો અને ચોમાસામાં પણ પ્રાણી-પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ જાળવવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ સમગ્ર વ્યવસ્થાથી એકતા નગર જંગલ સફારી પ્રાણી કલ્યાણ અને આધુનિક સંચાલનનું એક શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યું છે, જ્યાં પ્રાણીઓની સંભાળને ‘પરિવાર’ જેવી પ્રાથમિકતા આપવામાં આવે છે.





