Ahmedabadમાં આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો દિવસ અત્યંત વ્યસ્ત રહેવાનો છે. બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા અમિત શાહ અમદાવાદમાં વિવિધ મહત્વપૂર્ણ બેઠકોમાં હાજરી આપશે અને ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ખાસ કરીને શહેરી વિકાસ, પર્યાવરણ, આરોગ્ય અને જાહેર સુવિધાઓ સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ પર તેમનું વિશેષ ધ્યાન કેન્દ્રિત રહેશે.
અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે સવારથી જ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. વહીવટી અધિકારીઓ, સ્થાનિક પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે તેઓ અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરશે. ચાલો જાણીએ અમિત શાહના આજના મિનિટ-ટુ-મિનિટ સંપૂર્ણ કાર્યક્રમ વિશે.
સવારે 10:15 કલાકે – ‘ગ્રીન લોકસભા’ અભિયાનની સમીક્ષા
દિવસની શરૂઆત ‘ગ્રીન લોકસભા’ અભિયાનની સમીક્ષા બેઠકથી થશે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારને હરિયાળો બનાવવાના હેતુથી ચાલી રહેલા વૃક્ષારોપણ અને ગ્રીન ઝોન વિકાસના કાર્યો અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી લેવામાં આવશે.
પર્યાવરણ સંતુલન જાળવવા અને શહેરી વિસ્તારોમાં ગ્રીન કવર વધારવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોની પ્રગતિ અંગે આ બેઠકમાં ચર્ચા થશે.
સવારે 11:15 કલાકે – SG હાઈવે આધુનિકીકરણ અંગે મહત્વપૂર્ણ બેઠક
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સરખેજ-ગાંધીનગર (SG) હાઈવેના આધુનિકીકરણ પ્રોજેક્ટ અંગે અમિત શાહ સમીક્ષા બેઠક કરશે. રાજ્યના સૌથી વ્યસ્ત માર્ગોમાં ગણાતા SG હાઈવે પર વધતી ટ્રાફિક સમસ્યા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અંગે ચર્ચા થવાની છે.
આ બેઠકમાં માર્ગ વિસ્તરણ, ટ્રાફિક મેનેજમેન્ટ, સર્વિસ રોડ અને સ્માર્ટ સુવિધાઓ અંગેની કામગીરી ક્યાં સુધી પહોંચી છે તેની માહિતી લેવામાં આવશે.
સવારે 11:45 કલાકે – તળાવોનું જીર્ણોદ્ધાર અને ‘ઇન્ટરલિંકિંગ’ પ્રોજેક્ટ
ગાંધીનગર લોકસભા વિસ્તારના તળાવોનું જીર્ણોદ્ધાર અને પાણી વ્યવસ્થાપન માટે હાથ ધરાયેલા ‘ઇન્ટરલિંકિંગ’ પ્રોજેક્ટ અંગે પણ મહત્વપૂર્ણ બેઠક યોજાશે. પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે વરસાદી પાણી સંચય અને તળાવો વચ્ચે જોડાણ ઉભું કરવાની યોજના અંગે ચર્ચા કરવામાં આવશે.
શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા વધારવા માટેના પ્રયાસો અંગે અધિકારીઓ પાસેથી પ્રગતિ અહેવાલ લેવામાં આવશે.
બપોરે 12:15 કલાકે – GUDC અને નગર વિકાસ કાર્યોની સમીક્ષા
બપોરે અમિત શાહ GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની), ગાંધીનગર લોકસભા અને માણસા નગરપાલિકા સંબંધિત વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. શહેરી સુવિધાઓ, રોડ-ડ્રેનેજ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નગર વિકાસ યોજનાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા થશે.
આ બેઠકમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સની ગતિ અને અમલીકરણની સ્થિતિ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
બપોરે 1:15 કલાકે – આરોગ્ય સેવાઓ અને ટ્રસ્ટની કામગીરીની બેઠક
બપોરે 1:15 કલાકે સાર્વજનિક હોસ્પિટલોની કામગીરી અને દર્દીઓને મળતી આરોગ્ય સેવાઓ અંગે સમીક્ષા બેઠક યોજાશે. હોસ્પિટલોમાં સુવિધાઓ, મેડિકલ સ્ટાફ, સારવાર વ્યવસ્થા અને આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ચર્ચા કરવામાં આવશે.
આ સાથે જ ઐતિહાસિક અખંડાનંદ અને સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરી અંગે પણ અલગ બેઠક યોજાશે, જેમાં સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવશે.
"હાર નહીં માનુંગા, રાર નહીં ઠાનુંગા" - અટલ બિહારી વાજપેયી: ભારતીય રાજનીતિના એ અજાતશત્રુ, જેમણે ‘કમળ’ને જનતાના હૃદયમાં રોપ્યું
સાંજે 4:15 કલાકે – ‘રમશે બાળક - ખીલશે બાળક’ અભિયાન
સાંજે બાળકોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલા ‘રમશે બાળક - ખીલશે બાળક’ અભિયાન અંતર્ગત ખાસ બેઠક યોજાશે. રમકડાં એકત્રિત કરવાના અભિયાન સાથે જોડાયેલા ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ સાથે અમિત શાહ ચર્ચા કરશે.
બાળકોમાં સર્જનાત્મકતા અને સામાજિક જોડાણ વધારવા માટે આ અભિયાનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સાંજે 4:45 કલાકે – કોર્પોરેટરો સાથે વન-ટુ-વન બેઠક
દિવસના અંતે અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિસ્તારના કોર્પોરેટરો સાથે વન-ટુ-વન બેઠક કરશે. સ્થાનિક સ્તરે વિકાસ કાર્યો, નાગરિક સમસ્યાઓ અને પ્રજાને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
આ બેઠક રાજકીય તેમજ વહીવટી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે તેમાં વિસ્તારવાર પ્રશ્નો અને વિકાસ પ્રાથમિકતાઓ પર સીધી ચર્ચા થશે.
PMની અપીલને ગુજરાતનો મક્કમ જવાબ સંસાધન બચત માટે માર્ગદર્શિકા જાહેર: 11 વાગ્યા સુધી મેટ્રો ચાલશે
આવતીકાલે ગાંધીનગરમાં વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
પ્રવાસના બીજા દિવસે અમિત શાહ Gandhinagarમાં વિવિધ લોકઉપયોગી અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમના પ્રવાસને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.





