Home Gujarat Gujarat Rte Admission First Round Completed Second Round For Vacant Seats

RTE હેઠળ પ્રથમ રાઉન્ડના અંતે 73,000થી વધુ બાળકોનું એડમિશન કન્ફર્મ : હવે ખાલી પડેલી 10,000થી વધુ બેઠકો માટે બીજો રાઉન્ડ યોજાશે

Ahmedabad RTE Admission statistics
Published by: Nirali Gohil
Last Updated: May 16, 2026, 03:55 AM IST

ગાંધીનગર: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ-1માં વિનામૂલ્યે પ્રવેશની પ્રથમ રાઉન્ડની ઓનલાઇન કેન્દ્રીય પ્રક્રિયા સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ છે. ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવાનું સપનું જોતા હજારો વાલીઓ માટે આ રાઉન્ડ અત્યંત મહત્વનો રહ્યો છે, જેમાં પ્રથમ રાઉન્ડના અંતે રાજ્યભરમાંથી 73 હજારથી વધુ બાળકોના એડમિશન સફળતાપૂર્વક કન્ફર્મ (સુનિશ્ચિત) થઈ ચૂક્યા છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, હજારો વાલીઓ એડમિશન મેળવવા માટે કતારમાં છે ત્યારે 4,732 જેટલા વાલીઓએ એડમિશન ફાળવાયું હોવા છતાં પણ કોઈને કોઈ કારણસર પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી અને પોતાની બેઠક જતી કરી છે. વાલીઓ દ્વારા જતી કરાયેલી આ બેઠકો અને અગાઉના રાઉન્ડમાં ન ફાળવાયેલી બેઠકો સહિત હવે રાજ્યમાં કુલ 10,494 બેઠકો ખાલી પડી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ બાકી રહેલી તમામ બેઠકો ભરવા માટે ટૂંક સમયમાં જ પ્રવેશનો બીજો રાઉન્ડ (Second Round) હાથ ધરવામાં આવશે, જે પ્રવેશથી વંચિત રહી ગયેલા વાલીઓ માટે આશાનું નવું કિરણ બનશે.

પ્રથમ રાઉન્ડના આંકડા: 83 હજારથી વધુ બેઠકો સામે 2.42 લાખથી વધુ અરજીઓનો ઘોડાપૂર

આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખાનગી શાળાઓમાં 25 ટકા ક્વોટા મુજબ રાજ્યની 9,500થી વધુ પ્રાઇવેટ સ્કૂલોમાં કુલ 83,687 બેઠકો ઉપલબ્ધ હતી. આ મર્યાદિત બેઠકો સામે સરકારી પોર્ટલ પર કુલ 2,42,500 વાલીઓએ ઓનલાઇન અરજી કરી હતી, જે દર્શાવે છે કે RTE અંતર્ગત એડમિશન મેળવવા માટે વાલીઓમાં ભારે ક્રેઝ છે. સ્કૂટિની (ચકાસણી) પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજોમાં ખામીના કારણે 2,034 અરજીઓ રિજેક્ટ (અમાન્ય) થઈ હતી, જ્યારે 54,588 અરજીઓ અન્ય ટેકનિકલ કે સ્વેચ્છિક કારણોસર કેન્સલ થઈ હતી. આખરે તમામ ફિલ્ટરેશન બાદ કુલ 1,85,878 અરજીઓ પ્રવેશ પ્રક્રિયા માટે માન્ય રાખવામાં આવી હતી. આ માન્ય અરજીઓમાંથી મેરિટ અને સ્કૂલની પસંદગીના આધારે પ્રથમ રાઉન્ડમાં 77,925 બાળકોને સ્કૂલ ફાળવવામાં આવી હતી.

વલસાડમાં અફવાઓથી પેટ્રોલ પંપો પર હાહાકાર: 7 દિવસનો સ્ટોક એક જ દિવસમાં ખતમ

સ્કૂલ પસંદ ન પડતાં 900 વાલીઓએ જાતે જ એડમિશન કેન્સલ કરાવ્યું!

