Home Gujarat Ahmedabad Gujarat Weather Forecast Imd Announces Monsoon Arrival Date Temperature To Drop After 19 May

હવામાન વિભાગનું મોટું અપડેટ : ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે ચોમાસાને લઈને સૌથી મોટા અને રાહતના સમાચાર, જાણો ક્યારથી ઠંડક શરૂ થશે

Gujarat weather forecast 2026
Published by: Nirali Gohil
Last Updated: May 16, 2026, 10:22 AM IST

અમદાવાદ: ગુજરાતભરમાં અત્યારે સૂર્યદેવ આકરા પાણીએ છે અને લૂના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ કાળજાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ તરફથી રાહત આપનારા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. જો કે, ૧૯ મે બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે અને તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાતા લોકોને અસહ્ય બફારા અને ગરમીથી થોડી રાહત મળશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે (Ramashray Yadav) સત્તાવાર બુલેટિન જાહેર કરતા જણાવ્યું છે કે, હાલમાં એક શક્તિશાળી 'સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ' (Cyclonic Circulation System) રાજ્ય તરફ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાશે અને તાપમાનનો પારો ધીમે-ધીમે નીચે ઉતરશે. આ સાથે જ ચોમાસાને લઈને પણ ખૂબ જ આનંદના સમાચાર આપતા તેમણે જણાવ્યું છે કે, આ વર્ષે દેશમાં ચોમાસું તેના નિયત સમય કરતાં આશરે 5 દિવસ વહેલું બેસી જશે, જેના કારણે આગામી દિવસોમાં ગરમીનું જોર ઘટશે.

વલ્લભ વિદ્યાનગર 42.3 ડિગ્રી સાથે સૌથી ગરમ, હજુ 3 દિવસ પારો 41ને પાર રહેશે

છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો આણંદનું વલ્લભ વિદ્યાનગર 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. આ સિવાય અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના મોટા શહેરોમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહ્યું છે. હવામાન વિભાગના મતે, આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી કે તેથી વધુ જ નોંધાશે. બપોરના સમયે પવનની ગતિ ઓછી રહેવાના કારણે લોકોને અસહ્ય અકળામણ અનુભવાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં સુર્યનારાયણ 'કોપાયમાન' : આ 5 જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ, આ વિસ્તારોમાં ફૂંકાશે 'લૂ'; જાણો ક્યારે મળશે કાળઝાળ ગરમીમાંથી રાહત

સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ લાવશે મોટી રાહત

હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપી હતી કે, દરિયા તરફથી ભેજવાળા પવનો ફૂંકાવા અને પડોશી રાજ્યોમાં સક્રિય થયેલી સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર ગુજરાત પર પણ જોવા મળશે. આ અદ્રશ્ય સિસ્ટમ આગામી 3 દિવસમાં વધુ મજબૂત બનશે. આ સિસ્ટમ સંપૂર્ણ સક્રિય થતાંની સાથે જ 19 મેની સાંજથી વાતાવરણના તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થશે. આ દરમિયાન કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે.

ખુશખબર: આ વર્ષે ચોમાસું ૫ દિવસ વહેલું આવશે, કેરળમાં 26 મેના રોજ એન્ટ્રી!

ગરમીથી પરેશાન ગુજરાતીઓ માટે સૌથી મોટા ખુશખબર એ છે કે, આ વર્ષે ચોમાસું (Monsoon 2026) ધમાકેદાર અને વહેલું આવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ બેસતું ચોમાસું આ વર્ષે 5 દિવસ વહેલું એટલે કે 26 મેની આસપાસ સક્રિય થઈ જશે. કેરળમાં વહેલું ચોમાસું બેસવાના કારણે જૂન મહિનાના પ્રથમ કે બીજા અઠવાડિયામાં જ ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદી વાતાવરણ જામશે, જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ખૂબ જ સારા સંકેત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now