સરકાર દ્વારા નિયમ મુજબ વાલીઓને સ્કૂલે રૂબરૂ જઈને પ્રવેશ કન્ફર્મ કરવા માટે અગાઉ 12મી મે સુધીની મુદત આપવામાં આવી હતી, પરંતુ વાલીઓની સુવિધા માટે સરકારે ત્રણ દિવસનો વધારો કરીને અંતિમ તારીખ 15 મે કરી હતી, જે મુદત વીતી જતાં પ્રથમ રાઉન્ડ સત્તાવાર રીતે પૂરો થયો છે.

આ પ્રથમ રાઉન્ડના અંતે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે:

  • કન્ફર્મ થયેલા એડમિશન: ફાળવાયેલી 77,925 બેઠકોમાંથી 73,193 વાલીઓએ પોતાની શાળામાં જઈને એડમિશન કન્ફર્મ કરાવી લીધું છે.

  • જાતે રદ કરાવેલા એડમિશન: અંદાજે 900 જેટલા વાલીઓએ પ્રવેશ મળ્યા બાદ પણ શાળા પસંદ ન પડવાને કારણે અથવા ઘરથી અંતર વધારે હોવા જેવા કારણોસર એડમિશન જાતે જ રદ કરાવ્યું હતું.

  • ગેરહાજર વાલીઓ: 3,832 વાલીઓ એવા હતા જેમને એડમિશન લેટર મળ્યો હોવા છતાં તેઓ નિયત સમયમર્યાદામાં શાળાએ પ્રવેશ કન્ફર્મ કરાવવા ગયા જ નહોતા.

આમ, એડમિશન મળ્યા બાદ પણ જતી કરાયેલી કુલ બેઠકોની સંખ્યા 4,732 પર પહોંચી છે.

PMની અપીલ બાદ વેજલપુરના MLA અમિત ઠાકર EV સ્કૂટર પર પહોંચ્યા: હરિત પરિવહનનો આપ્યો સંદેશ

બીજા રાઉન્ડમાં કેટલી બેઠકો ઉપલબ્ધ રહેશે? જુઓ ગણિત

પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ હવે જે વાલીઓ વેટિંગ લિસ્ટમાં છે અથવા જેમને હજુ સુધી કોઈ શાળા ફાળવવામાં આવી નથી, તેમના માટે બીજા રાઉન્ડની લોટરી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

બેઠકોની વિગત

સંખ્યા

પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યા બાદ ખાલી રહેલી બેઠકો

4,732

અગાઉ પ્રથમ રાઉન્ડમાં કોઈને ન ફાળવાયેલી બેઠકો

5,762

બીજા રાઉન્ડ માટે ઉપલબ્ધ કુલ ખાલી બેઠકો

10,494

વર્ક ફ્રોમ હોમ અંગે સરકારના પ્રવક્તા મંત્રીનું મોટું નિવેદન: જાણો કેબિનેટની બેઠકમાં શું નિર્ણય લેવાયો

અમદાવાદ જિલ્લો અને કોર્પોરેશન વિસ્તારમાં એડમિશનની સ્થિતિ

જો જિલ્લાવાર આંકડાઓની વાત કરીએ તો રાજ્યના સૌથી મોટા હબ સમાન અમદાવાદ જિલ્લામાં નીચે મુજબની સ્થિતિ રહી છે:

  • અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર: અહીં કુલ 1,883 બાળકોને પ્રથમ રાઉન્ડમાં શાળા ફાળવવામાં આવી હતી, જેમાંથી 1,734 બાળકોના વાલીઓએ એડમિશન કન્ફર્મ કરાવી લીધું છે.

  • અમદાવાદ શહેર (કોર્પોરેશન વિસ્તાર): અમદાવાદ શહેરી વિસ્તારમાં કુલ 13,562 પ્રવેશો ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી રેકોર્ડબ્રેક 12,942 બાળકોના એડમિશન વાલીઓએ કન્ફર્મ કરાવ્યા છે.

શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં જ ઓફિશિયલ વેબસાઇટ પર બીજા રાઉન્ડનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે, જેથી બાકી રહેલા 10 હજારથી વધુ બાળકોને પણ ખાનગી શાળામાં ભણવાની તક મળી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now